ભાણવડના વેરાડી-૨ સિંચાઈ યોજના વિસ્તારમાં તસ્કરોનો આતંક
ખેડૂતોની મોટર અને કેબલની ચોરી થતાં રોષ, પોલીસમાં લેખિત અરજી
ભાણવડ પંથકના સીમ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ચોરી અને તસ્કરીના બનાવોમાં ચિંતાજનક વધારો થતાં સ્થાનિક ખેડૂતોમાં ભારે ફફડાટ અને ચિંતાની લાગણી વ્યાપી ગઈ છે. ખાસ કરીને ભાણવડ તાલુકાના સઈ દેવડીયા ગામે આવેલ વેરાડી-૨ સિંચાઈ યોજનાની આસપાસના વિસ્તારોમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે, જેને પગલે જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો છે.
મળતી વિગતો મુજબ, વેરાડી-૨ સિંચાઈ યોજનાની આસપાસ આશરે ત્રીસેક જેટલા ખેડૂતોના ખેતરો આવેલા છે. હાલ ખેતરોમાં ઊભા પાકને પાણી પાવા માટેની સિંચાઈની કામગીરી જોરશોરથી ચાલી રહી છે, જેના માટે ખેડૂતોએ સિંચાઈ યોજના પર પોતાની ઇલેક્ટ્રિક મોટર, કેબલ અને સ્ટાર્ટર વગેરે જેવી સામગ્રી ગોઠવી રાખી છે. આ સ્થિતિ વચ્ચે કહેવાતા તસ્કરો રાત્રિના સમયે અંધકારનો ગેરલાભ ઉઠાવીને વાડી વિસ્તાર અને સિંચાઈ યોજના પર રાખેલી મોંઘીદાટ ઇલેક્ટ્રિક મોટરો તેમજ કેબલ-સ્ટાર્ટરની ચોરી કરી નાસી છૂટ્યા હોવાના બનાવો સામે આવ્યા છે. ચોરીના આ આખા ચક્રવ્યૂહને કારણે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
આ ચોરીના તાજેતરના બનાવ અંગે સ્થાનિક ખેડૂત ભીમશીભાઇ રાવલીયા અને પ્રવીણભાઈ ગોવાભાઇ દ્વારા ભાણવડ પોલીસ મથકમાં લેખિત અરજી આપીને સમગ્ર મામલાની વિગતવાર જાણ કરવામાં આવી છે. ખેડૂતોએ પોતાની અરજીમાં જણાવ્યું છે કે ખેતરમાં પાણી પૂરું પાડવા માટે સિંચાઈ યોજનામાં મૂકેલી ઇલેક્ટ્રિક મોટર તેમજ કેબલ-સ્ટાર્ટરની ચોરી થઈ ગઈ છે. ખેડૂતોએ પોલીસ તંત્ર પાસે આ વિસ્તારમાં રાત્રિ પેટ્રોલિંગ વધારવાની અને તસ્કરોને વહેલી તકે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.