જામનગર : મીઠાપુરમાં દરિયામાં કેમીકલયુકત પાણી છોડતી ટાટા કેમીકલ્સને હાઇકોર્ટનો તમાચો
લપડાક: સમુદ્વમાં પ્રદૂષિત પાણી છોડવાના ચકચારી કેસમાં કંપની મેનેજમેન્ટનો ઉઘડો લઇ હાઇકોર્ટે તમામ માંગણી ફગાવી દીધી આગામી ૪ મેના વધુ સુનાવણી, કંપની દરિયામાં ગંદુ પાણી ઠાલવતી હોય સરકારે પ્રતિબંધ મૂકતા હાઇકોર્ટમાં અરજી કરી હતી
મીઠાપુરમાંં દરિયામાં કેમીકલયુકત પાણી છોડવાના ચકચારી કેસમાં હાઇકોર્ટે કંપની મેનેજમેન્ટનો ઉઘડો લઇ તમામ માંગણી ફગાવી દઇ સણસણતો તમાચો ઝીંકયો છે. આ કેસની વધુ સુનાવણી આગામી ૪ મેના રોજ થશે. કંપની દરિયામાં ગંદુ પાણી ઠાલવતી હોય સરકારે પ્રતિબંધ મૂકતા હાઇકોર્ટમાં અરજી કરી હતી. અત્રે નોંધનીય છે કે, ટાટા કંપની દ્વારા દરિયામાં બેફામ અને ખુલ્લેઆમ પ્રદૂષણ કરવામાં આવતું હોય દરિયાકાંઠે કમર સુધી પ્રદૂષણના થર જામી ગયા છે. આટલું જ નહીં પ્રદૂષણના કારણે દરિયાદઇ જીવ સૃષ્ટી અને જનઆરોગ્ય જોખમાયું છે.
મીઠાપુરમાં આવેલી ટાટા કેમીકલ્સ કંપની દ્વારા દરિયામાં કેમીકલયુકત અને ગંદુ પાણી છોડવામાં આવતું હોય પાણીના આ નિકાલ સામે સરકારે પ્રતિબંધ મૂકયો હતો. આથી કંપનીએ વર્ષ-૨૦૦૧માં હાઇકોર્ટમાં અરજી કરી હતી. આ અરજીની સુનાવણીમાં છેલ્લા ૨૬ વર્ષથી કંપની દ્વારા નિયમોનો સરેઆમ ઉલાળીયો કરી દરિયામાં કેમીકલયુકત પાણી છોડવામાં આવી રહ્યું હોય કંપની મેનેજમેન્ટનો ઉધડો લીધો હતો. આટલું જ નહીં ખાસ ટકોર કરી હતી કે ટાટા કેમીકલ્સ કંપની દરિયામાં ગંદુ પાણી છોડી શકે નહીં. કેમીકલયુકત પાણી કોઇના આંગણામાં કેવી રીતે છોડી શકાય? આમ કંપનીએ કરેલી માંગણી કોઇ પણ પ્રકારે સ્વીકાર્ય નથી.
જેની સામે કંપનીએ હાઇકોર્ટને ખાતરી આપી હતી કે, નવી પાઇપલાઇન શ થયા પછી જૂની ઓપન ચેનલ દ્વારા પાણી છોડવાનું બંધ કરી દેવાશે. આથી સરકાર દ્વારા જાહેર કરેલા અમુક ઓર્ડર રદ કરવામાં આવે અને કંપનીને મરીન નેશનલ પાર્ક-સેન્ચ્યુરી વિસ્તારમાં પાઇપલાઇનની મરામત અને જાળવણી કરવાની પણ મંજૂરી આપવામાં આવે. તદઉપરાંત કંપનીને તેની ફેકટરીમાંથી દરિયામાં વેસ્ટવોટર છોડવાની પણ મંજૂૂરી આપે અને સરકાર દ્વારા કં૫ની સામે કોઇ કાર્યવાહી કરવામાં ન આવે તેવી માંગણી કરી હતી. પરંતુ હાઇકોર્ટે આ તમામ માંગણી ફગાવી એટલે કે નામંજૂર કુરી દીધી હતી. સમુદ્વમાં પ્રદૂષિત પાણી છોડવાના કેસમાં સરકારના પ્રતિબંધ બાદ કંપનીએ હાઇકોર્ટમાં અરજી કરી આ માંગણી કરી હતી. પરંતુ હોઇકોર્ટે આ તમામ માંગ ફગાવી દીધી હતી. આ કેસની વધુ સુનાવણી આગામી ૪ મે ના રોજ થશે. ત્યારે હાઇકોર્ટ આ ચકચારી કેસમાં કેવું વલણ અખત્યા કરશે તેના પર સૌની મીટ મંડાઇ છે.
અત્રે નોંધનીય છે કે, મીઠાપુરમાં ટાટા કંપની દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી પ્રદૂષણ ફેલાવામાં આવી રહ્યું હોવા છતાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના સ્થાનિક અધિકારીઓ ફકત નોટીસ ફટકારી સંતોષ માની લે છે. આથી જીપીસીબીના અધિકારીઓની કામગીરી સામે શંકા અને સવાલ ઉઠ્યા છે. બીજી બાજુ સતત વધતા પ્રદૂષણથી પર્યાવરણ અને જનઆરોગ્ય પર જોખમ ખૂબજ વઘ્યું છે.