BREAKING NEWS

ખંભાળીયા "ટોક ઓફ ધ ટાઉન"કેસમા જાણીતા વકીલ સાહેબ વિરૂધ્ધના ચેક રીર્ટન કેસોમાં તેઓના માણસ મેહુલ પરમારને સજા ફટકારતી અદાલત

  • July 01, 2026 05:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળીયા "ટોક ઓફ ધ ટાઉન"કેસમા જાણીતા વકીલ સાહેબ વિરૂધ્ધના ચેક રીર્ટન કેસોમાં તેઓના માણસ મેહુલ પરમારને સજા ફટકારતી અદાલત

"શ્રી સરકાર"ની જમીન વેચી પૈસા પડાવીને રકમ પરત ચુકવવા આપેલ ચેક પણ રીર્ટન થતાં જાણીતા વકીલના માણસને સજા ફટકારી ફરીયાદીને "ન્યાય" આપતી અદાલત

આ કેસની ટુંકમાં હકીકત એવી છે કે, ખંભાળીયામાં દોઢસો વર્ષ જુની પેઢી 'સોની કાંતિલાલ દેવકરણ' ના માલીક મૈલિકભાઈ વાયાને સને-૨૦૧૫ માં જમીનમાં રોકાણ કરવું હોય, તેમને ત્યાં આવતાં ગ્રાહકો ધ્વારા ખંભાળીયાના નામી વકીલ કમલભાઈ ત્રિવેદી સાથે વાત-ચીત થયેલી. વકીલ કમલભાઈ ત્રિવેદી અને તેનાં માણસ મેહુલભાઈ પરમારએ વેપારી મૈલિકભાઈને મીઠી-મીઠી વાતો કરી લગભગ સવા કરોડ જેવા રોકાણ માટે તૈયાર કરી દીધા અને 'સોનાની લગડી' જેવો પ્લોટ છે તેમ કહી સલાયા-ખંભાળિીયા રોડ પર સરકારી હોસ્પીટલ સામે આવેલ એક પ્લોટ બતાવેલ અને જણાવેલ કે બહુ'કસમાં' આ પ્લોટ વેચવાના છે. આમ સોની વેપારી મૈલિકભાઈને વકીલ સાહેબે વાતોમાં બહેલાવી જણાવેલ કે, અમોએ આ પ્લોટ વેંચાણ કરારથી લઈ લીધેલ છે. હવે તમને કરાર કરી આપીશ અને કાગળો કલીયર કરાવી દઈશ, હાલ અમુક રકમ આપો, બાકીની રકમ કાગળો કલીયર કરાવી દસ્તાવેજ કરી આપું ત્યારે આપજો આમ કહી રૂા.૧,૧૧,૦૦,૦૦૦/- અંકે રૂપિયા એક કરોડ અગિયાર લાખ પુરાનો સોદો કરી ધીમે ધીમે રૂા.૬૦,00,000/-જેવી રકમ મેળવી લીધેલી. ત્યારબાદ લાંબો સમય થઈ ગયો હોવા છતાં કાગળો કલીયર ન થતાં અને એ જમીન 'શ્રી સરકાર'ની હોવાથી જમીન સરકારના અન્ય પ્રોજેકટમાં ઉપયોગમાં લેવાઈ જતા વેપારીને પોતે છેતરાઈ ગયાની ખબર પડી ગઈ તેથી વેપારીએ વકીલ સાહેબ અને તેના માણસ પાસે પોતાની રકમ પાછી માંગતા શરૂઆતમાં તેઓએ ધકકાઓ ખવડાવ્યા બાદ અને માત્ર વાયદાઓ આપ્યા બાદ વકીલ સાહેબ કમલ ત્રિવેદી અને તેના માણસ મેહુલ પરમારે અલગ અલગ રકમના ત્રણ ચેકો લખી આપેલા હતા.

જે ત્રણેય ચેકો બેંકોમાં જમા કરાવતા "રીર્ટન" થયેલ અને વેપારીને તેની લેણી રકમ મળેલ નહીં, જેથી મૈલિકભાઈ તેઓના વકીલ મારફત 'લીગલ ડીમાન્ડ નોટીસ' આપેલ જે નોટીસ પછી પણ વકીલ સાહેબે કોઈ રકમ ચુકવેલ નહીં જેથી ના-છૂટકે સોની વેપારીએ ખંભાળીયાની ફોજદારી અદાલતમાં વકીલ સાહેબ કમલભાઈ ત્રિવેદી, તેઓની દિકરી તથા તેઓના માણસ મેહુલ પરમાર સામે અલગ અલગ અલગ ધી.નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની જોગવાઈઓ હેઠળ ફોજદારી ફરીયાદ દાખલ કરેલી જેમાં અદાલતે તેઓને સમન્સ નોટીસ કરતાં તેઓએ હાજર થઈ ફરીયાદનો વિરોધ નોંધાવેલો.

જે ફરીયાદ ચાલી જતા આરોપી વકીલ સાહેબ વતી તેઓના વકીલે ફરીયાદી સોની વેપારી મૈલિકભાઈ વાયાની લગભગ આઠ-દશ મુદતો સુધી લાંબી લાંબી ઉલટ તપાસ લેવામાં આવેલી હતી. વકીલ સાહેબ ધ્વારા કાયદામાં મળવા પાત્ર તમામ 'બચાવો'ની ઉડાણ પૂર્વક ઉલટ તપાસ કરેલી અને ફરીયાદી વેપારીને "ખોટા સાબિત" કરવા જોરદાર લડત આપેલી હતી. તે સામે ફરીયાદી તથા ફરીયાદીના વકીલ ધ્વારા "સાચી હકીકતો"ને વળગી રહેતા અને તમામ પુરાવાઓ રેકર્ડ પર સાબીત કરતા લાંબી લાંબી દલીલો અને અનેક હાઈકોર્ટ તથા સુપ્રિમ કોર્ટના ચુકાદાઓ ના સમર્થન થી આ કાનુની લડતમાં ફરીયાદીએ "સત્યની જીત" સાથે ન્યાય મેળવેલ છે. અને ખંભાળીયાના એડી.ચીફ જયુડી.મેજી.સાહેબે​​​​​​​ વકીલ સાહેબના માણસ આરોપી મેહુલ જેન્તીલાલ પરમારને ચેક રીર્ટનના ગુન્હામાં "ગુન્હેગાર" ઠરાવી એક વર્ષની કેદની સજા તથા ચેક ની રકમનો દંડ કરી તે રકમ ફરીયાદીને દિવસ-૩૦માં ચુકવી આપવાનો અને જો ના ચુકવે તો વધુ સજાનો હુકમ કરેલ છે.

આ ખુબ ચકચારી અને 'ટોક ઓફ ધ ટાઉન' કેસમાં સોની વેપારી મૌલિકભાઈ વાયા વતી જામનગરના જાણીતા વકીલ અનિલ જી.મહેતા અને એસોસીએશનના અર્જુનસિંહ સોઢા, વિવેક એસ.જાની, રધુવિરસિંહ જાડેજા, તથા પાયલ રાઠોડ તથા ઈન્ટર્ન દેવી ચાવડા રોકાયેલા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application