BREAKING NEWS

જામનગરમાં એલપીજી-પીએનજી બંને જોડાણના ગ્રાહકોનો તાળો તંત્રને મળતો નથી..!

  • March 28, 2026 01:47 PM 
  

જામનગરમાં એલપીજી-પીએનજી બંને જોડાણના ગ્રાહકોનો તાળો તંત્રને  મળતો નથી..!

શહેર-જિલ્લામાં ૩,૩૧,૮૦૯ એલપીજી અને ૬૩૧૪૦ પીએનજી ગ્રાહકો, નોંધણી બાદ સમયસર ઘરેલું ગેસના બાટલા ન મળતા હોવાની ફરિયાદો


જામનગરમાં રાંધણગેસની બૂમાબૂમ વચ્ચે એલપીજી અને પીએનજી બંને જોડાણ કેટલા ગ્રાહકો ધરાવે છે તેનો તાળો તંત્રને ન મળતા આશ્ર્ચર્યની સાથે અનેક સવાલ ઉઠયા છે. પાઇપલાઇનથી ગેસ મેળવતા ગ્રાહકોને એલપીજી બાટલા સરેન્ડરના સરકારી ફરમાનના અમલીકરણ સામે પણ પ્રશ્ર્નાર્થ સર્જાયા છે. શહેર-જિલ્લામાં ૩,૩૧,૮૦૯ એલપીજી અને ૬૩૧૪૦ પીએનજી ગ્રાહકો તંત્રના ચોપડે નોંધાયેલા છે. જો કે, હાલમાં નોંધણી બાદ સમયસર ઘરેલું ગેસના બાટલા ન મળતા હોવાની ફરિયાદો ગ્રાહકોમાં જોરશોરથી ઉઠી છે.

મઘ્ય પૂર્વના દેશો વચ્ચે ચાલી રહેલા યુઘ્ધના કારણે ગેસની આયાતમાં ધરખમ  ઘટડાથી જામનગર સહીત દેશભરમાં રાંધણગેસની કાગારોળ મચી ગઇ છે. કોર્મશીયલ ગેસના બાટલાની સપ્લાય તો ૨૨ દીવસથી બંધ થતાં હોટલ-રેસ્ટોરન્ટધારકો લાકડા પર ભોજન બનાવવા મજબૂર બન્યા છે. ત્યારે ખુદ સરકારે પણ દેશમાં એલપીજી સપ્લાયને ચિંતાનો વિષય ગણાવ્યો છે. બીજી બાજુ ઓઇલ માર્કેટીંગ કં૫નીઓ દ્રારા રાંધણગેસના ઓનલાઇન બુકીંગની સમયમર્યાદામાં વધારો કર્યો છે. જે અનુસાર ઉજજવલા યોજનાના ગ્રાહકો ડીલીવરી બાદ ૪૫ દીવસ પછી, સીંગલ બોટલ કનેકશન ધારકો ૨૫ દીવસ અને ડબલ બોટલ કનેકશનધારક ૩૫ દીવસ બાદ ઓનલાઇન બુકીંગ કરી શકશે. જયારે સરકારે પાઇપલાઇનથી રાંધણગેસ મેળવતા ગ્રાહકો કે જેઓ એલપીજી કનેકશન પણ ધરાવતા હોય તેઓને એલપીજી કનેકશન સરેન્ડર કરવાનું ફરમાન કર્યું છે. 

પરંતુ ખાટલે મોટી ખોટ એ છે કે, જામનગર શહેર-જિલ્લામાં એલપીજી અને પાઇપલાઇન બંને ગેસનું જોડાણ ધરાવતા ગ્રાહકો કેટલા છે તેનો તાળો તંત્રને હજુ મળતો નથી. કારણ કે, ઓનલાઇન સીસ્ટમમાં બંને જોડાણ ધરાવતા ગ્રાહકો કેટલા તેનો કોઇ ડેટા કે નોંધ નથી. આથી પીએનજી ગ્રાહકો એલપીજી નોંધાવી તેનો ફાયદો ઉઠાવી રહ્યાની શકયતા પણ નકારી શકાતી નથી. જેના કારણે ફકત એલપીજી કનેકશન ધરાવતા ગ્રાહકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. નવાઇની વાત તો એ છે કે, જે ગ્રાહકો પાઇપલાઇનથી ઘરેલું ગેસ મેળવતા હોય અને એલપીજી કનેકશન હોય તેઓને એલપીજી જોડાણ સરેન્ડર કરવા સરકારે ફરમાન કર્યું છે. પરંતુ આ ફરમાનનું કેટલું અમલીકરણ થયું છે તેની સામે પણ સવાલ ઉભા થયા છે. ગલ્ફવોરના કારણે ગેસની આયાતની ચેનને ભારે ધકકો લાગતા સપ્લાય ખોરંભે ચડી છે ત્યારે રાંધણગેસના બુકીંગની સમયમર્યાદા કે જેમાં વધારો કરાયો હોવા છતાં બુકીંગ બાદ પણ ચારથી પાંચ દીવસે રાંધણગેસના બાટલાની ડીલીવરી ન થતા પારવાર હાલાકીનો સામનો કરવો પડી રહ્યાની ફરિયાદો ગ્રાહકોમાં ઉઠી છે. 
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application