અમૂલ દૂધમાં ભેળસેળની આશંકા, અધિકારીઓએ પશુપાલકને ત્યાં પાડ્યા દરોડા

  • February 25, 2023 04:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભેળસેળ કરી મહેમદાબાદ તાલુકાનો પશુપાલક રોજનું 1 હજાર લીટર દૂધ ભરતો હોવાની ફરિયાદ પછી કાર્યવાહી



મહેમદાવાદ તાલુકાના રૂદણ ગામના એક પશુપાલક પાસે માત્ર 20 જેટલા દુધાળા પશુ હોવા છતાં મોટી માત્રામાં દૂધ ભરવામાં આવતું હોવાથી ભેળસેળની શંકા એક જાગૃત નાગરિકને થઈ થઈ હતી. તેણે આ વાતની માહિતી આપતાં અમૂલના અધિકારીઓની ટીમ તરત જ ત્યાં દોડી આવી હતી અને 1 હજાર લીટર દૂધના ટેન્કરને સીલ કર્યું હતું તેમજ દૂધના સેમ્પલ પણ લીધા હતા. આ સેમ્પલને હાલ એફએસએલમાં મોકલવામાં આવ્યા છે રિપોર્ટ આવ્યા બાદ પશુપાલક સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. સમગ્ર કિસ્સાની વાત કરીએ તો, એક જાગૃત નાગરિક દ્વારા અમૂલના અધિકારીઓને તેવી રજૂઆત કરવામાં આવી હતી કે, ગામની સીમમાં તબેલો ધરાવતા પશુપાલક પાસે 20 પશુઓ છે અને તેઓ 1 હજાર લીટર દૂધ ભરે છે. આટલા ઓછા પશુ હોવા છતાં મોટી માત્રામાં દૂધ કેવી રીતે ભરે છે તે એક સૌથી મોટો સવાલ છે.




અમૂલના અધિકારીઓ તરત જ સ્થળ પર પહોંચ્યા હતા. તેમણે 1 હજાર લીટર દૂધના સેમ્પલ લીધા હતા અને લેબમાં મોકલ્યા હતા. રિપોર્ટ આવ્યા બાદ તેઓ પગલાં લેશે તેમ જણાવ્યું હતું. અધિકારીઓએ પશુપાલકને આટલું દૂધ ક્યાંથી લાવો છો તેમ પણ પૂછ્યું હતું. જેના જવાબમાં તેણે અન્યસ્થળથી લાવતો હોવાનું કહ્યું હતું. હાલ ટેન્કરને સીલ માર્યું છે. રિપોર્ટ આવ્યા બાદ જ પશુપાલકની સામે કેવી કાર્યવાહી કરવી તે નક્કી કરવામાં આવશે. આ સિવાય રૂદણ દૂધ મંડળીમાં પણ અધિકારીઓ આગામી સમયમાં તપાસ કરશે.



અમૂલ ડેરીના ચેરમેન વિપુલ પટેલે કહ્યું હતું કે 'અમૂલ ડેરીના કાર્યક્ષેત્રમાં આવતાં આણંદ, ખેડા અને મહીસાગર જિલ્લામાં આવેલી દૂધ મંડળીઓમાં દૂધ ઉત્પાદકો દ્વારા આપવામાં આવતા દૂધની ગુણવત્તા અંગે કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં. જો કોઈ દૂધમાં ભેળસેળ કરવાનો પ્રયાસ કરશે અથવા ગેરરીતિ કરશે તો અમે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરીશું'.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application