સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં મનોવિજ્ઞાન ભવનનો સર્વે : માનવીના મન, મૂડ, સ્વભાવ અને વ્યવહાર પર ઋતુની થાય છે આ પ્રકારની અસર

  • April 14, 2023 08:48 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શિયાળો, ઉનાળો અને ચોમાસું આપણા મન, મૂડ, સ્વાભાવ અને વ્યવહાર પર ઊંડી અસર પાડતું હોય છે. શિયાળામાં જે સારી રીતે વ્યવહાર કરતી વ્યક્તિ ઉનાળામાં ઉકળી જતી હોય તો તેમાં ઋતુચક્રની અસર છે તેવું IQACનાં પ્રોજેક્ટના સંશોધનમાં જોવા મળ્યું. વ્યક્તિના વર્તન અને સ્વભાવ પર ઘણા બધા ઘટકોની અસર થતી હોય છે. જેમાં ખાસ કરીને બદલાતી જતી ઋતૂઓની વ્યક્તિના વ્યક્તિત્વ ખાસ કરીને સત્વ, રજસ અને તમસ શીલગુણ અને તેના સમાયોજન પર કેવી અસર થાય છે તે અંગેનો એક રીસર્ચ પ્રોજેક્ટ સૌરાષ્ટ્ર યુનિ.નાં IQAC દ્વારા મનોવિજ્ઞાન ભવનના અધ્યાપક ડો.ડીમ્પલ રામાણીને આપવામાં આવ્યો હતો. જેના રોચક તારણો દરેક લોકો સુધી પહોચે અને વ્યક્તિના વર્તન પર ઋતુઓની કેવી અસર થાય છે જેની જાણ થઇ શકે એ હેતુથી સંશોધનના તારણો અહી રજુ કરવામાં આવ્યા છે. આ સંશોધન ૧૫૦૦ લોકો પર ત્રણ ઋતુઓના સમય દરમિયાન એટલે કે શિયાળો, ઉનાળો અને ચોમાસામાં માહિતી એકઠી કરીને કરવામાં આવ્યો છે.


કોઈપણ વ્યક્તિ પૃથ્વીના ગર્ભમાં, સપાટી પર કે અંતરીક્ષમાં ક્યાંય પણ જાય છતાં તેઓ ઋતુગત અસરથી બચી શકતા નથી. જન્મથી લઈને મૃત્યુ સુધી આપણા વ્યક્તિત્વ પર તેની અસર થાય છે. ઋતુ આપણને પસંદ હોય કે ન હોય તે આપણને હંમેશાં પ્રભાવિત કરે છે. સવારના ઉઠતાની સાથે જ આપણને સ્વચ્છ અને વાદળી આકાશ દેખાય છે તે સમયે ન તો વધારે ગરમી હોય અને ન તો ઠંડી, હળવો પવન વહેતો હોય તો આપણી સવાર જાતે જ ખુશખુશાલ બની જાય છે. આપણે આપણી મુશ્કેલીઓ ભૂલી જઈએ છીએ અને આપણને શારીરિક પીડાઓનો પણ ઓછો અનુભવ થાય છે. તેનાથી વિરુદ્ધ જો સવારમાં પુષ્કળ વરસાદ આવી રહ્યો હોય, વાવાઝોડું હોય, ખૂબ જ ઠંડો પવન વહી રહ્યો હોય અથવા હવા બિલકુલ ઓછી હોય ત્યારે જાતે જ આપણો સ્વભાવ ચીડિયો બની જાય છે.


એ જ રીતે જો દિવસ દરમિયાન પુષ્કળ વરસાદ થાય અથવા ખૂબ વાવાઝોડું આવે તો ઘણીવાર આપણે આપણા કાર્યો પાછળ ઠેલવતા હોઈએ છીએ. જો કોઈ અગત્યના કામથી બહાર નીકળવું પડે તો પૂરી તૈયારી હોવા છતાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. એ જ રીતે રાત્રી દરમિયાન ખૂબ ઠંડી અથવા બપોરના સમયે પુષ્કળ ગરમીમાં પણ બને ત્યાં સુધી આપણે બહાર જવાનું ટાળતા હોઈએ છીએ. તેનાથી વિપરીત મધ્યમ પવન અને ઓછી ગરમી હોય તેમજ યોગ્ય ઠંડક હોય તો લોકો વધારે સમય સુધી બહાર ફરવાનું પસંદ કરે છે.


શિયાળાની વ્યક્તિ પર થતી અસર


શિયાળાના સમયમાં સોનેરી તડકો આવતો હોય ત્યારે લોકો કલાકો સુધી પાર્કમાં કે અન્ય જગ્યા પર ફરવાનું પસંદ કરે છે. સારી ઋતુ અને વાતાવરણમાં કવિઓ અને લેખકો પણ જુમી ઊઠે છે અને તેમના મગજમાં જાતે જ નવા વિચારો ઉત્પન્ન થાય છે. તેઓ સારું લેખન પણ કરી શકે છે. સામાન્ય વ્યક્તિ કે જેઓ ભાવુક અને સંવેદનશીલ હોતા નથી તેઓ પણ આવા વાતાવરણમાં ખુશ બની જતા હોય છે. આજ સુધી કોઈ તેવા કવિ નથી જેમને ખૂબ તપતા તડકામાં અથવા ગરમીમાં, ખૂબ જ વધારે પડતી ઠંડીમાં શૃંગાર રસની કવિતા લખી હોય. આવી ઋતુ સારા એવા મૂડને બગાડી શકે છે.

 
ઋતુ ગમે તેટલી સારી કેમ ન હોય જો તે સતત અને ઘણા અઠવાડિયા સુધી એક સમાન ચાલતી રહે તો પણ લોકો તેનાથી કંટાળી જાય છે. તેમાં પરિવર્તન જરૂરી છે. જો તે પરિવર્તન ન થાય તો પણ સ્વભાવમાં ચીડિયાપણું અને ઉદાસીનતા આવી જાય છે. લાંબા સમય સુધી એક સરખી ઋતુ શારીરિક દ્રષ્ટિએ પણ નુકસાન કરી શકે છે.


ચોમાસાની વ્યક્તિ પર થતી અસર


ચોમાસામાં સત્વ ગુણમાં વધારો જોવા મળે છે. ચોમાસા દરમિયાન આપણે જોઈએ છીએ કે ઘણા લોકોને સિઝનલ અફેક્ટિવ ડિસઓર્ડરની અસરો જોવા મળે છે જેમાં વ્યક્તિને કામ કરવાની આળસ, એકલું રહેવું અને આરામ કરવો વધારે ગમતો હોય છે. જેના કારણે ઘણી વખત વ્યક્તિની પાચન શક્તિ મંદ પડી જતી હોય છે. ઘણા બધા ધાર્મિક તહેવારોએ ચોમાસાના સમયગાળા દરમિયાન આવતા હોય લોકો આ સમયમાં વ્રત ઉપવાસ વધુ કરતા જોવા મળે છે. તો ચોમાસા દરમિયાન સત્વગુણ વધવાથી વ્યક્તિની ભોજન શૈલીમાં પણ પરિવર્તન આવે છે. આમ તેની સાથે ધાર્મિક બાબતો પણ ક્યાંક જોડાયેલી હોય તેવું અનુભવાય છે. ચોમાસામાં પાચન શક્તિ પર સીધી અસર થતી હોય છે. પાચન શક્તિ ખુબ જ મંદ પડે છે અને તેની અસર વ્યક્તિના કાર્ય પર પડતી હોય છે. સુસ્તી અને બેચેની ચોમાસામાં વધુ જણાતી હોય છે.


ઉનાળામાં વ્યક્તિ પર થતી અસર


 ઉનાળામાં ગરમીનું પ્રમાણ વધાવાના કારણે તમસ પ્રકૃતિમાં વધારો જોવા મળે છે. ગરમી વધવાના કારણે શરીરમાં થતા પરિવર્તનો તમસ ગુણ વધવાનું કારણ બની રહે છે. ગરમીનું પ્રમાણ વધતા વ્યક્તિની આક્રમકતા અને ગુસ્સામાં વધારો થતો જોવા મળે છે. ઘણા કિસ્સાઓમાં આપણે જોઈએ છીએ કે ઉનાળાના સમયમાં વ્યક્તિ વ્યક્તિ વચ્ચેના ઝઘડાઓનું પ્રમાણ વધતું હોય છે, નાની વાતમાં એકબીજા સાથે વધુ લડાઈઓ કરતા જોવા મળે છે. ક્રોધ, અદેખાઈ અને ઈર્ષા પણ તમસ સાથે જોડાયેલ છે.


સ્ત્રીઓની તુલનામાં પુરૂષોમાં સત્વગુણનું પ્રમાણ વધારે જોવા મળે છે. પુરૂષોમાં સહજતા અને તાર્કિક બાબત હોય છે માટે તે જેનો સ્વીકાર કરે તે શાંત ચિતે અને તર્ક સાથે કરે છે માટે તેઓમાં ઉદ્વેગ હોતો નથી જ્યારે સ્ત્રીઓમાં સ્ત્રી સહજ ઈર્ષા અને અદેખાઈ હોવાથી આત્મીયતા ઓછી હોય છે.


યુવાનો કરતા વૃદ્ધોમાં સત્વગુણનું પ્રમાણ વધુ જોવા મળે છે. આજનો યુવાન ભારતીય સંસ્કૃતિ ભૂલી ઈલેક્ટ્રોનિક ગેજેટસનો ઉપયોગ કરે છે તે ભૌતિક સાધનોનાં ઉપયોગના કારણે યુવાનો તેમાં ફસાઈ ગયા છે તેના કારણે તેનામાં સત્વગુણ ઓછું થયું છે.  સાથે વિવિધ પ્રકારના બાહ્ય ભોજન અને આક્રમકતા દર્શાવતી ગેમ્સ પણ આક્રમકતામાં વધારો કરે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application