ગામડાઓમાં અંધશ્રદ્ધા ચરમસીમાએ : 'અમે માતાજીને લાપસી ધરી દીધી છે એટલે અમારે કોરોનાની રસીની જરૂર નથી'

  • June 18, 2021 04:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોના મહામારી સામે લડવાનો એકમાત્ર ઉપાય મહત્તમ વેક્સિનેશન છે. જોકે અનેક ગામડાઓમાં લોકો વેક્સિનથી દૂર ભાગી રહ્યા છે. જેની પાછળ મુખ્યત્વે અંધશ્રદ્ધા જવાબદાર છે. જસદણ પંથકમાં આવેલ વિંછીયા ગામે લોકોને વેક્સિન ન લેવાનું કારણ પૂછતાં તેમના મગજમાં ઘર કરી ગયેલી અંધશ્રદ્ધા જોવા મળી હતી. કોરોનાની વેક્સિન ન લેવી પડે તે માટે ગામવાસીઓએ માતાજીને નિવેદન ધરી દીધી હોય હવે વેક્સિનની કોઈ જરૂર ન હોવાનું રટણ કર્યું હતું તો આવા અનેક તારણો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના અધ્યાપકો સામે રજૂ કર્યા હતા.

 

ગામવાસીઓ દ્વારા વેક્સિન ન લેવા પાછળનું અંધશ્રદ્ધા ભરેલાં તર્ક 

 

* એક વયોવૃદ્ધ દાદાએ જણાવ્યું કે કોરોનામાં મારી પત્નીનું અવસાન થયું. એનું ઓક્સિજન ઘટી ગયું હતું ત્યારથી મેં નક્કી કર્યું છે કે પીપળો, પીપર અને વડના વૃક્ષો સમગ્ર ગામમાં વાવવા. કારણ કે પીપળાના પાનમાં શ્રી કૃષ્ણ પોઢેલા છે તેને પીપળો જ ઓક્સિજન આપે છે. ત્રણ વૃક્ષ દરેકના આંગણામાં હોવા જ જોઇએ. પીપળો, પીપર અને વડલો એ હોય એટલે કોઈ રસી લેવી ન પડે. આ ત્રણ વૃક્ષ બધાની જ રક્ષા કરે છે કેમકે તેમાં દેવોનો વાસ હોય છે. 

 

* વેક્સીન ન લેવાય. કુદરત અમારી સાથે છે તો અમારે વેક્સીન લેવાની શું જરૂર? અમે આખા ગામે લાપસી કરીને માતાજીને ધરી દીધી છે. લાપસી કરી નાખીએ એટલે કુદરત અમને કશું ન થવા દે માટે અમારે કોરોનાની રસી લેવાની જરૂર નથી. જે લોકો માઁને ભૂખી રાખે એને જ રોગ ભરખે, નિવેદ કરો, માનતા રાખો અને માતાજીની આરતી, પૂજા પાઠ કરો એટલે કોઈ રોગ ક્યારેય ન આવે.

 

* કોરોના અમારા ગામમાં આવે જ નહીં. અમારા આખા ગામમાં ઘરે ઘરે દિવા કરવામાં આવે છે. ઘરના આંગણે અને દરવાજા પાસે જ દીવો કરીએ છીએ એટલે કોરોના દરવાજેથી જ ભાગી જાય. જો કોરોના જ ન આવે તો આવી રસીની અમારે જરૂર નથી. અમારે લેવી પણ નથી. એ વળી શું રસી લેવી?      

 

* ગયા વખતે કોરોનાને ભગાડવા થાળી વગાડવાનું કહ્યું હતું. તે સાચું જ છે. અમે રોજ સંધ્યા ટાણે ઝાલર વગાડીએ છીએ ઘરે ઘરે એટલે કોરોના અમારા ગામમાં આવતો નથી અમને ભગવાન પર શ્રદ્ધા છે, અમારા ગામનું રખોપુ કરવા ભગવાન બેઠો છે. શહેરમાં નાસ્તિકો છે માટે ત્યાં બધી આફતો આવે.      

              

* હવે કોઈ રસી લેવાની જરૂર જ નથી. વાવાઝોડું જે આવ્યું તે ભગવાને એટલે જ મોકલ્યું હતું કે રોગની જીવાત બધી હવામાંથી જતી રહે. વાવાઝોડું અમારી પ્રાર્થનાથી આવ્યું હતું. જુઓ વાવાઝોડા પછી કોઈને કોરોના થતો નથી. ભગવાન મોટો કે સરકાર?        

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS