BREAKING NEWS

જામનગરમાં ધો. ૧૨ ના પરિણામથી નિરાશ થઈ ઘર છોડનાર વિદ્યાર્થીને શોધી કાઢયો

  • July 06, 2026 12:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં ધો. ૧૨ ના પરિણામથી નિરાશ થઈ ઘર છોડનાર વિદ્યાર્થીને શોધી કાઢયો

હેમખેમ પરિવારને સોંપ્યો : મિલનથી સર્જાયા ભાવુક દૃશ્યો

જામનગરના પટેલ કોલોની વિસ્તારના રહેવાસી બારમા ધોરણના એક વિદ્યાર્થીએ પરીક્ષામાં ઓછા ગુણ આવતાં ડિપ્રેશનમાં આવી ઘર છોડી દીધું હતું. જોકે જામનગર પોલીસના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર તથા બેડી મરીન પોલીસ સ્ટેશનની ટિમ ની સતર્કતા અને સતત કામગીરીના કારણે વિદ્યાર્થીને હેમખેમ શોધી કાઢવામાં સફળતા મળી હતી. બાદમાં તેને પરિવારને સોંપવામાં આવતાં પોલીસ મથકે ભાવુક દૃશ્યો સર્જાયા હતા.
​​​​​​​
મળતી માહિતી મુજબ પટેલ કોલોની, શેરી નંબર૫ વિસ્તારમાં રહેતો એક વિદ્યાર્થીએ ગયા વર્ષે બારમા ધોરણની પરીક્ષા આપી હતી, જેમાં તેને અંદાજે ઓછા ગુણ મળ્યા હતા. ત્યારબાદ તેણે પૂરક પરીક્ષા આપી હતી, પરંતુ તેમાં પણ ઓછા  ગુણ મળતાં તે ભારે નિરાશામાં સરી પડ્યો હતો.

ગઈકાલે સાંજે આશરે પાંચ વાગ્યાના સમયે તે પોતાના ઘરે બેડીરોજી બંદર તરફ જવાનું કહી સાઇકલ લઈને નીકળી ગયો હતો. મોડી રાત સુધી ઘરે પરત નહીં ફરતાં પરિવારજનો ચિંતિત બન્યા હતા અને પોલીસનો સંપર્ક કર્યો હતો. માહિતી મળતાં જામનગર પોલીસના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી. બી. સિંગલ તથા પરેશભાઈ ખાણધર સહિતની ટીમે શહેરના બેડી બંદર તરફના કેટલાક સીસીટીવી કેમેરા ચકાસતાં વિદ્યાર્થી રોજી બંદર તરફ ગયો હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ બેડી મરીન પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી હતી.

બેડી મરીન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ.વી. પીપરોતરના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઈ. ફિરોઝભાઈ દલ ઉપરાંત પોલીસ હેડ કોન્સ્ટેબલ વિપુલભાઈ વરૂ, કોન્સ્ટેબલ કેતનભાઈ ગાગલીયા, મુસ્તુફા સોતા વગેરે સ્ટાફે આખી રાત સતત શોધખોળ હાથ ધરી હતી. રોજી બંદર વિસ્તાર, દરિયાકાંઠો, મીઠાં ના અગર સહિતના અનેક સ્થળોએ તપાસ કરવામાં આવી હતી તેમજ સ્થાનિક લોકોને પણ વિદ્યાર્થી અંગે માહિતી આપવામાં આવી હતી.

આખરે આજે સવારે આશરે સાડા સાત વાગ્યે વિદ્યાર્થી રોજી બંદર નજીકથી હેમખેમ મળી આવ્યો હતો. પોલીસે તેને સાંત્વના આપી બેડી મરીન પોલીસ સ્ટેશન લાવ્યો અને ત્યારબાદ તેના પિતા વિકાસસિંહ ભરતસિંહ જાડેજા અને માતા ને જાણ કરી હતી.

પોલીસ મથકે પહોંચેલા માતા-પિતાએ પુત્રને હેમખેમ જોઈ તેને ભેટી પડતાં હાજર સૌની આંખો હર્ષભીની થઈ ગઈ હતી. પોલીસે વિદ્યાર્થીને હિંમત આપી ભવિષ્યમાં આવી રીતે નિરાશ થઈ કોઈ ઉતાવળનું પગલું ન ભરવા સમજાવ્યું હતું. સાથે જ પરિવારને પણ વિદ્યાર્થીને માનસિક સહકાર અને હૂંફ આપવાની સલાહ આપી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application