જામનગરમાં આદર્શ આચાર સંહિતાનો કડક અમલ: ૨૧૦ કીઓસ્ક અને ૩૦૬ ભીંતચિત્રો હટાવાયા
જામનગર મહાપાલિકાની ચુંટણી તા.૨૬ના રોજ જાહેર થઇ ગઇ છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા ચુંટણીની આદર્શ આચારસંહિતાનો અમલ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જેના ભાગરૂપે બે દિવસથી હોર્ડિંગ્સ, કીઓસ્ક બોર્ડ, ભીંત ચિત્રો, નાના સાઇન બોર્ડ, હટાવી દેવામાં આવ્યા છે.
મ્યુ.કમિશનર ડી.એન. મોદીની સુચનાથી એસ્ટેટના વડા મુકેશ વરણવા, અનવર ગજ્જણ, સહિતના અધિકારીઓએ ટીમને સાથે રાખીને શહેરમાં ભીંતચિત્રો, કીઓસ્ક બોર્ડ ઉતારવાનું શરૂ કર્યું હતું. બે દિવસમાં ૨૧૦ કીઓસ્ક બોર્ડ, ૩૦૬ ભીંતચિત્રો અને ૧૨ નાના સાઇન બોર્ડ તેમજ ૨૦૦ જેટલા ફલેગ ઉતારી લેવામાં આવ્યા હતા. આજ સવારથી જ શહેરના કેટલાક વિસ્તારોમાં આચારસંહિતાનો અમલ કરાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. હજુ કેટલાક વિસ્તારોમાં મોટા મોટા હોર્ડિંગ્સ પણ લાગેલા છે તે પણ આચારસંહિતામાં આવતા હશે તો તે પણ ઉતારી લેવામાં આવશે.