ધો.10નું પરિણામ ઓનલાઇન જાહેર: પરંતુ કોઇ જોઇ નહીં શકે કારણ કે...

  • June 30, 2021 10:47 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એ-1 ગ્રેડવાળા વિદ્યાર્થીઓની સંખ્યામાં તોતીંગ વધારો: ગયા વર્ષે 4.80 લાખ અને આ વર્ષે 8.57 લાખ વિદ્યાર્થીઓ પાસ થયા

 


ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ગયા વર્ષની સરખામણીએ આ વખતે એ-1 ગ્રેડવાળા વિદ્યાર્થીઓની સંખ્યામાં તોતીંગ વધારો થયો છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં સૌથી વધુ રાજકોટ જિલ્લામાં વિદ્યાર્થીઓએ એ-1ગ્રેડ મેળવ્યો છે. બોર્ડે ઓનલાઇન પરિણામ જાહેર કર્યુ છે પરંતુ અગાઉના વર્ષોની માફક આ વર્ષે કોઇ જોઇ નહીં શકે. શાળા સંચાલકો પરિણામ ડાઉનલોડ કરીને ગુણપત્રકની નકલ સીધા વિદ્યાર્થીઓને આપશે.

 


બોર્ડ દ્વારા આ વખતે ઓનલાઈન પરિણામ જાહેર કરવામાં આવ્યું છે અને પ્રત્યેક શાળા પોતાના વિદ્યાર્થીને પરિણામ આપશે. અગાઉ ઓનલાઈન પરિણામ જોઈ શકાતું હતું પરંતુ આ વખતે તે વ્યવસ્થા બંધ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓનું પરિણામ તૈયાર કરવાની સંપૂર્ણ સત્તા માસ પ્રમોશનના કારણે જે તે શાળાઓને સોંપવામાં આવી હતી અને શાળા સંચાલકોએ ખોબા ભરીને માકર્સ પોતાના વિદ્યાર્થીઓને આપ્યા છે જેના કારણે એ-1 ગ્રેડમાં વિદ્યાર્થીઓની સંખ્યા અનેકગણી વધી ગઈ છે. ગયા વર્ષે માત્ર 1671 વિદ્યાર્થીઓને એ-વન ગ્રેડ મળ્યો હતો. જ્યારે આ વર્ષે એ-1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 17186 થવા પામી છે.

 


ગયા વર્ષે ધો.10માં 480845 વિદ્યાર્થીઓ પાસ થયા હતા. જેની સામે આ વર્ષે 857204 વિદ્યાર્થીઓ પાસ થયા છે. ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે 376359 વિદ્યાર્થીઓ વધુ પાસ થયા છે. રાજકોટ જિલ્લામાં 41739 વિદ્યાર્થીઓ પાસ થયા છે અને 2056 વિદ્યાર્થીઓએ એ-1 ગ્રેડ મેળવ્યો છે જે સમગ્ર સૌરાષ્ટ્રમાં સૌથી વધુ છે.

 


સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓની વાત કરીએ તો અમરેલીમાં 417, જૂનાગઢમાં 1018, જામનગરમાં 541, ભાવનગરમાં 1166, સુરેન્દ્રનગરમાં 411, પોરબંદરમાં 118, બોટાદમાં 122, દ્વારકામાં 165, ગીર-સોમનાથમાં 307 અને મોરબી જિલ્લામાં 476 મળી સૌરાષ્ટ્રમાં કુલ 6797 વિદ્યાર્થીઓને એ-1 ગ્રેડ મળ્યો છે. 18743 વિદ્યાર્થીઓને એ-2 ગ્રેડ મળ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS