કોરોનાને પગલે કાલથી બે દિવસ ઉદ્યોગોમાં સ્વયંભૂ લોકડાઉન

  • April 21, 2021 03:30 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતમાં લોકડાઉન કરવું કે નહીં તે અંગે હજુ રાજ્ય સરકાર મૂંઝવણમાં છે ત્યારે રાજકોટના ઉદ્યોગકારોએ બે દિવસ નું સ્વેચ્છિક લોકડાઉન આપ્યું છે. આજે રાજકોટની અલગ-અલગ ઇન્ડસ્ટ્રીઝના પ્રતિનિધિઓએ કલેકટરને મળીને આ અંગે રજૂઆત પણ કરી હતી અને આવતીકાલ અને ગુરુવારે એમ બે દિવસ માટે શાપર વેરાવળ, લોધીકા,આજી, એન્જિનિયરિંગ એસોસિયેશન, રાજકોટ ચેમ્બર સહિત એસોસિએશનના પ્રતિનિધિઓએ સવર્નિુમતે એવો નિર્ણય લીધો હતો કે કોરોના ની કડી ને તોડવા માટે ફેકટરીઓ બંધ રાખવી જરૂરી છે આથી વધારે સમય નું લોકડાઉન નહીં પરંતુ બે દિવસ માટે એકમકારો તેમના એકમો સ્વયંભૂ બંધ રાખે તે માટે એસોસિએશન દ્વારા એક સરકયુલર પણ જાહેર કરી દેવામાં આવ્યો છે અને જેમાં મોટાભાગના ઉદ્યોગકારોએ સહમતી દાખવી છે.

 

 


રાજકોટના વિવિધ એસોસિએશનના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે, હાલની સ્થિતિ થી બધા પરિચિત છે અને આ મહામારી દિનપ્રતિદિન વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે ત્યારે કોરોના ની સામે ઝઝૂમવા માટે સાવચેતી અને તકેદારી રાખવી આવશ્યક છે આથી રાજકોટમાં આવેલા ઉદ્યોગો અને ધંધાઓ સાથે સંકળાયેલા અનેક પરિવારો કોરોનાની ઝપટે ન ચડે તે માટે બુધવાર અને ગુરુવારે બે દિવસ માટે સ્વયંભૂ રીતે ઉદ્યોગો સંપૂર્ણ બંધ રાખશે.

 

 


વધુમાં ઉદ્યોગકારો એમ પણ જણાવ્યું હતું કે હાલની સ્થિતિએ ઉદ્યોગો અનેક મુશ્કેલી ભરી પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે અને તેના પર સંખ્યાબંધ પરિવારો નું ભરણપોષણ અને ગુજરાત ચાલે છે આ ઉપરાંત જો વધુ દિવસ લોકડાઉન રાખવામાં આવે તો કામદારો પણ ફરી માદરે વતનનો માર્ગ અપ્નાવે આથી આ બાબતની પણ અમને ચિંતા કરી છે અને બીજી તરફ કોરોનાની સાંકળ તોડવા માટે રાજકોટ એન્જિનિયરિંગ એસોસિયેશન, શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રિઅલ એસોસિએશન, રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ,આજી ,જીઆઇડીસી લોધીકા જીઆઇડીસી ,લોથડા પડવલા ઇન્ડસ્ટ્રીઅલ એસોસીએશન સહિત અન્ય ઔદ્યોગિક એસોસિયેશન એ પણ સહમતી દાખવી છે અને આવતીકાલે તારીખ 21 ને બુધવાર અને 22 ને ગુરુવારે એમ બે દિવસ તમામ ઇન્ડસ્ટ્રી સ્વયંભૂ રીતે સંપૂર્ણ બંધ રાખશે.

 

 

 

ઔદ્યોગિક વિસ્તારોમાં પણ કોરોનાનો પગ પેસારો
રાજકોટમાં કોરોનાની રફતાર યથાવત રહી છે, શહેરમાં દિનપ્રતિદિન કેસમાં ઉછાળો આવ્યો છે ત્યારે રાહતની વાત અત્યાર સુધી એ હતી કે ઇન્ડસ્ટ્રીયલ એરીયા માં કોરોના એ પગ પેસારોએ કર્યો ન હતો. ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ખૂબ જ સાવધાની અને તકેદારી રાખવામાં આવતી હતી ફેક્ટરીઓમાં કામ કરતા શ્રમિકો ત્યાં જ વસવાટ કરતા હતા બહાર ની અવરજવર હોવાથી કોરોનાના કેસ નહીં બરાબર હતા. જોકે છેલ્લા એક સપ્તાહમાં અલગ-અલગ ઔદ્યોગિક વિસ્તારોમાં કોરોના ના કેસ નોંધાતા ઉદ્યોગકારોમાં પણ ચિંતા વધી હતી. અમુક ઈન્ડસ્ટ્રીઝમાં મોટાભાગનો સ્ટાફ કોરોનાની ચડ્યો છે, જેનાલીધે કામગીરી ને બ્રેક લાગી હોવાનું ઉદ્યોગકારો જણાવી રહ્યા છે. આ બે દિવસના લોકડાઉન દરમ્યાન અતિઆવશ્યક માં જેમ કે દવા બનાવતી ફેક્ટરીઓ ચાલુ રહેશે.

 

 

 

શહેરની સોની બજારમાં આવતી કાલથી પાંચ દિવસનું લોકડાઉન
કોરોના ના કેસ ના પગલે રાજકોટના સોની મહાજનો એલર્ટ થઈ થઈ ગયા છે. છેલ્લા બે સપ્તાહથી બે દિવસ દુકાનો બંધ રાખ્યા બાદ હવે ફરી આજે આવતીકાલથી રવિવાર સુધી સોની બજાર સંપૂર્ણ બંધ રહેશે તેવો નિર્ણય આજે સોની વેપારીઓ દ્વારા લેવામાં આવ્યો છે. રાજકોટ ગોલ્ડ ડીલર્સ એસોસિએશન ના ચેરમેન પ્રભુદાસભાઈ પારેખ અને પ્રમુખ ભાયાભાઈ સાવલિયાએ જણાવ્યું હતું કે, રાજકોટમાં કોરોના ની વણથંભી રફતાર જોવા મળી રહી છે સૌથી વધુ કેસ સાથે અનેક લોકોના મોત પણ થઈ રહ્યા છે ત્યારે કોરોના ની ચેઈન તોડવા માટે અમારે વેપારીઓએ પણ સાથ આપવો જોઈએ આખી હાલની સ્થિતિને પારખીને રાજકોટની સોનીબજાર આવતીકાલે બુધવારથી 25 એપ્રિલ રવિવાર સુધી સજ્જડ બંધ રહેશે. અમારા આ નિર્ણયમાં સોની બજાર માં આવેલા તમામ વેપારીઓ અને કારીગરો એ પણ મંજૂરી આપી છે જેને લઇને હવે પાંચ દિવસ સુધી લોકડાઉન રહેશે. કોરોના ના પ્રથમ વેવમાં પણ અનેક સોની વેપારીઓ કોરોના નો ભોગ બન્યા હતા અને હાલમાં પણ જે રીતે કોરોના ના કેસ આવી રહ્યા છે તેમાં અનેક વેપારીઓ અને કારીગરો પરિવારજનો સાથે કોરોનાની ઝપટે ચડ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS