જામનગર: પવનચક્કીથી ઓશવાળ હોસ્પિટલ રોડ પરના સ્પીડ બ્રેકર બન્યા ‘જીવલેણ’
તંત્રની ઘોર બેદરકારી: શું તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે? : શું કોઈ નિર્દોષનો જીવ લેવાયા પછી જ કલરના પટ્ટા મારવામાં આવશે?
જામનગર મહાનગરપાલિકાનું તંત્ર કેટલી હદે સુષુપ્ત અવસ્થામાં અને બેદરકાર છે તેનો જીવતો-જાગતો પુરાવો શહેરના હાર્દ સમાન અને ૨૪ કલાક ધમધમતા હોસ્પિટલ રોડ પર જોવા મળી રહ્યો છે. પવનચક્કી સર્કલથી ઓશવાળ હોસ્પિટલ તરફ જવાના મુખ્ય માર્ગ પરથી રોજના હજારો નાગરિકોની અવરજવર રહે છે. આ અતિ વ્યસ્ત રોડ પર ટ્રાફિક નિયંત્રણ માટે તંત્ર દ્વારા આશરે ૪ થી ૫ જેટલા સ્પીડ બ્રેકરો તો ઠોકી દેવામાં આવ્યા છે, પરંતુ છેલ્લા કેટલાય મહિનાઓથી આ સ્પીડ બ્રેકરો પર કાયદા મુજબના પીળા કે સફેદ રંગના થર્મોપ્લાસ્ટિક માર્કિંગના પટ્ટા મારવાની તંત્ર તદ્દન ભૂલી ગયું છે. વાહનોની ગતિ ધીમી પાડવા માટે બનાવાયેલા આ ગતિરોધકો અત્યારે વાહનચાલકો માટે કાળ સમાન સાબિત થઈ રહ્યા છે, કારણ કે રાત્રિના ઘનઘોર અંધારામાં આ કાળા ડામર રોડ પર કલર વગરના સ્પીડ બ્રેકરો બિલકુલ નજરે પડતા નથી.
આશ્ચર્ય અને આક્રોશની વાત તો એ છે કે, હજુ હમણાં જ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જામનગરના મહેમાન બન્યા ત્યારે શાસકો અને અધિકારીઓએ વાહવાહ લૂંટવા માટે આખા શહેરને કરોડો રૂપિયાના ખર્ચે રોશનીથી ઝગમગાવી દીધું હતું, ઠેર-ઠેર કલરકામ અને રંગરોગાનના નામે સરકારી નાણાં પાણીની જેમ વહાવી દેવાયા હતા. પરંતુ જે રોડ પર નાગરિકોના જીવનું જોખમ છે, તેવા પવનચક્કીથી ઓશવાળ હોસ્પિટલ રોડના સ્પીડ બ્રેકર પર માત્ર થોડા લીટર કલર લગાવવાની સામાન્ય બુદ્ધિ કે તત્પરતા આ આંધળા તંત્રએ દાખવી નથી. વીઆઈપીના સ્વાગત માટે દોડતું તંત્ર સ્થાનિક જનતાની સુરક્ષાના મામલે કેમ ઘોર નિદ્રામાં પોઢી જાય છે, તેવા આકરા સવાલો અત્યારે જામનગરની જનતા પૂછી રહી છે.
આ માર્ગ માત્ર સામાન્ય રોડ નથી, પરંતુ હોસ્પિટલ તરફ જતો રસ્તો હોવાથી અહીં દર્દીઓ, એમ્બ્યુલન્સ અને સગર્ભા મહિલાઓની અવરજવર સતત રહે છે. રાત્રિના સમયે દૂરથી આવતા વાહનચાલકોને અંધારામાં સ્પીડ બ્રેકરનો અંદાજ આવતો નથી, પરિણામે ફૂલ સ્પીડમાં આવતી મોટરસાયકલો કે કાર સીધી હવામાં ઉછળે છે.
સ્થાનિકો ભારે ચિંતા સાથે જણાવી રહ્યા છે કે, સદનસીબે હજુ સુધી કોઈ મોટી દુર્ઘટના ઘટી નથી, પરંતુ જો કોઈ ટુ-વ્હીલર પાછળ ગર્ભવતી મહિલા બેઠી હોય અને અંધારામાં આ સ્પીડ બ્રેકરના કારણે બાઈક જોરદાર ઉછળે કે સ્લિપ થાય, તો પટકાવવાના કારણે ગર્ભસ્થ શિશુ અને માતા બંનેના જીવ જઈ શકે છે. શું કોર્પોરેશનનું આ તંત્ર આવી કોઈ હૃદયદ્રાવક ઘટનાની કે કોઈ માસૂમના મોતની રાહ જોઈને બેઠું છે? આ એક અત્યંત નાનું કામ છે, પણ તેની આળસના કારણે સર્જાતી સમસ્યા ખૂબ જ ગંભીર અને જીવલેણ છે.
જામનગરના જાગૃત નાગરિકો, સ્થાનિકો અને વાહનચાલકો દ્વારા તંત્ર સમક્ષ ઉગ્ર માંગ કરવામાં આવી છે કે આ કુંભકર્ણની નિદ્રામાંથી જાગીને તાત્કાલિક ધોરણે તમામ સ્પીડ બ્રેકરો પર રિફ્લેક્ટર પટ્ટા લગાવવામાં આવે, જેથી રોજ-રોજ થતા અકસ્માતો અટકે અને કોઈ નિર્દોષ નાગરિકને પોતાનો જીવ ગુમાવવાનો વારો ન આવે.