જામનગરના યુવા ફિલ્મમેકરની શોર્ટ ફિલ્મને આંતરરાષ્ટ્રીય સન્માન
લોસ્ટ એન્ડ ફાઉન્ડ નામની શોર્ટ ફિલ્મને વધુ એક ખિતાબ પ્રાપ્ત થયો: નગર માટે ગૌરવની વાત
જામનગરના યુવા ફિલ્મમેકર કૃશાંગ વડગામાની શોર્ટ ફિલ્મ લોસ્ટ એન્ડ ફાઉન્ડને વધુ એક મોટી સિદ્ધિ મળી છે. પુણે, મહારાષ્ટ્ર ખાતે યોજાયેલા ગ્લોબલ ઈન્ડિયા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ફિલ્મને ’બેસ્ટ ડ્રામા ૨૦૨૬ શોર્ટ ફિલ્મ’ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે.
આ સમગ્ર ફિલ્મનું શૂટિંગ જામનગરમાં કરવામાં આવ્યું છે. ફિલ્મને અત્યાર સુધી ૧૧થી વધુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ્સમાં ઓફિશિયલ સિલેક્શન મળ્યું છે અને વિવિધ મંચો પર પ્રદર્શિત કરવામાં આવી છે.
ફિલ્મમાં જાણીતા સ્વર્ગસ્થ ગુજરાતી અભિનેતા જય વિઠલાણીના પુત્ર દર્શ વિઠલાણી, યોગ ધ્રુવે અને સુગ્નેશ ભટ્ટ મુખ્ય ભૂમિકામાં જોવા મળે છે. આ ફિલ્મની સૌથી ખાસ વાત એ છે કે કૃશાંગ વડગામાએ એકલા હાથે ફિલ્મના લેખન, દિગ્દર્શન, સિનેમેટોગ્રાફી, એડિટિંગ, ડી.આઈ., સાઉન્ડ ડિઝાઇનિંગ અને પ્રોડક્શન સહિતની તમામ મહત્વની જવાબદારીઓ નિભાવી છે.
ફિલ્મ હાલમાં યુટ્યુબ પર ઉપલબ્ધ છે, જેથી દર્શકો તેને નિહાળી શકે છે. ઉપરાંત, કૃશાંગ વડગામા જામનગરના પ્રથમ એવા દિગ્દર્શક બન્યા હોવાનું જણાવવામાં આવે છે જેમની ફિલ્મ ઈંખઉબ પર નોંધાઈ છે. આ સિદ્ધિ જામનગરના ફિલ્મક્ષેત્ર માટે ગૌરવની બાબત માનવામાં આવી રહી છે.