BREAKING NEWS

જામનગર ખાતેની સૈનિક સ્કૂલ બાલાચડીનું શિવાજી હાઉસ ઇન્ટર હાઉસ બાસ્કેટબોલ 2026–27નું ચેમ્પિયન થયું...

  • July 07, 2026 11:23 AM 

જામનગર ખાતેની સૈનિક સ્કૂલ બાલાચડીનું શિવાજી હાઉસ ઇન્ટર હાઉસ બાસ્કેટબોલ 2026–27નું ચેમ્પિયન થયું...
​​​​​​​

સૈનિક સ્કૂલ બાલાચડી, જામનગર ખાતે હાલમાં શૈક્ષણિક સત્ર 2026–27 માટેની ઇન્ટર હાઉસ બાસ્કેટબોલ ચેમ્પિયનશિપ ચાર દિવસ સુધી ઉત્સાહભેર યોજાઈ હતી. સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન કેડેટ્સે રમતગમતની શ્રેષ્ઠતા, ટીમવર્ક, શિસ્ત અને ખેલદિલીનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું.

લીગ-કમ-નોકઆઉટ પદ્ધતિથી યોજાયેલી આ ચેમ્પિયનશિપમાં શાળાના છ સિનિયર હાઉસોએ ભાગ લીધો હતો. ટીમોને બે પુલમાં વિભાજિત કરવામાં આવી હતી. પૂલ–'A'માં ગરુડ હાઉસ, શિવાજી હાઉસ અને સરદાર પટેલ હાઉસ, જ્યારે પૂલ–'B'માં પ્રતાપ હાઉસ, આંગ્રે હાઉસ અને ટાગોર હાઉસનો સમાવેશ કરવામાં આવ્યો હતો. કાંટાની ટક્કર બાદ શિવાજી હાઉસ અને ટાગોર હાઉસ ફાઇનલમાં પહોંચ્યાં.

રોમાંચક ફાઇનલ મુકાબલામાં શિવાજી હાઉસે શાનદાર રમતનું પ્રદર્શન કરીને ચેમ્પિયનશિપનો ખિતાબ પોતાના નામે કર્યો, જ્યારે ટાગોર હાઉસ ઉપવિજેતા રહ્યું. સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન વિજેતા ટીમના ખેલાડીઓએ ઉત્તમ કૌશલ્ય, દૃઢ મનોબળ અને સુમેળભર્યા ટીમવર્કનો પરિચય આપ્યો.

વ્યક્તિગત એવોર્ડમાં ટાગોર હાઉસના કેડેટ યુવરાજને 'બેસ્ટ બાસ્કેટબોલ પ્લેયર ઓફ ધ ચેમ્પિયનશિપ' જાહેર કરવામાં આવ્યા, જ્યારે આંગ્રે હાઉસના કેડેટ આરવ પટેલને તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ  "ઉભરતો શ્રેષ્ઠ ખેલાડી"નો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો.
સમાપન સમારોહમાં  'શૌર્ય ચક્ર' થી સન્માનિત કર્નલ ઈશ્વર સિંહ દહિયા, મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે ડૉ. ક્રિષ્ના દહિયા વિશિષ્ટ અતિથિ તરીકે હાજર રહ્યા હતા. મુખ્ય મહેમાને તાળીઓના ગડગડાટ વચ્ચે વિજેતા શિવાજી હાઉસને ચેમ્પિયનશિપ ટ્રોફી અર્પણ કરી હતી.

કેડેટ્સને સંબોધતાં તેમણે વિજેતા, ઉપવિજેતા તથા તમામ સહભાગી ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા અને જણાવ્યું કે રમતગમત માત્ર જીત કે હાર પૂરતું સીમિત નથી, પરંતુ ટીમવર્ક, શિસ્ત, સમયનું સંચાલન, પરસ્પર વિશ્વાસ અને સતત અભ્યાસ જીવનમાં સફળતાની સાચી ચાવી છે. તેમણે કેડેટ્સને ક્યારેય હાર ન માનવાની ભાવના, અવિરત મહેનત અને સંઘર્ષ દ્વારા જીવનમાં ઉચ્ચ શિખરો સર કરવાની પ્રેરણા આપી.

આ સમગ્ર ચેમ્પિયનશિપના ઇન્ચાર્જ તરીકે શ્રી શંકરરાવ ગંધમ (પીજીટી – કેમિસ્ટ્રી) એ સફળ આયોજન કર્યું હતું. મેચોના રેફરી તરીકે સીએચએમ મનવીર ભંડારી, હવલદાર રાઠોડ અમૃતે નિષ્પક્ષ અને સફળ કામગીરી બજાવી હતી.

સમાપન સમારોહમાં કાર્યકારી આચાર્ય કમાન્ડર હરિ રામ પુનિયા, વાઇસ પ્રિન્સિપાલ સ્ક્વોડ્રન લીડર રાકેશ તિવારી, શિક્ષકગણ, સ્ટાફ અને કેડેટ્સ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન દર્શકોનો ઉત્સાહ અને ખેલાડીઓની રમતિયાળ ભાવનાએ આ ચેમ્પિયનશિપને યાદગાર બનાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application