BREAKING NEWS

 જામનગર:​​​​​​​ દેશની ઊર્જા સુરક્ષા સામે ગંભીર ખતરો ઊભી કરતી ખાવડીની ટ્રાન્સપોર્ટ કાર્ટેલ નેસ્તનાબૂદ કરવી અનિવાર્ય

  • May 18, 2026 10:11 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર:​​​​​​​ દેશની ઊર્જા સુરક્ષા સામે ગંભીર ખતરો ઊભી કરતી ખાવડીની ટ્રાન્સપોર્ટ કાર્ટેલ નેસ્તનાબૂદ કરવી અનિવાર્ય


કડક કાર્યવાહી નહીં થાય તો જામનગરની સ્થિતિ “સ્ટેટ ઓફ હોર્મુઝ” જેવી થવાનો ભય


જામનગર નજીક આવેલી મોટી ખાવડી ખાતે સ્થિત દેશની અતિ મહત્વપૂર્ણ રિફાઈનરીમાંથી દેશના વિવિધ રાજ્યોમાં પેટ્રોલ, ડીઝલ અને એલ.પી.જી. (રાંધણ ગેસ) જેવી જીવનજરૂરિયાતની અતિ આવશ્યક ચીજવસ્તુઓનું મોટા પાયે પરિવહન કરવામાં આવે છે.


દેશભરમાં વિવિધ વિતરણ કંપનીઓ દ્વારા રસ્તા અને રેલવે માર્ગે આ ઇંધણ પહોંચાડવાની વ્યવસ્થા કાર્યરત છે. જુદી જુદી કંપનીઓ પોતાના ટેન્કરો મારફતે મોટી ખાવડી રિફાઈનરીમાંથી ઇંધણ ભરીને દેશના ચારે ખૂણે પહોંચાડે છે અને દેશની ઇંધણ પુરવઠા વ્યવસ્થામાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે.


તાજેતરમાં મોટી ખાવડી વિસ્તારમાં સર્જાયેલી એક ગંભીર ઘટનાએ સમગ્ર ઇંધણ પરિવહન વ્યવસ્થા સામે ચિંતાજનક પ્રશ્નો ઊભા કર્યા છે. માહિતી અનુસાર, કેટલાક સ્થાનિક તત્વોએ ગેરકાયદેસર મંડળી રચીને બહારથી આવતા ટેન્કર ચાલકો સામે ધાકધમકીનો માહોલ ઉભો કર્યો હતો. માત્ર એટલું જ નહીં, પરંતુ ટેન્કર ડ્રાઈવરો પાસેથી બિલ્ટી સહિતના મહત્વના દસ્તાવેજો આચકી લેવામાં આવ્યા અને કેટલાક દસ્તાવેજો ફાડી નાખવામાં આવ્યા હોવાની પણ ફરિયાદ થવા પામી છે.


આ ગેરકાયદેસર દબાણ અને ધમકીના કારણે અંદાજે 102 જેટલા ટેન્કરોને ઇંધણ ભરવાની પ્રક્રિયામાં રોકવામાં આવ્યા હતા. એટલું જ નહીં, ટેન્કરોને સળગાવી દેવાની ધમકી આપવામાં આવી હતી.આ પ્રકારની પ્રવૃત્તિ માત્ર કાયદો અને વ્યવસ્થાનો પ્રશ્ન નથી, પરંતુ દેશની આવશ્યક પુરવઠા વ્યવસ્થા સામે સીધો પડકાર માનવામાં આવે તેવું છે.


વિતરણ કંપનીના અધિકારીઓ દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદના આધારે પોલીસ દ્વારા હાલ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જોકે, માત્ર ગુનાહિત કાર્યવાહી પૂરતી મર્યાદિત રહેવાને બદલે સમગ્ર પ્રકરણના મૂળ સુધી પહોંચીને આ પ્રકારના સંગઠિત દબાણકારક તત્વોને કાયદેસર રીતે કાબૂમાં લેવાની જરૂરિયાત ઊભી થઈ છે.


આ સમગ્ર ઘટનાની ગંભીરતા એટલા માટે વધુ છે કે દેશની કુલ ઇંધણ જરૂરિયાતનો આશરે પાંત્રીસ ટકા હિસ્સો આ રિફાઈનરી દ્વારા પૂરો પાડવામાં આવે છે. હાલ આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલી રહેલી ખાડી યુદ્ધ જેવી પરિસ્થિતિઓ વચ્ચે વિશ્વના અનેક દેશો ઇંધણની ઉપલબ્ધતા અને પુરવઠાને લઈને પડકારોનો સામનો કરી રહ્યા છે. આવા સમયમાં દેશની આંતરિક પરિસ્થિતિને સ્થિર રાખવામાં અને પુરવઠા શૃંખલાને જાળવવામાં જામનગર વિસ્તારની આ વ્યવસ્થા અત્યંત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.


આ પરિસ્થિતિમાં જો ઇંધણ પરિવહનને ખોરવવાના પ્રયાસોને સમયસર અટકાવવામાં નહીં આવે તો તેની અસર માત્ર જામનગર અથવા ગુજરાત પૂરતી મર્યાદિત નહીં રહે પરંતુ સમગ્ર દેશની ઇંધણ વ્યવસ્થા ઉપર પડી શકે છે. વિશ્લેષકોના મત મુજબ, આવી સ્થિતિ જામનગરને વૈશ્વિક સ્તરે અત્યંત સંવેદનશીલ ગણાતા “સ્ટેટ ઓફ હોર્મુઝ” જેવી સ્થિતિ તરફ ધકેલી શકે તેવી ગણાવી શકાય.


સમગ્ર મામલામાં રાજ્ય સરકાર, પુરવઠા વિભાગ અને પોલીસ તંત્રે એકસાથે સંકલિત રીતે કામગીરી કરવી સમયની માંગ બની છે. જો ખાવડી વિસ્તારમાં ઉભી થયેલી આ કથિત ટ્રાન્સપોર્ટ કાર્ટેલ સામે કડક અને ઉદાહરણરૂપ કાર્યવાહી નહીં કરવામાં આવે તો તેની લાંબા ગાળાની અસરો સમગ્ર દેશને ભોગવવી પડી શકે છે.


દેશની ઊર્જા સુરક્ષા, પુરવઠા વ્યવસ્થા અને જાહેર હિતને ધ્યાનમાં રાખીને આ પ્રકારના સંગઠિત દબાણ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક પગલાં લેવાની તાત્કાલિક જરૂરિયાત છે. માત્ર કાયદેસર કાર્યવાહી જ નહીં પરંતુ ભવિષ્યમાં આવી ઘટનાઓ ફરી ન બને તે માટે મજબૂત અને સ્થાયી વ્યવસ્થા ઊભી કરવી પણ એટલી જ જરૂરી બની ગઈ છે.

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application