BREAKING NEWS

જામનગરમાં પરણીતાની છેડતી તથા તેના પતિ પર હુમલાના કેસમાં આરોપીને સજા ફટકારતી કોર્ટ

  • July 10, 2026 05:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં પરણીતાની છેડતી તથા તેના પતિ પર હુમલાના કેસમાં આરોપીને સજા ફટકારતી કોર્ટ

દસ્તાવેજી પૂરાવા અને સાહેદોના નિવેદનો ધ્યાને લેવાયા: છ મહિનાની કેદ-દંડનો હુકમ

હાલ જામનગર ખાતે રહેતી, મૂળ ઉત્તર પ્રદેશની અને વર્ષોથી વુલન મિલ ચાલી, યાદવનગર, જામનગરમાં ગોપાલ ડેરી નામની કરિયાણાની દુકાન પતિ સાથે ચલાવી વસવાટ કરતી ગુંજનબેન રામગોપાલ તિવારીને આ કેસના આરોપીએ, હાલની ફરિયાદ દાખલ થયાના અંદાજે ૧૫ દિવસ અગાઉ, પ્રથમ વખત મેડિકલ સ્ટોર પાસે, બીજી વખત ફરિયાદીની દુકાને તથા ત્રીજી વખત માતાજીના મંદિરેથી પરત ફરતી વખતે બીભત્સ માંગણી કરી છેડતી કરી હતી. 

આ અંગે ફરિયાદીના પતિએ અગાઉ આરોપીના સગા સમક્ષ તેને સમજાવેલ હોવા છતાં ફરી બનાવ બનતા ફરિયાદી મહિલાએ આરોપી મનીપાનીકર ઉર્ફે સોનુ સુખદાન પાનિકર વિરુદ્ધ આ બાબતની ફરિયાદ સિટી સી પોલીસ સ્ટેશન, જામનગર ખાતે એપ્રિલ-૨૦૨૨ દરમિયાન દાખલ કરાવી હતી. આ કેસ અત્રેની ૮મી એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ, જામનગરમાં ચાલતા, અદાલતે સરકારી વકીલ રશ્મિ દત્તાણીની રજૂઆતોને માન્ય ગણી આરોપીને ભારતીય દંડ સંહિત ની કલમ ૩૫૪ હેઠળ દોષિત ઠેરવી એક વર્ષની સખત કેદ તથા રૂ. ૨૦૦૦નો દંડ અને દંડ ન ભરે તો એક માસની સાદી કેદની સજા ફટકારી હતી. 
​​​​​​​
વધુમાં આઇપીસી કલમ ૩૫૪(એ)(૧)(૧) હેઠળ દોષિત ઠેરવી છ માસની સાદી કેદ તથા રૂ. ૧૦૦૦નો દંડ અને આઇપીસી કલમ ૩૨૩ હેઠળ ત્રણ માસની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો. દંડની રકમ ન ભરવામાં આવે તો દરેક કલમ હેઠળ અલગથી ૧૫-૧૫ દિવસની સાદી કેદની સજા ભોગવવાનો પણ હુકમ અદાલતે તા. ૦૭/૦૭/૨૦૨૬ના રોજ કર્યો હતો. આ કેસમાં ફરિયાદી બહેન દ્વારા ફોજદારી પ્રક્રિયા સંહિતા આઇપીસીની કલમ ૧૬૪ મુજબ આપેલ નિવેદન, ફરિયાદીના પતિનું સારવાર પ્રમાણપત્ર વગેરે દસ્તાવેજી પુરાવા તરીકે રજૂ કરવામાં આવ્યા હતા. આ કેસમાં સરકાર તરફે એપીપી તરીકે રશ્મી દતાણી રોકાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application