રાજકોટમાં સિકયુરિટી એજન્સી સંચાલક હનીટ્રેપમાં ફસાયો, ક્લિક કરીને વાંચો ઘટનાની વિગતો

  • March 12, 2021 01:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મહિલાએ મિત્રતા કેળવી માધાપર ચોકડી પાસે મળવા બોલાવ્યો: બેડી જવાના રસ્તે અવાવરુ સ્થળે પહોંચતા જ ત્રણ શખસો ત્રાટકયા: યુવાનનું બાઈકમાં અપહરણ કરી નાકરાવાડી પાસે લઈ જઈ પાકિટ, મોબાઈલ, ક્રેડિટ કાર્ડ પડાવી લીધું

 


શહેરમાં વધુ એક હનીટ્રેપ્નો કિસ્સો પોલીસ સુધી પહોંચ્યો છે. જામનગર રોડ પર અવધ રેસિડેન્સીમાં રહેતા મુળ બિહારના યુવાને ગાંધીગ્રામ પોલીસ મથકમાં પોતે હનીટ્રેપ્નો શિકાર થયાની ફરિયાદ નોંધાવી છે. સિકયુરિટી ગાર્ડ તરીકે નોકરી કરનાર આ યુવક મહિલા મિત્રને મળવા માધાપર ચોકડીએ ગયો હતો ત્યાંથી મહિલાને બેસાડી બેડી પાસે પહોંચતા જ ત્રણ શખસો ત્રાટકયા હતા. જે પૈકી બે શખસોએ તેનું બાઈકમાં અપહરણ કર્યું હતું અને તેને નાકરાવાડી પાસે ટેકરી ઉપર અવાવરુ જગ્યાએ લઈ જઈ માર મારી મોબાઈલ, પાકિટ અને ક્રેડિટ કાર્ડ પડાવી લીધું હતું. આ મામલે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે તાકિદે તપાસ હાથ ધરી બે શખસોને ઝડપી લીધા છે.

 


હનીટ્રેપ્ના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ જામનગર રોડ પર વિનાયક વાટિકા સામે અવધ રેસિડેન્સી એ-વીંગ બ્લોક નં.જી-2માં રહેતા મુળ બિહારના સમસ્તીપુર જિલ્લાના વતની અને અહીં સિકયુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવનાર રમણજી ચંદ્રેશપ્રસાદ યાદવ (ઉ.વ.31) દ્વારા ગાંધીગ્રામ પોલીસ મથકમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે અશ્ર્વિન અનિલ હમીરભાઈ સારેસા (રહે.મોરબી રોડ, ઓમ પાર્ક, શેરી નં.3), દિલીપ અને એક અજાણી મહિલાનું નામ આપ્યું છે.

 


યુવાને ફરિયાદમાં જણાવ્યા મુજબ તેનો મહિલા સાથે પરિચય થયા બાદ આ મહિલાએ તેની સાથે મિત્રતા કેળવી હતી અને તેને માધાપર ચોકડી ખાતે મળવા બોલાવ્યો હતો જેથી ફરિયાદી તેને મળવા માટે માધાપર ચોકડીએ ગયો હતો. જ્યાંથી મહિલાને બાઈક પર બેસાડી બેડી જવાના રસ્તે અતિથિ દેવો ભવ: હોટલ આગળ મામાસાહેબની વાડી પાસે બાઈક ઉભું રાખતા બાઈકમાં ત્રણ સવારીમાં ત્રણ શખસો ધસી આવ્યા હતા અને તેમાંથી અશ્ર્વિન નામના શખસે કહ્યું હતું કે, મારી બહેનને કયા લઈ જાસ તેમ કહી ગાળો આપી હતી અને તે મહિલાને પોતાના બાઈકમાં બેસાડી ચાલ્યો ગયો હતો.

 


બાદમાં અનિલ અને દિલીપ નામના શખસે યુવાનનું બાઈકમાં અપહરણ કરી નાકરાવાડી ગામ પાસે ટેકરી ઉપર અવાવ જગ્યાએ લઈ ગયો હતો. જ્યાં એક ઓરડીમાં લઈ જઈ યુવાનને માર મારી પૈસાની માગણી કરી હતી અને તેની પાસેથી મોબાઈલ તથા પાકિટ લઈ લીધા બાદ મોતનો ભય બતાવી તેનું ક્રેડિટ કાર્ડ પણ લઈ જઈ પૈસા ઉપાડવાની કોશિષ કરી હતી.

 


આ મામલે યુવાનની ફરિયાદ બાદ ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઈ કે.એ. વાળાની રાહબરીમાં પીએસઆઈ જે.જી. રાણા તથા ટીમે તપાસનો ધમધમાટ ચલાવી આરોપી અનિલ હમીરભાઈ સારેસા અને દિલીપ નામના શખસને ઝડપી લીધા હતા. જ્યારે મહિલા સહિત બે આરોપીઓની શોધખોળ ચાલુ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS