BREAKING NEWS

જામનગર જિલ્લાના દરિયાકાંઠાના ગામોમાં મરીન ટાસ્ક ફોર્સનો શાળા પ્રવેશોત્સવ અને વૃક્ષારોપણ કાર્યક્રમ

  • June 24, 2026 10:42 AM 

જામનગર જિલ્લાના દરિયાકાંઠાના ગામોમાં મરીન ટાસ્ક ફોર્સનો શાળા પ્રવેશોત્સવ અને વૃક્ષારોપણ કાર્યક્રમ

વિદ્યાર્થીઓને રાષ્ટ્રભક્તિ, સુરક્ષા અને શિષ્ટાચાર અંગે માર્ગદર્શન: ગ્રામજનો સાથે સંવાદ દ્વારા જનસંપર્ક મજબૂત બનાવાયો

ગુજરાત રાજ્યની દરિયાઈ સુરક્ષા માટે કાર્યરત મરીન ટાસ્ક ફોર્સ દ્વારા સ્થાનિક લોકો સાથે વિશ્વાસપૂર્ણ સંબંધો વિકસાવવા, જનસંપર્કને વધુ મજબૂત બનાવવા તેમજ સુરક્ષા એજન્સી અને સ્થાનિક સમુદાય વચ્ચે સુમેળ જળવાઈ રહે તે માટે સતત પ્રયાસો હાથ ધરવામાં આવે છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં વસતા લોકો સુરક્ષા વ્યવસ્થાના મહત્વપૂર્ણ સહભાગી બની રહે અને કટોકટીની સ્થિતિમાં સુરક્ષા એજન્સીઓને અસરકારક સહયોગ આપી શકે તે હેતુસર વિવિધ જનજાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવે છે.

દેશના વડાપ્રધાન દ્વારા શરૂ કરાયેલા ‘શાળા પ્રવેશોત્સવ’ કાર્યક્રમના અનુસંધાને તથા ચાલુ શૈક્ષણિક સત્રના પ્રવેશોત્સવને ધ્યાનમાં રાખી એટીએસ અને કોસ્ટલ સિક્યુરિટીના અધિક પોલીસ મહાનિર્દેશક અમિતકુમાર વિશ્વકર્માના માર્ગદર્શન હેઠળ તેમજ દરિયાઈ સુરક્ષા અને મરીન ટાસ્ક ફોર્સના નાયબ પોલીસ મહાનિરીક્ષક એ. એમ. મુનિયા અને મરીન ટાસ્ક ફોર્સ હજીરાના પોલીસ અધિક્ષક એસ. જે. પરમારના માર્ગદર્શન હેઠળ તા. ૨૩ જૂનના રોજ જામનગર જિલ્લાના સચાણા અને સિક્કા નજીક આવેલા સરમતભુંગા ગામની શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ તેમજ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

મરીન ટાસ્ક ફોર્સ જામનગરના પોલીસ ઇન્સ્પેક્ટર ધરમવીર આર. યાદવ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર જી. એમ. બોપલિયા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી. એચ. જાડેજા, પોલીસ ઇન્સ્પેક્ટર બી. એચ. ચાવડા તથા મરીન કમાન્ડોની ટીમોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો.

​​​​​​​સચાણા ખાતે સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેર રવિકુમાર અકબરી, આચાર્ય તૃપ્તિબેન રૂપડિયા, આચાર્ય જીજ્ઞાબેન નકુમ અને લાયઝન અધિકારી નાથાભાઈ કરમુર હાજર રહ્યા હતા. જ્યારે સિક્કા-સરમતભુંગા ખાતે વન વિભાગના આરએફઓ કે. આર. ચુડાસમા, આચાર્ય રમીલાબેન વાણિયા, રિલાયન્સ વેલ્ફેર કોઓર્ડિનેટર કુંજલભાઈ, લાયઝન અધિકારી રવિભાઈ જોશી, તાલુકા શિક્ષણ અધિકારી ઝાલા, સ્થાનિક સરપંચો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન શાળામાં નવા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉપરાંત વિદ્યાર્થીઓને શું કરવું અને શું ન કરવું, શિષ્ટાચાર, રાષ્ટ્રભક્તિ, સુરક્ષા, સાવચેતી અને સામાજિક જવાબદારીઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે સાથે વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો.

કાર્યક્રમના અંતે મરીન ટાસ્ક ફોર્સના અધિકારીઓએ ગ્રામજનો સાથે અનૌપચારિક સંવાદ કરી દરિયાઈ સુરક્ષા સંબંધિત જાગૃતિ ફેલાવી હતી, અને સ્થાનિક લોકો તથા સુરક્ષા એજન્સીઓ વચ્ચે વધુ સારો સંપર્ક અને વિશ્વાસ જળવાઈ રહે તે માટે આ પ્રકારના કાર્યક્રમો સતત યોજવામાં આવશે તેવી પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application