તું અપશુકનીયાળ છો એટલે સુપર માર્કેટ બંધ થઈ ગઈ કહી સાસરીયાઓનો પુત્રવધુને ત્રાસ

  • April 01, 2025 03:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નાનામવા રોડ પર રાધાનગરમાં રહેતા પતિ સહિતના સાસરિયા વિરૂદ્ધ પરિણીતાએ શારીરિક માનસિક ત્રાસ આપ્યા અંગેની મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. શહેરના સત્યસાંઈ રોડ પર ભાઈના ઘરે રહેતી પરિણીતાએ નાનામવા રોડ પર રાધાનગર શેરી નંબર આઠમાં રહેતા પતિ રાજકુમાર જયંતીલાલ વિરડીયા, સસરા જેંતીલાલ, સાસુ રમાબેન, જેઠ કલ્પેશ અને જેઠાણી ભારતીબેન વિરુદ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં શારીરિક માનસિક ત્રાસ અંગેની ફરિયાદ નોંધાવી છે.

પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેના લગ્ન ગત તા. 13/12/2018 ના રાજકુમાર વિરડીયા સાથે થયા હતા. લગ્નજીવન થકી સવા વર્ષનો પુત્ર ગ્રંથ છે છેલ્લા ચાર મહિનાથી તે રાજકોટમાં મોટાભાઈના ઘરે રિસામણે છે.

ફરિયાદમાં જણાવ્યું હતું કે, લગ્નના ત્રણેક વર્ષ સુધી સાસરિયાઓએ સારી રીતે રાખ્યા બાદ સાસુ-સસરા, જેઠ- જેઠાણી અને પતિ તેણીને માતા-પિતા કે સગા સંબંધી સાથે ફોનમાં વાત કરવા દેતા ન હતા. તેના કાકા રાજકોટમાં રહેતા હોય તેના ઘરે પણ જવા દેતા ન હતા. સગાઈ થઈ હતી ત્યારે સસરાએ એવું કહ્યું હતું કે, રાજકુમારને સુપર માર્કેટ ખોલી દેવી છે જે તારે સંભાળવાની છે. લગ્ન બાદ પતિ-પત્ની બંને સુપર માર્કેટ ચલાવતા હતા. પરંતુ પતિ ધંધામાં ધ્યાન આપતો ન હોય સુપર માર્કેટ બંધ કરી દેવી પડી હતી. જેથી આ બાબતે સાસરીયાઓ કહેતા હતા કે તે સરખું ધ્યાન ન આપ્યું તું અપશુકનીયાળ છો એટલે સુપર માર્કેટ બંધ થઈ ગઈ એવું કહી મેણાટોણા મારતા હતા. પુત્રનો જન્મ થયા બાદ પરિણીતાએ આંગણવાડી ઘરે આવ્યા બાદ પુત્રનો સામાન લેવા માટે પતિને બહાર જવાનું કહેતા પતિએ સાથે આવવાની ના પાડી હતી અને ઝઘડો કરી ફડાકો માર્યો હતો.

ગત તા. 6/12/2024 ના પરિણીતાના કાકાના ઘરે ઘરના સભ્યો આવ્યા હોય બાદમાં તેના પિતા મગનભાઈ કેરાળી ગામે આંટો મારવા માટે દીકરીને લઈ જવા ઈચ્છતા હોય અને ઘરે આવી રાજી ખુશીથી લઈ ગયા હતા. ત્યારબાદ તેઓ અહીંથી રાજકોટમાં કાકાના ઘરે ગયા હતા ત્યારે અહીં પતિ આવ્યો હતો અને કહ્યું હતું કે, તારે કેરાળી ગામે જવાનું હતું અહીં કેમ આવી? તેમ કહી ગાળો બોલી પરિણીતા સાથે ગાળાગાળી કરી તેના સંબંધીઓ સાથે બોલાચાલી કરી હતી. ત્યારબાદ તે પરિણીતા અહીં તેના મોટાભાઈના ઘરે રિસામણે છે. સમાધાન માટેના પ્રયાસો કર્યા હતા પરંતુ સાસરીયાઓએ કોઈ દરકાર ન લેતા અંતે પરિણીતાએ આ મામલે પતિ સહિતના સાસરિયાઓ વિરુદ્ધ આ ફરિયાદ નોંધાવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application