સત્ય વિજય પટેલ, નસીબ હોટેલ, યાર્ડના વેપારીને ભેળસેળ બદલ દંડ

  • February 17, 2023 12:27 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


-શ્રીખંડમાં સિન્થેટિક કલર, દૂધમાં વેજીટેબલ ફેટ, રાઇમાં અખાદ્ય કલરની ભેળસેળ મળી: ૫૦ વર્ષથી વધુ વયના માટે વેંચાતા એનર્જી પાઉડર ઉપર ન્યુટ્રીશન વેલ્યુ લખી ન હોય તેમજ ડાયાબીટીસની ફાકીના નામે વેંચાતી આયુર્વેદિક દવા ઉપર લેબલ લગાવ્યું ન હોય તે સહિતના કુલ છ કિસ્સામાં દંડ ફટકારાયો




રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ શાખાએ લીધેલા વિવિધ છ ફૂડ સેમ્પલના લેબોરેટરી પરિક્ષણના અંતે તેમાં ભેળસેળ સહિત વિવિધ પ્રકારનો નિયમભંગ મળતા પાંચ પેઢીઓ તેમજ તેના ભાગીદારોને દંડ ફટકારવા હુકમ કરાયો છે.





રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગના અધિકારી સૂત્રોએ સત્તાવાર વિગતો જાહેર કરતા જણાવ્યું હતું કે શ્રી સત્યવિજય પટેલ સોડા ફેક્ટરી -સદર બજાર, રાજકોટ મુકામેથી કેશર શિખંડ (લુઝ)નો નમુનો લેવાયો હતો જેના પરીક્ષણ રિપોર્ટમાં સિન્થેટિક ફૂડ કલર ટાર્ટરાઝાઇનની હાજરી મળી આવતા નમૂનો સબસ્ટાન્ડર્ડ જાહેર થયો હતો જે અંગેના કેસમાં એજ્યુડીકેટીંગ ઓફિસર અને નિવાસી અધિક કલેક્ટર રાજકોટ દ્વારા નમુનો આપનાર પેઢીના ભાગીદાર કેતનભાઈ મનસુખલાલ પટેલ, પેઢીના ભાગીદાર મનસુખલાલ નાનજીભાઇ પટેલ તથા પેઢીને મળી કુલ રૂ|.૭૦,૦૦૦નો દંડનો હુકમ કરવામાં આવેલ છે.





અધિકારી સૂત્રોએ ઉમેર્યું હતું કે ફૂડ વિભાગ દ્વારા અભિનવ સ્ટોર્સ -વૈદવાડી, જયંત કે. જી. મેઇન રોડ, રાજકોટ મુકામેથી અભિનવ ફિફટી પ્લસ એનર્જી પાઉડર ૫૦ ગ્રામ પેકિંગનો નમુનો લેવામાં આવ્યો હતો જેના પરીક્ષણ રીપોર્ટમાં લેબલ પર ન્યુટ્રિશનલ ઇન્ફોર્મેશન દર્શાવેલ ન હોવાના કારણે નમૂનો મિસબ્રાન્ડેડ જાહેર થયો હતો જે અંગેના કેસમાં નામદાર એજ્યુડીકેટીંગ ઓફિસર અને નિવાસી અધિક કલેક્ટર રાજકોટ દ્વારા નમુનો આપનાર પેઢીના માલિક અશ્વિનભાઈ પરસોતમભાઈ મજેઠીયાને રૂ.૫૦૦૦નો દંડનો હુકમ કરવામાં આવેલ છે.



તદઉપરાંત આ જ સ્થળેથી અભિનવ ડાયાબિટીસ માટેની ફાકી (૧૦૦ ગ્રામ પેકિંગ)નો નમુનો લેવામાં આવ્યો હતો જેના પરીક્ષણ રિપોર્ટમાં લેબલ ઉપર નેઇમ ઓફ ફૂડ તથા ન્યુટ્રિશનલ ઇન્ફોર્મેશન દર્શાવેલ ન હોવાના કારણે નમૂનો મિસબ્રાન્ડેડ જાહેર થયો હતો જે અંગેના કેસમાં એજ્યુડીકેટીંગ ઓફિસર અને નિવાસી અધિક કલેક્ટર રાજકોટ દ્વારા નમુનો આપનાર પેઢી માલિક અશ્વિનભાઇ પરસોતમભાઈ મજેઠીયાને રૂ.૫૦૦૦ના દંડનો હુકમ કરાયો હતો.



વધુમાં ફૂડ વિભાગના અધિકારી સૂત્રોએ જણાવ્યું હતું કે દ્વારા શ્રી રાધવ ઇન્ડસ્ટ્રીઝ -જૂના માર્કેટિંગ યાર્ડ શોપ નં. બી-૬, ૭, આર.ટી.ઓ. પાસે, રાજકોટ મુકામેથી રાઈ-આખી (લુઝ) તથા કલર પ્રિપરેશન (પ્રવાહી-લુઝ) (એડલ્ટ્રન્ટ)નો નમુનો લેવામાં આવેલ જે અંગેનાં પરીક્ષણ રિપોર્ટમાં રાઈ-આખી (લુઝ)નો નમૂનો કલર પ્રિપેરેશન (એડલ્ટ્રન્ટ યુક્ત) જણાઈ આવતા નમૂનો સબસ્ટાન્ડર્ડ જાહેર થયો હતો જે અંગેના કેસમાં એજ્યુડીકેટીંગ ઓફિસર અને નિવાસી અધિક કલેક્ટર રાજકોટ દ્વારા ઉત્પાદક પેઢીને અને નમુનો આપનાર પેઢીના નોમિની મૌલિનભાઇ હસમુખભાઈ કટારીયાને મળી કુલ રૂ.૨૫,૦૦૦ના દંડનો હુકમ કરવામાં આવ્યો હતો.



જ્યારે ફૂડ વિભાગ દ્વારા ધનશ્યામ ડેરી ફાર્મ-પુર્વા એપાર્ટમેન્ટ શોપ નં.-૨, અલય વાટિકાની બાજુમાં, માધવ પાર્ક મેઇન રોડ, રાજકોટ મુકામેથી મિક્સ દૂધ (લુઝ)નો નમુનો લેવાયો હતો જેના લેબોરેટરી પરીક્ષણ રિપોર્ટમાં ફોરેન ફેટ (વેજીટેબલ ફેટ)ની હાજરી મળી આવતા નમૂનો સબસ્ટાન્ડર્ડ જાહેર થયો હતો જે અંગેના કેસમાં એજ્યુડીકેટીંગ ઓફિસર અને નિવાસી અધિક કલેક્ટર રાજકોટ દ્વારા નમુનો આપનાર-ફૂડ બિઝનેશ ઓપરેટર સાગરભાઈ પ્રવીણભાઈ ગજેરા તથા પેઢીના માલિક રજનીકભાઇ પ્રવીણભાઈ ગજેરાને કુલ રૂ.૨૦,૦૦૦ના દંડનો હુકમ કરવામાં આવ્યો હતો.


ફૂડ વિભાગ દ્વારા નસીબ હોટલ, સંકેત પ્લાઝા ગ્રાઉન્ડ ફલોર શોપ નં. ૭-૮, હનુમાનમઢી ચોક, રૈયા રોડ, રાજકોટ મુકામેથી લેવાયેલ 'મિક્સ દૂધ (લુઝ)નો નમુનો લેબમાં મોકલતા પરીક્ષણ રિપોર્ટમાં મિલ્ક ફેટ તથા મિલ્ક એન્ડ સોલિડ્સ નોટ ફેટનું પ્રમાણ ધારાધોરણ કરતાં ઓછું આવેલ હોવાથી નમૂનો સબસ્ટાન્ડર્ડ જાહેર થયો હતો જે અંગેના કેસમાં એજ્યુડીકેટીંગ ઓફિસર અને નિવાસી અધિક કલેક્ટર રાજકોટ દ્વારા નમુનો આપનાર નમુનો આપનાર પેઢીના માલિક -મયાભાઈ સવાભાઈ પરમારને રૂ.૧૦,૦૦૦નો દંડ ફટકારવામાં આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application