વિધાનસભા અધ્યક્ષના નિર્ણય પર ભડકયા સંજય રાઉત, જાણો સ્પીકર માટે અપશબ્દો ઉચ્ચારતા શું કહ્યું?

  • January 11, 2024 11:22 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરે બુધવારે એકનાથ શિંદે સહિત 16 ધારાસભ્યો વિરુદ્ધ ગેરલાયકાતના કેસમાં ચુકાદો સંભળાવ્યો હતો. આ નિર્ણય એકનાથ શિંદેની તરફેણમાં આવ્યો. જેથી ઉદ્ધવ ઠાકરે જૂથને મોટો ફટકો પડ્યો હતો. ત્યાર બાદ ઉદ્ધવ ઠાકરે જૂથની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે. શિવસેના (યુબીટી)ના નેતા સંજય રાઉતે આને ભાજપનું ષડયંત્ર ગણાવ્યું અને કહ્યું કે આ નિર્ણય નથી પરંતુ કાવતરું છે.


સંજય રાઉતે વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકર વિરુદ્ધ અભદ્ર ભાષાપ્રયોગ કર્યો હતો. તેમણે આ નિર્ણય બાદ ઉજવણી કરી રહેલા લોકો પર પણ નિશાન સાધ્યું હતું. તેણે કહ્યું કે તાળીઓ પાડનારાઓની હાલત મુસોલિની જેવી હશે. એટલું જ નહી શિવસેના (યુબીટી) નેતા સંજય રાઉતે કહ્યું કે, ભાજપનું આ એક મોટું કાવતરું અને જૂનું સપનું હતું કે એક દિવસ અમે બાળા સાહેબ ઠાકરેની શિવસેનાને ખતમ કરી દઈશું, પરંતુ તમારા નિર્ણયથી, તમારા કાગળથી કે તમારા ભાડાના ટટ્ટુના મોઢેથી કોઈ આદેશ આપીને શિવસેના નાશ પામશે નહીં. શિવસેના જનતા અને મહારાષ્ટ્રની નસ નસમાં છે. સ્પીકરના આ નિર્ણય વિશે એમ પણ કહ્યું કે, એ નિર્ણય કે ન્યાય નથી પરંતુ એક ષડયંત્ર છે.


આ સાથે જ સંજય રાઉતે એમ પણ કહ્યું કે, અમે ચોક્કસપણે સુપ્રીમ કોર્ટમાં જઈશું, કોર્ટમાં અમારી લડાઈ ચાલુ રહેશે. સુપ્રીમ કોર્ટે ટ્રિબ્યુનલની સત્તા વિધાનસભાના અધ્યક્ષને આપી હતી, તેમને નવો ઈતિહાસ લખવાની તક આપી હતી, જે તેમણે ગુમાવી દીધી છે. આ ઉપરાંત મહારાષ્ટ્રની પીઠમાં છરો માર્યો હોવાનું પણ કહ્યું હતું. ઇતિહાસ તેમને યાદ રાખશે. આ નિર્ણય પછી જે લોકો તાળીઓ પાડી રહ્યા છે અને ફટાકડા ફોડી રહ્યા છે તે બધા મહારાષ્ટ્રના દેશદ્રોહી અને બેઈમાન છે અને તેમની સ્થિતિ મુસોલિની જેવી થશે.


આ તરફ પ્રિયંકા ચતુર્વેદીએ પણ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. શિવસેના (યુબીટી) સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું કે મને જરા પણ આશ્ચર્ય નથી. અમે 'વહી હોતા હૈ જો મંઝૂર-એ-ખુદા હોતા હૈ' સાંભળ્યું હતું, પરંતુ 2014થી એક નવી પરંપરા શરૂ થઈ છે, 'વહી હોતા હૈ, જો મંઝૂર-એ-નરેન્દ્ર મોદી ઔર અમિત શાહ હોતા હૈ', આવું જ આપણે મહારાષ્ટ્રમાં થતું જોઈ રહ્યાં છીએ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application