એડીટેડ કરેલી ઈમેજના આધારે સેફ સર્ટિફિકેટ !, ગુજરાતમાં ક્યારેય પ્રવેશ્યા જ નથી તે વાહનોને પણ અપાયા ફિટનેસ સર્ટિફિકેટ

  • January 06, 2024 05:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજરાતમાં ક્યારેય મુસાફરી જ ના કરી હોય તેવા વાહનોને પણ અપાયા ફિટનેસ સર્ટિફિકેટ

૨૫% થી વધુ સર્ટિફાઈડ ફીટ વાહનોમાં રેડિયમ સ્ટ્રીપ્સ પણ નહી 


નિયમો મુજબ રજિસ્ટર્ડ ઓટોમેટેડ ફિટનેસ સેન્ટરમાં વાહનની સંપૂર્ણ તપાસ કર્યા પછી જ તેને ફિટનેસ સર્ટિફિકેટ આપવામાં આવે છે, પરંતુ એક ચોકાવનારી બાબત સામે આવી છે કે રાજ્યમાં, આ ટેસ્ટીંગ સેન્ટર્સને રસ્તા માટે યોગ્ય હોવાનું પ્રમાણિત કરવા માટે માત્ર વાહનોની ફોટોશોપ કરેલી ઈમેજની જ જરૂર છે! ગેરરીતિઓના આક્ષેપો બાદ, રાજ્યના પરિવહન વિભાગે ગુજરાતમાં તમામ ૧૬ ઓટોમેટેડ વિહિકલ ટેસ્ટીંગ ફેસેલીટીઝને કારણ બતાવો નોટિસ જારી કરી છે.
​​​​​​​

કેન્દ્ર સરકારે આ વર્ષે એપ્રિલથી ભારે માલસામાન અને પેસેન્જર વાહનો માટે ફિટનેસ ચેક ફરજિયાત બનાવ્યું છે. ફિટનેસ સર્ટિફિકેટથી સાબિત થાય છે કે જે-તે વાહન સરકાર દ્વારા નિર્ધારિત સલામતી અને ઉત્સર્જન ધોરણોનું પાલન કરે છે. પરિવહન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે એક અનામી ફરિયાદે તપાસ શરૂ કરી હતી જેમાં જાણવા મળ્યું હતું કે રાજસ્થાનના ઘણા વાહનોને રાજ્યમાં ફિટનેસ સર્ટિફિકેટઆપવામાં આવ્યા હતા. ટોલ પ્લાઝા પરના સીસીટીવી ફૂટેજ અને ફાસ્ટ ટેગ રેકોર્ડના ચેકિંગમાં જાણવા મળ્યું છે કે આમાંના ઘણા વાહનો રાજ્યમાં ક્યારેય પ્રવેશ્યા જ નથી. તેમાંથી કેટલાક વાહનો અન્ય રાજ્યમાં હતા જ્યારે તેઓને અહીં પ્રમાણપત્રો આપવામાં આવ્યા. 


એક અધિકારીએ જણાવ્યું કે, “ઘણા વાહનોમાં ફાસ્ટ ટેગ પણ નહોતા. જ્યારે સર્ટિફિકેટ માટે નોંધાયેલા દરેક ભારે વાહન માટે ફાસ્ટ ટેગ હોવું ફરજિયાત છે, તો આ વાહનોને સર્ટિફિકેટ અને ગુજરાતમાં પ્રવેશ કઈ રીતે મળ્યા ? આ ઉપરાંત કેટલાક વાહનોની શારીરિક સ્થિતિ એટલી ખરાબ હતી કે તેમના માટે ગુજરાતમાં મુસાફરી કરવી જ અશક્ય હતી, પરંતુ તેમને પણ ફિટનેસ સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા અને જગ્યાના અભાવે ટેસ્ટીંગ સેન્ટરમાં પ્રવેશી ન શકતા લાંબા ટ્રેલરોને પણ ફિટનેસ સર્ટીફીકેટ આપવામાં આવ્યા હતા.”


સૂત્રોએ જણાવ્યું હતું કે જ્યારે પરિવહન વિભાગે આ પરીક્ષણોના રેકોર્ડ્સ માંગ્યા હતા, ત્યારે માલિકોએ તેને શેર કરવાનો ઇનકાર કર્યો હતો. જ્યારે આ અંગે ટ્રાન્સપોર્ટ વિભાગના કમિશનર રાજેશ મંઝુનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે તેમની પાસે આ બાબતની માહિતી નથી અને વિગતો માટે તપાસ કરવાની જરૂર છે. 


આ રીતે અનફીટ કે ખખડધજ વાહનોને અપાયા ફિટનેસ સર્ટીફીકેટ 

અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે આ મોડસ ઓપરેન્ડી ખૂબ જ સરળ હતી. ઓટોમેટેડ વિહિકલ ટેસ્ટીંગ ફેસેલીટીઝ વાહન માલિકોને તેમના ભારે વાહનોના ફોટોગ્રાફ્સ મોકલવા માટે કહે અને માલિકો બસ ટેસ્ટ ક્લિયર કરવા માટે ફોટોશોપ કરેલા ફોટો મોકલે. વાહનના કદના આધારે પરીક્ષણો માટે રૂ. ૨૦૦ થી રૂ. ૬૦૦ ના નિશ્ચિત ચાર્જની સામે, આ કેન્દ્રો તેમના ફોટોગ્રાફના આધારે વાહનોને ફિટનેસ પ્રમાણપત્ર આપવા માટે રૂ. ૩.૦૦૦ થી રૂ. ૫.૦૦૦ જેટલો ચાર્જ કરે છે. જ્યારે પરમિટ અને રોડ ટેક્સના ડેટાના રેકોર્ડની તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે આ વાહનોએ ગુજરાતમાં પ્રવેશવા માટે કોઈ કામચલાઉ પરમિટ લીધી ન હતી, ન તો તેઓએ રોડ ટેક્સ ચૂકવ્યો હતો, જે સાબિત કરે છે કે તેઓ ક્યારેય રાજ્યમાં જ પ્રવેશ્યા નથી. ઉદાહરણ તરીકે, ૨૫% થી વધુ વાહનો કે જેને ફિટ તરીકે સર્ટીફીકેટ અપાયું હતું તેમાં ફરજિયાત કરવામાં આવેલી રેડિયમ સ્ટ્રીપ્સ પણ નહોતી. આ ઉપરાંત, ઓક્ટોબરના ત્રીજા અઠવાડિયામાં લેવાયેલા પરીક્ષણોની વિગતો મેન્યુઅલી અપલોડ કરવામાં આવી હતી અને તે પણ ડિસેમ્બરના અંતમાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application