અમદાવાદની રથયાત્રામાં નિયંત્રણો આવશે: ૩૧મી મે પછી નિર્ણય

  • May 21, 2020 04:45 PM 159 views

અમદાવાદની પ્રસિદ્ધ જગન્નાથ મંદિરની ૧૪૩મી રથયાત્રાને કોરોના સંક્રમણનું ગ્રહણ લાગી ચૂક્યું છે. જો રાજ્યમાં જૂન મહિનામાં પણ સંક્રમણ આ રીતે વધતુ રહેશે તો રથયાત્રા નિકળવા પર નિયંત્રણો કે પ્રતિબંધ મૂકાઇ શકે છે. જો કે આયોજક સમિતિ એવું માને છે કે અમને કેટલાક નિયંત્રણોની આશંકા છે. આ યાત્રા આખરે તો રાજ્ય સરકાર નક્કી કરે તે પ્રમાણે યોજાશે.શહેરમાં અષાઢી બીજના દિવસે એટલે કે ૨૩મી જૂને રથયાત્રા યોજાવાની છે. રથયાત્રા અગાઉ યોજાતી જલયાત્રાને પણ કોરોના સંકટ લાગી ગયું છે. જગન્નાથ મંદિર રથ એસોસિયેશન, ટ્રક એસોસિયેશન અને અખાડા ખલાસીઓ સાથે યોજાયેલી બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે ૫મી જૂને યોજાનારી જલયાત્રા નિશ્ચિત છે. આ જલયાત્રામાં ભાવિક ભક્તો જોડાઇ શકશે નહીં પરંતુ મંદિરના પાંચ થી સાત લોકોની હાજરીમાં જ્યેષ્ઠા અભિષેક કરાશે. આ જલયાત્રામાં એક જ હાથી જોડાશે. ભક્તો, ભજન મંડળી અને ઘોડા વિના સાદાઇથી આ યાત્રા કરાશે.
આ દિવસે દર્શનની વિધિ કરાશે પરંતુ કોઇ યજમાનને મંદિરમાં બોલાવવામાં નહીં આવે. આ વિધિમાં મંદિરના મહંત દિલીપદાસજી તેમજ ટ્રસ્ટી મહેન્દ્ર ઝા ઉપસ્થિત રહેશે. યાત્રામાં બળદગાડા થી લઇને ૧૦૮ કળશ પણ સાબરમતીના કિનારે લઇ જવાશે નહીં. સમિતિ અને ટ્રસ્ટીઓએ જલયાત્રાની તારીખ ૫મી જૂન નક્કી કરી છે. સામાન્ય રીતે આ કાર્યક્રમમાં દર વર્ષે ૩૦૦૦ થી ૫૦૦૦ ભક્તો જોડાતા હોય છે પરંતુ આ વખતે કોરોના સંક્રમણના કારણે માત્ર પાંચ થી સાત આગેવાનોની ઉપસ્થિતિમાં જલયાત્રા પૂર્ણ કરાશે. રથયાત્રા અંગે એવું જાણવા મળ્યું કે રાજ્ય સરકાર સાથે બેઠક કરીને ૩૧મી મે એ તેનો નિર્ણય લેવામાં આવશે. સરકાર જે ગાઇડલાઇન નક્કી કરે અને ટ્રસ્ટી તેમજ આગેવાનો તરફથી જે પ્રસ્તાવ આવે તે પછી રથયાત્રાનો નિર્ણય લેવાશે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application