કેમ કાઈં ભુલાતું નથી? સ્મૃતિનો  કારમો અભિશાપ..

  • November 04, 2020 09:30 PM 1790 views

ઈ જ ભૂલી નથી... 
તને પહેલી વાર મળ્યાનો દિવસ, તારીખ, સમય, તારો સફેદ શર્ટ, મારો બ્લેક ડ્રેસ, આપણે બેઠાં હતાં એ ટેબલનો નંબર, આઈસક્રીમનું બિલ અને વેઈટરને તે આપેલી ટીપ. છૂટ્ટા પડતી વખતે તું મને જોતો હતો, અને મને તો તને મળી ત્યારથી બીજું કંઈ દેખાતું જ નહોતું. આજે પણ કંઈ નથી દેખાતું, જ્યારે તું સામે હોય.
તે દિવસે મારો કોઈ વાંક નહોતો તો ય પપ્પા મને ખીજાયા’તા. હવે પપ્પાએ ખીજાવાનું બંધ કર્યું છે, પણ મારા મનમાંથી એ ધાક ગઈ નથી. 
તે દિવસે મારો જવાબ સાચો હતો પણ મેડમે જાણી -જોઈને મારો માર્ક કાપ્યો’તો. આજે ક્યારેક રસ્તામાં એમને જોઉં તો રસ્તો બદલી નાખું છું, પગે લાગવાનો ઉમળકો નથી આવતો.
તે દિવસે મને સખત માથું દુ:ખતું’તું એ તને ખબર હતી તો ય તું મને એકલી મૂકી જતો રહ્યો. બસ એ દિવસથી મને માથામાં ભાર રહ્યાં કરે છે.
તે દિવસ તું મારા માટે વેણી લાવ્યો’તો ને? એની સુગંધ હજી મારા શ્વાસમાં છે!
પોણા બે ફૂટનાં પેટને હજી પણ હું ક્યારેક ખોળામાં થાબડી લઉં છું!
એટલું બધું યાદ રહી જાય છે આપણને કે યાદ રાખવું મુશ્કેલ બને. સ્ત્રીઓનું લગભગ સવા કિલોનું( છે ને અહિં પણ સવાયું??) મગજ વાયબી નહિ આઈબી (ઇન્ફિનીટબી) મેમરી સ્ટોર કરે છે. તો ય બજારમાં કંઈ નવું આવે, તો એને પણ જરા સાંકડમોકળ કરી સમાવી દે! 
થોડાં-ઘણાં અપવાદ બાદ કરતાં, સ્ત્રીઓ પોતાની ફરજો, જવાબદારીઓ, સ્વીકાર, તિરસ્કાર, પ્રેમ, વ્હેમ, પ્રશંસા, અવમાન, લાગણી,માગણી, ભૂલ, શૂલ કંઈ ભૂલતી નથી. અરે પાંચ મહિના બાવીસ દિવસ પહેલા બાજુ વાળી એક વાટકી ખાંડ લઈ ગઈ હોય, એ પણ એને યાદ હોય. ( એ જો કે બાજુ વાળીને પણ યાદ હોય છે, પણ એ ભૂલી ગયાનો ડોળ કરે એ અલગ વાત છે.)

આ નાનું-નાનું યાદ રાખવું તો જીવન છે સ્ત્રી માટે. મા એ શીખવ્યું છે એ યાદ રાખી સવારે ઊઠીને પહેલા સંજવાળી કાઢ્યા પછી જ દેવના દીધેલ માટે ગરમ પાણી મૂકવાનું એ યાદ રાખે છે. મોટીનાં દૂધમાં હોર્લિકસ અને નાનીનું બોર્નવીટા એને દરરોજ યાદ નથી કરાવવું પડતું. એ થાય કે તરત મમ્મીની મસાલાવાળી ચા અને પપ્પાનું હળદર વાળું દૂધ બરાબર સાતને બત્રીસે બની જ ગયું હોય. પિંકી-રિંકીનું દફતર તો રાતે જ યાદ કરીને ગોઠવી લીધું હોય. પછી વારો આવે શાંતિથી ઊભેલા વોશિંગ મશીનનો. આઠમાં પાંચ હજી તો થઈ નથી ત્યાં એને કરંટ અપાઈ જ ગયો હોય. બિચારું બે ઘડીનો પોરો ખાધા વગર પોણી કલાક ચકકર-ચક્કર ફર્યા જ કરે. મશીનની સ્વીચ ચાલું કર્યા પછીનું પહેલું કામ કૂકર અને હુતોહુતી બન્નેની ચા મૂકવાનું. એ થાય ત્યાં સુધીમાં લોટ બંધાઈ જાય અને શાક સમારાઈ જાય અને છેલ્લી સીટી વાગે ત્યાં તો શાક છમ્મ થવા તૈયાર થઈ ગયું હોય. બન્ને ચા પી લે ત્યાં મશીન હાંફીને ઊભું રહી ગયું હોય. અને ટિફિન લઈને એ ઘરેથી નીકળે ત્યાં સુધીમાંતો ફોન, લેપ ટોપ ચાર્જ થઈ ગયા હોય અને કપડાં દોરીએ પડી ગયા હોય.

ના, આ દિનચર્યા શું છે એ કહેવા માટે નથી લખ્યું, આ તો એટલે લખ્યું છે કે નાની-નાની લાગતી કેટલી વસ્તુઓ યાદ રાખે છે આપણી નાયિકા. એને તો એ પણ યાદ છે કે બા ફોઈ જમવા આવે ત્યારે ફૂવાને રાયતા મરચાં અને ખજૂરની ચટ્ટણી જોઈએ જ. 
પહેલાનાં સમયની જેમ દર વખતે એ માત્ર ગૃહસ્વામિની નથી હોતી, ક્યારેક ગૃહસારથિ બની તે ઘરને આગળ વધારવામાં પણ પ્રવૃત્ત હોય છે (જો કે આવું તો તે કાયમ કરે જ છે) અને અહિં પણ તેને યાદ કરાવ્યા પહેલા જ પ્રેઝન્ટેશન તૈયાર થઈ જાય છે. કદાચ ભૂલી જશે એમ માની રીમાઈન્ડર મૂકવાના રીમાઈન્ડર મૂકવાની ભલામણ કરવી પડે છે. પણ એક સરેરાશ, હા બિલકુલ બરાબર સાંભળ્યું, ઉત્તમ નહિ એક સરેરાશ સ્ત્રી પણ યાદ રાખવાનું ભૂલતી નથી. ખબર નહિ કેવી રીતે એનો ડેટા ૨૪સ૭ ફિંગરટીપ્સ પર જ રહેતો હશે? 

એને તો હીંચકો ગમતો’તો અને સ્વાભાવિક છે કે પ્લાસ્ટિકની દોરીનાં બદલે તો પિત્તળનાં પાંગરે બંધાયેલી સીસમની ખાટ વધારે સારી હોવાની. પણ ખાટને સારી કહી એ પ્લાસ્ટિકની દોરીને ભૂલી નથી જતી. એને ઘરઘર તો અત્યારે ય ગમે છે અને અંતે તો એ રમે પણ છે. પણ એ રમતી વખતે એને  વિડિઓ ગેમ વાળો મારિયો યાદ આવી જાય છે. એને જ્યારે પણ છૂટકી બનવાનું યાદ આવે, કોઈને કોઈ એને બડકી બની રહેવાની યાદી આપે છે. માંડ કરીને બડકી બનવા તૈયાર થાય, ત્યાં તો તેને ભાગવંતી બનવાનો ફતવો જાહેર થઈ ગયો હોય. અને એ સમયે એને કંઈ યાદ નથી રહેતું કે આખરે બનવાનું શું છે? પણ, સ્ત્રી સહજ સ્વભાવના લીધે જે યાદ ન રાખવાનું હોય એ યાદ નહિ કરવાનું એવું તેને ચોક્કસ યાદ રહે છે. કે પછી એ જાણી-જોઈને જેનું કોઈ ખાસ મહત્વ ન હોય એ બધું એટલે યાદ રાખે છે, કે જે  કંઈ ખાસ હોય એ યાદ કરવાનું યાદ જ ન આવે??

આ શબ્દોની રમત નથી, હકીકત છે.બાકી તો એમ બધું છોડીને આગળ વધવાનું હોય, ત્યારે ડગલે અને પગલે એકડેએકથી માંડી બધું યાદ આવે. 
કબાટ સાફ કરતી વખતે કોઈ એક સાડી, કોઈ એક દાગીનો કેટલીયે યાદોને તાજી કરે છે. ડાયરીનાં પીળા પડી ગયેલાં પાના વચ્ચે પણ એક હળવો ગુલાબી રંગની યાદી દેખાઈ આવે છે. જૂના આલ્બમમાં તસવીર બનીને રહી ગયેલાં સ્વજનો, એમની સાથે વીતાવેલી એક-એક ક્ષણ યાદ કરાવે છે. અને એ સ્મરણમાંથી બહાર આવીએ ત્યારે બસ યાદ નથી રહેતું તો એ, કે આંખના ખૂણે વરસતું હાસ્ય સાચું હતું કે હોઠનાં ખૂણે મરકતાં આંસુ? પણ એને તો જીવવું હોય છે એ યાદોમાં વારંવાર! એટલે તો જયાં પણ મેળ પડે ત્યાં કંઈને કંઈ ઉથલપાથલ કરી, બહાનાં શોધી, ગમતું યાદ કરી, એ યાદોમાં  સોળ આના જેટલા સમયમાં વીસ આના જીવી લે છે.

કદાચ એટલે જ ઘણું-બધું યાદ રાખ્યા પછી પણ એને કાયમ કંઈ ખૂટતું લાગે છે. પોતાનાં જ સ્મરણોનાં ઢગલાનાં ભાર હેઠળ એ એવી દબાઈ જાય છે કે અંતે તો તેને બધું મિસિંગ લાગે છે.  જે જીવ્યું છે, એ જ્યારે જીવતી ત્યારે એની ફરિયાદ હતી જ પણ અત્યારે જયારે વધારે સારા સ્થાન પર છે ત્યારે તેને એ જૂનું બધું ફરી યાદ આવે છે. અને એમાં પણ જો ક્યાંક કશે ગુમાવ્યું હશે, તો એ સ્મરણોમાંથી ક્યારેય બહાર નથી આવી શકતી. એવું જો કે બધાને થાય. પણ મુદ્દો અહિં માત્ર યાદ કરવાનો નથી, એ યાદમાંથી ફરી પાછા બહાર નીકળી વર્તમાનમાં આવી જવાનો છે. અને સ્ત્રીઓ મોટા ભાગે એ સ્વભાવની હોય છે કે ભૂલી જવા માટે સાચા મનથી પ્રયત્ન કરે તો પણ ખાસ સફળ નથી થતી. કારણકે કદાચ એ દ્વિધામાં છે કે એણે યાદ નથી કરવાનું કે ભૂલવાનું નથી? એને યાદ છે કે એણે લાગણીનો પ્રવાહ બની સતત વહેતાં રહેવાનું છે અને ડર પણ છે કે શું યાદ નહિ રાખે તો એ લાગણીહીન કહેવાશે?

આટલી પૂર્વભૂમિકા બાંધ્યા પછી ફક્ત એટલું જ કહેવું છે સખી, થોડું થોડું ભૂલતા જાવ. જેમ મોટું મન રાખી સામે વાળાની મોટી ભૂલને પણ બક્ષો છો, એમ પોતાની જાત પર થોડી કૃપા કરો. ફરગિવીંગ બનવા કરતા ફરગેટીન્ગ બનવું હજાર દરજ્જે સારું છે. સ્મરણ તો વીતી ગયેલો અનુભવ છે, તેનાથી ફરી વખત દુ:ખ ન મળે, માટે હાથે કરીને દુ:ખી ન થવું. અને સ્મરણ એ મળી ગયેલી ખુશી છે, એટલે જ્યારે પણ યાદ આવે ત્યારે ખુશ થતાં રહેવું. યાદ રહેશે ને?
નેનો ફોલ્ડ:
શંખપુષ્પી કેમ લે છે?
કાયમ ભૂલાઈ જતું’તું, આજે યાદ આવી ગ્યું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application