ક્વિક સપ્લાય સૌથી વધુ ચુંટણી બોન્ડ ખરીદવામાં ત્રીજા નંબર પર, કંપની સાથે જોડાણનો દાવો રિલાયન્સે નકાર્યો 

  • March 16, 2024 06:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કંપનીએ વર્ષ 2021-22 અને 2023-24 વચ્ચે રૂ. 410 કરોડના ચૂંટણી બોન્ડ ખરીદ્યા : ક્વિકના ડિરેક્ટરોનું આડકતરી રીતે રિલાયન્સ ગ્રુપ સાથે કનેક્શન   


ચૂંટણી પંચે ગુરૂવારે પોતાની વેબસાઈટ પર ઈલેક્ટોરલ બોન્ડનો ડેટા સાર્વજનિક કર્યો છે. જેમાં ક્વિક સપ્લાય ચેઈન પ્રાઈવેટ લિમિટેડ એ સૌથી વધુ ઈલેક્ટોરલ બોન્ડ ખરીદવામાં ત્રીજા નંબર પર છે. ધીરુભાઈ અંબાણી નોલેજ સિટી, નવી મુંબઈ ખાતે ક્વિક સપ્લાય સરનામું નોંધાયેલ છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે તે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સાથે સંબંધિત છે, પરંતુ અત્યાર સુધી આ કંપનીનું નામ બહુ ઓછા લોકોએ સાંભળ્યું છે.


કંપનીએ વર્ષ 2021-22 અને 2023-24 વચ્ચે રૂ. 410 કરોડના ચૂંટણી બોન્ડ ખરીદ્યા હતા, પરંતુ રિલાયન્સે જણાવ્યું હતું કે આ કંપની રિલાયન્સ એન્ટિટીની પેટાકંપની નથી. ચૂંટણી પંચ દ્વારા અપલોડ કરવામાં આવેલી માહિતી અનુસાર, ક્વિક સપ્લાય સિવાય અન્ય એક લોટરી કંપની ફ્યુચર ગેમિંગ એન્ડ હોટેલ સર્વિસે 1,368 કરોડ રૂપિયા અને હૈદરાબાદ સ્થિત મેઘા એન્જિનિયરિંગ એન્ડ ઈન્ફ્રાએ રાજકીય પક્ષોને 966 કરોડ રૂપિયા આપ્યા છે. જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર, ક્વિક સપ્લાય વેરહાઉસ અને સ્ટોરેજ યુનિટ બનાવે છે. આ અનલિસ્ટેડ ખાનગી કંપની 9 નવેમ્બર, 2000ના રોજ રૂ. 130.99 કરોડની ઓથોરાઈઝ્ડ શેર મૂડી સાથે નોંધાયેલી હતી. એપ્રિલ 2022થી માર્ચ 2023 દરમિયાન કંપનીની આવક રૂ. 500 કરોડથી વધુ હતી. જોકે, કંપનીના નફાના આંકડા જાણવા મળ્યા નથી. તેણે રાજકીય પક્ષોને આપવા માટે 2021-22માં રૂ. 360 કરોડના ઈલેક્ટોરલ બોન્ડ્સ ખરીદ્યા હતા. તે જ વર્ષે તેનો ચોખ્ખો નફો માત્ર 21.72 કરોડ રૂપિયા હતો. તેણે નાણાકીય વર્ષ 2023-24માં 50 કરોડ રૂપિયાના અન્ય બોન્ડ્સ પણ ખરીદ્યા હતા.


કંપનીમાં ત્રણ ડિરેક્ટરો છે. બોર્ડમાં હાલમાં સૌથી વધુ સમય સુધી કાર્યરત ડિરેક્ટર તાપસ મિત્રા છે - જે અન્ય 25 કંપનીઓના બોર્ડમાં પણ છે - તેમની નિમણૂક 17 નવેમ્બર, 2014 ના રોજ કરવામાં આવી હતી. મિત્રા રિલાયન્સ ઇરોઝ પ્રોડક્શન્સ એલએલપી જેવી ભાગીદારી કંપનીઓ અને જામનગર કંડલા પાઇપલાઇન કંપની પ્રાઇવેટ લિમિટેડ જેવી કંપનીઓના ડિરેક્ટર પણ છે. જામનગર કંડલા પાઈપલાઈન અન્ય કેટલીક રિલાયન્સ કંપનીઓ જેમ કે રિલાયન્સ પેજીંગ પ્રાઈવેટ લિમિટેડ, જામનગર રતલામ પાઈપલાઈન પ્રાઈવેટ લિમિટેડ, રિલાયન્સ ટેન્કેજ પ્રાઈવેટ લિમિટેડ અને રિલાયન્સ ઓઈલ એન્ડ પેટ્રોલિયમ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા શેર કરાયેલ સરનામા પર અમદાવાદમાં નોંધાયેલ છે. ક્વિકના બોર્ડમાં ડિરેક્ટર તરીકે વિપુલ પ્રાણલાલ મહેતા 10 ડિસેમ્બર, 2019 થી શામેલ છે. તેઓ અન્ય આઠ કંપનીઓના પણ ડિરેક્ટર છે, જેમાં એક રિલાયન્સ આઇકન્સ અને ટ્રેડર્સ પ્રાઈવેટ લીમીટેડનો સમાવેશ થાય  છે. જયારે શ્રીધર ટિટ્ટી 27 નવેમ્બર, 2023 ના રોજ બોર્ડમાં જોડાતા તાજેતરમાં નિમણૂક પામેલા ડિરેક્ટર છે.


હનીવેલ પ્રોપર્ટીઝ પ્રાઇવેટ લિમિટેડે, 8 એપ્રિલ, 2021ના રોજ રૂ. 30 કરોડના બોન્ડ ખરીદ્યા હતા, તે રિલાયન્સ લિંક ધરાવતી બીજી પેઢી છે. તેના બે ડિરેક્ટરોમાંથી એક, સત્યનારાયણમૂર્તિ વીરા વેંકટા કોર્લેપ, 2005 થી રિલાયન્સ ગ્રુપની ઘણી કંપનીઓના બોર્ડમાં છે. કંપની તેનું નોંધાયેલ સરનામું કેટલીક ગ્રુપ કંપનીઓ સાથે પણ શેર કરે છે. રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ (આરઓસી) સાથેની ફાઇલિંગમાં રિલાયન્સ ગ્રુપ સપોર્ટ, રિલાયન્સ ફાયર બ્રિગેડ અને રિલાયન્સ હોસ્પિટલ મેનેજમેન્ટ સાથે મળીને ક્વિકના 50.04 % ની માલિકી દર્શાવવામાં આવી છે, જે રિલાયન્સના રિટેલ યુનિટને લોજિસ્ટિક્સ અને સપ્લાય ચેઈન સપોર્ટ પૂરો પાડે છે. જો કે, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, "ક્વિક સપ્લાય ચેઈન પ્રાઈવેટ લિમિટેડ કોઈપણ રિલાયન્સ એન્ટિટીની પેટાકંપની નથી."


નેક્સજી ડીવાઈસ પ્રાઈવેટ લીમીટેડ, સુરેન્દર લુનિયા સાથે જોડાયેલી એક કંપનીએ મે, 2019 અને નવેમ્બર, 2022માં રૂ. 35 કરોડના ઇલેક્ટોરલ બોન્ડ ખરીદ્યા હતા. તેમની સાથે જોડાયેલી અન્ય એક ફર્મ, ઇન્ફોટેલ બિઝનેસ સોલ્યુશન્સે મે, 2019માં રૂ. 15 કરોડના ઇલેક્ટોરલ બોન્ડ્સ ખરીદ્યા હતા. તેમણે જ રિલાયન્સ સાથે જોડાયેલી કંપનીઓ દ્વારા અદાણી ગ્રુપને એનડીટીવીમાં 29.18% હિસ્સો વેચ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application