રાજકોટની વસતી ૨૦ લાખ: કોરોના ટેસ્ટ કિટ ૧૮ હજાર

  • April 28, 2021 03:45 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેરની વસતી ગણતરી તો કોરોનાના કારણે મોકૂફ રહી છે પરંતુ છેલ્લા ૧૦ વર્ષમાં રાજકોટ શહેરમાં ભળેલા કોઠારિયા, વાવડી, માધાપર, ઘંટેશ્ર્વર, મનહરપુર–૧ (પાર્ટ), મુંજકા, મોટામવા સહિતના ૭ ગામોની વસતી, ઉત્તરોત્તર વસતી વધારો, ઈમિગ્રન્ટસ સહિતના પરિબળો ધ્યાને લેતા હાલ રાજકોટની વસતી ૨૦ લાખ હોવાનો મ્યુનિસિપલ અંદાજ છે. દરમિયાન આ ૨૦ લાખની વસતી માટે આજની સ્થિતિએ કોરોના ટેસ્ટ માટેની ફકત ૧૮ હજાર એન્ટિજન ટેસ્ટ કિટ ઉપલબ્ધ છે ! વારંવાર ટેસ્ટ કિટ ખાલી થઈ જતી હોય આરોગ્ય કેન્દ્રોમાં તેમજ જાહેર ટેસ્ટ બૂથ પર ટેસ્ટ કરાવવા જનારાઓમાં દેકારો બોલી રહ્યો છે. દરમિયાન સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કર પટેલે પરિસ્થિતિની તાકિદની સમીક્ષા કરીને ચંદીગઢથી વધુ ૨૨ હજાર કિટ મગાવવા ઓર્ડર આપ્યો છે જે આજે સાંજ સુધીમાં આવી જનાર હોવાનું જાણવા મળે છે.

 


વિશેષમાં મહાપાલિકાના સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ કોરોનાની બીજી લહેરમાં ફેમિલી બન્ચિંગ પેટર્નના કારણે ટેસ્ટનું પ્રમાણ ખુબ વધી ગયું છે. પ્રથમ લહેરમાં પરિવારમાં કોઈ એક વ્યકિત પોઝિટિવ આવે ત્યારબાદ અન્યના ટેસ્ટ કરવામાં આવે તો તે નેગેટિવ આવતા હતા પરંતુ હાલમાં કોઈ એક વ્યકિત પોઝિટિવ આવે ત્યારબાદ પરિવારજનોના ટેસ્ટ કરે તો તમામના ટેસ્ટ પોઝિટિવ જ આવે છે જેના લીધે પોઝિટિવિટી રેશિયો વધ્યો છે અને તેના કારણે ટેસ્ટ કરાવવાનું પ્રમાણ પણ વધી ગયું છે. આવા કારણોસર અવારનવાર એન્ટિજન કિટનો જથ્થો ખલાસ થઈ જાય છે. મહાપાલિકા તંત્રએ ૨ લાખ કિટનો ઓર્ડર આપેલો છે પરંતુ તે એકસાથે ઉપલબ્ધ થઈ નથી, તબકકાવાર મળી રહી છે અને હાલમાં તો યાંથી પણ ઉપલબ્ધ હોય ત્યાંથી જથ્થો મગાવાઈ રહ્યો છે.

 

 

૨૧ આરોગ્ય કેન્દ્રોમાં દરરોજ સવારથી ટેસ્ટ કરાવવા માટે લાઈનો લાગે છે. અમુક નાગરિકો તો અલગ–અલગ આરોગ્ય કેન્દ્રોમાં વારંવાર ટેસ્ટ કરાવતા હોય તેના લીધે પણ કિટ ઘટવા લાગી છે. દરમિયાન હવે આરોગ્ય કેન્દ્રમાં પણ એન્ટિજન ટેસ્ટ કરાવવા આવે તેનું આધાર કાર્ડ લેવાનું શરૂ કરવામાં આવ્યું છે જેથી કોઈ એક જ દિવસમાં એકને એક નાગરિક એકથી વધુ આરોગ્ય કેન્દ્રોમાં પોતાનો ટેસ્ટ કરાવવા જાય નહીં !

 


સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કર પટેલે જણાવ્યું હતું કે, તેઓ રાજકોટ શહેરના આરોગ્ય કેન્દ્રની સ્થિતિનો દરરોજ દિવસમાં બે વખત રિવ્યુ લઈ રહ્યા છે અને કોઈપણ સ્થળે ટેસ્ટ કરાવવા જનાર વ્યકિતને કિટના અભાવે પરત જવું પડયું હોય તેવું બનતું નથી આમ છતાં અમુક આરોગ્ય કેન્દ્રોમાં વ્યવસ્થા જળવાય રહે તે માટે ટોકન સીસ્ટમ શરૂ કરવામાં આવી છે. દરરોજ ૧૦૦થી ૧૨૫ નાગરિકોને ટોકન અપાઈ રહ્યા છે. આ ઉપરાંત જાહેર ટેસ્ટ બૂથ જે ૧૦ સ્થળોએ કાર્યરત છે ત્યાં આગળ પણ લગાતાર ટેસ્ટિંગ કરવામા આવી રહ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, ફકત ગુજરાત જ નહીં પરંતુ દેશના અન્ય રાયોના શહેરોમાં પણ યાં કયાંયથી એન્ટિજન ટેસ્ટ કિટ ઉપલબ્ધ થઈ શકે એમ હોય ત્યાંથી મગાવવાના તમામ પ્રયાસો ચાલી રહ્યા છે. હાલમાં ચંદીગઢથી વધુ ૨૨ હજાર કિટનો જથ્થો મગાવાયો છે જે આજે સાંજ સુધીમાં રાજકોટ આવી પહોંચશે.

 


ટેસ્ટ ઘટતા કેસ ઘટયા: બપોર સુધીમાં ૨૫૧ કેસ

 

રાજકોટ મહાનગરપાલિકા દ્રારા કોરોના ટેસ્ટ ઘટાડી દેવામાં આવતા હવે પોઝિટિવ કેસનું પ્રમાણ ઘટી ગયું છે. મહાનગરપાલિકા દ્રારા હાલ સુધી દરરોજ ૧૨૦૦૦થી વધુ કોરોના ટેસ્ટ કરવામાં આવતા હતા જે ગઈકાલથી ઘટાડીને ૯૦૦૦થી ૯૫૦૦ કરી નાખવામાં આવ્યા છે જેથી કોરોનાના કેસનું પ્રમાણ ઘટી ગયું છે. ગઈકાલે ૯,૪૧૩ ટેસ્ટ કરાતા તેમાંથી ૫૪૬ પોઝિટિવ કેસ મળ્યા હતા. કોરોના ટેસ્ટ ઘટાડી દેવાનું કારણ એન્ટિજન ટેસ્ટ કિટની અછત હોવાનું સૂત્રોમાંથી જાણવા મળે છે.

 

 


વિશેષમાં મહાપાલિકાએ જાહેર કરેલા કોવિડ બૂલેટિન અનુસાર આજે બપોર સુધીમાં ૨૫૧ કેસ નોંધાતા શહેરમાં કોરોનાના કેસની કુલ સંખ્યા ૩૧,૭૩૩ થઈ છે. આજ સુધીમાં કુલ ૨૬,૫૦૫ દર્દીઓ સાજા થઈ જતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને રિકવરી રેઈટ ૮૪.૧૯ ટકા રહ્યો છે. યારે આજ સુધીમાં કુલ ૯,૬૨,૧૩૦ નાગરિકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે જેમાં પોઝિટિવિટી રેઈટ ૩.૨૭ ટકા રહ્યો છે.

 

 


રાજકોટ મહાપાલિકાના આરોગ્ય કેન્દ્રોમાં ટેસ્ટ કરાવવા માટે જતા નાગરિકોએ હવે કલાકો સુધી લાઈનમાં ઉભું રહેવું પડે છે તેમજ આધાર કાર્ડ પણ ફરજિયાત બનાવી દેવામાં આવ્યું હોય ટેસ્ટની પ્રક્રિયા પણ વિલંબિત થઈ રહી છે. ૧૦૪ વાનને કોરોના ટેસ્ટ માટે ફોન કરવામા આવે ત્યારબાદ ૨૪થી ૪૮ કલાકે માંડ પહોંચે છે તેવી સ્થિતિ સર્જાઈ છે. રાજકોટ શહેરમાં કોરોનાની બીજી લહેર વધુ તીવ્ર અને ઘાતક હોય ટેસ્ટનું પ્રમાણ વધારવામાં આવે અને વધુને વધુ પોઝિટિવ લોકોને શોધવામાં આવે તો જ કોરોનાનું સંક્રમણ ઘટશે તેવું ખાનગી તબીબી વર્તુળોનું માનવું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS