ખંભાળિયામાં વેપારી પુત્ર પાસેથી પઠાણી વ્યાજ વસુલાત

  • March 13, 2023 06:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયામાં રહેતા એક યુવાનને ઉંચા વ્યાજે પૈસા આપી, તેની સામે મોટી રકમ વસૂલ કર્યા પછી પણ માનસિક રીતે પરેશાન કરી, નોટરી લખાણ કરાવી અને કોરા ચેક મેળવ્યા પછી પણ ધાકધમકી આપતા શખ્સ સામે વ્યાજ વટાવની કલમ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.


આ સમગ્ર પ્રકરણ અંગે ખંભાળિયાના દ્વારકા ગેઈટ વિસ્તારમાં રહેતા વેપારી પુત્ર એવા કિશનભાઈ હિતેશભાઈ ભૂત નામના ૨૫ વર્ષના યુવાન દ્વારા અત્રે દાલમિયા ગ્રાઉન્ડની પાછળ રહેતા શક્તિસિંહ અનોપસિંહ વાઢેર સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે નવેમ્બર ૨૦૧૯ માં કિશને શક્તિસિંહ પાસેથી રૂપિયા ૩૦,૦૦૦ની રકમ પાંચ ટકા વ્યાજના દરથી લીધી હતી. બાદમાં અનુક્રમે  ૧૦,૦૦૦, ૪૦,૦૦૦ તેમજ ૨૫,૦૦૦ મળી, કુલ રૂપિયા ૧.૦૫ લાખની રકમ તેણે વ્યાજે લીધી હતી. જેના માસિક ૧૩ ટકા લેખે શક્તિસિંહને વ્યાજ ચૂકવવામાં આવતું હોવાનું તેણે પોલીસ ફરિયાદમાં જાહેર કર્યું છે.


આ દરમિયાન કિશનભાઈ દ્વારા શક્તિસિંહ તથા તેના પત્નીના ખાતામાં યુપીઆઈ, ગુગલ-પેથી વ્યાજ ચૂકવવામાં આવતું હતું. આટલું જ નહીં, ટુ-વ્હીલર ગીરવે મૂક્યા પછી પણ તેણે કટકે કટકે રૂપિયા ૨,૦૧,૭૦૦ ની રકમ ચૂકવી દીધી હતી. તેમ છતાં પણ શક્તિસિંહ દ્વારા તેના માતા-પિતા પાસે જઈ અને ધાક-ધમકી આપી, "તમારા એકના એક દીકરાને મારી નાખીશ. બળજબરી પૂર્વક મકાન પડાવી લઈશ"- તેમ કહી એડવોકેટ પાસે તેણે રૂપિયા ૧.૭૦ લાખ હાથ ઉછીના લીધાનું બળજબરીપૂર્વક લખાણ લખાવી અને બે કોરા ચેક મેળવી લીધા હતા.


આમ, તોતિંગ વ્યાજની ઉઘરાણી કરી, મોટી રકમના ચેક બાઉન્સ કરાવી કોર્ટમાં કેસ કરવાની ધમકી આપવાના આ સમગ્ર પ્રકરણ સંદર્ભે ખંભાળિયા પોલીસે કિશનભાઈ ભૂતની ફરિયાદ પરથી પેમેન્ટ ડીટેઈલ, કોલ રેકોર્ડિંગ વિગેરેને ધ્યાનમાં લઈ, શક્તિસિંહ અનોપસિંહ વાઢેર સામે આઈ.પી.સી. કલમ ૩૮૬, ૫૦૪, ૫૦૬ (૨) તથા ગુજરાત નાણા ધીરધાર અધિનિયમની કલમ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. આઈ.આઈ. નોયડા દ્વારા હાથ ધરવામાં આવી છે.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application