રાષ્ટ્રસંત નમ્રમુનિ મ.સા.ના ૫૦મા જન્મોત્સવ નિમિત્તે ૫૦ પાંજરાપોળોને રૂ. ૫૦ લાખની સહાય

  • October 28, 2020 02:04 AM 330 views

મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણીના હસ્તે રાષ્ટ્ર સંત નમ્રમુનિ મહારાજના ૫૦મા જન્મોત્સવ નિમિત્તે ૫૦ નાની નાની પાંજરાપોળોને મેડીકલ વેટરનીટી-દવાઓ માટે સમસ્ત મહાજન દ્વારા પ્રતિ પાંજરાપોળને રૂ. ૧ લાખ એમ કુલ રૂ. ૫૦ લાખની સહાય આપવાની યોજનાનો શુભારંભ કરાયો  મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણી એ રાષ્ટ્ર સંત   નમ્રમુનિ મહારાજના આશીર્વાદ મેળવીને આ પ્રસંગે જણાવ્યું હતું કે, અબોલ જીવોના આશીર્વાદ એ પરમાત્માના આશીર્વાદ સમાન છે. મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઇ પટેલનું ગુજરાત અહિંસા અને જીવદયાને વરેલું છે. જીવમાત્રનો વિચાર કરીને રાજ્યના તમામ જીવોને અભયદાન મળે તે દિશામાં કરૂણા અભિયાન સહિત રાજ્ય સરકારની અનેકવિધ યોજનાઓ કાર્યરત છે. 


મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણીના હસ્તે રાષ્ટ્ર સંત પરમ પૂજ્ય   નમ્રમુનિ મહારાજના ૫૦મા જન્મોત્સવ નિમિત્તે રાજ્યની ૫૦ નાની નાની પાંજરાપોળોને મેડીકલ વેટરનીટી અને દવાઓ માટે દાતાના સહકારથી સમસ્ત મહાજન દ્વારા પ્રતિ પાંજરાપોળને રૂ. ૧ લાખ એમ કુલ રૂ. ૫૦ લાખની સહાય આપવાની યોજનાનો ગાંધીનગરથી શુભારંભ કરાયો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રી ના હસ્તે પ્રતિકરૂપે ભાણવડ અને વિરમગામના સંચાલકોને ચેક અર્પણ કરાયા હતા. 
મુખ્યમંત્રી એ જણાવ્યું હતું કે, રાજ્યમાં સૌના પ્રત્યે કરૂણા અને અનુકંપાનો ભાવ જાગે તેવું વાતાવરણ બની રહે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.


ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસની સાથે સાથે ઇઝ ઓફ લિવિંગ લાઇફને પણ મહત્વ આપીને ગુજરાતમાં જીવદયાના અનેક પ્રકલ્પો શરૂ કરવામાં આવ્યા છે. રાજ્યમાં પક્ષીઓને બચાવવા માટે કરૂણા અભિયાન અંતર્ગત ૧૯૬૨ હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા રાજ્યના ૨૫૦ તાલુકાઓમાં વિનામૂલ્યે સ્થળ ઉપર પશુઓની સારવાર માટે મોબાઇલ પશુ દવાખાના કાર્યરત કરવામાં આવ્યા છે જેમાં ૧૦૮ જેવી ઇમરજન્સી સેવાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. તેમણે ઉમેર્યું હતું કે, કોરોના જેવી મહામારીમાં પશુઓને ઘાસ મળી રહે તે માટે પ્રતિ પશુ દીઠ રૂ. ૨૫ની સબસિડી પણ તાજેતરમાં જાહેર કરવામાં આવી છે. આ ઉપરાંત રાજ્યની પાંજરાપોળો પોતાની જમીનમાં ઘાસ ઉઘાડીને સ્વનિર્ભર બને તે માટે રૂ. ૧૦૦ કરોડની યોજના તેમજ કચ્છના બન્ની પ્રદેશમાં ઘાસ ઉઘાડવા માટે રૂ. ૧૦૦ કરોડ ફાળવવામાં આવ્યા છે તેમ જણાવી સમસ્ત મહાજન દ્વારા શરૂ કરાયેલ આ જીવદયાના નવા સોપાન માટે ઉપસ્થિત સૌને અભિનંદન આપી શુભેચ્છાઓ પાઠવી હતી.


વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયેલા રાષ્ટ્ર સંત પરમ પૂજ્ય   નમ્રમુનિ મહારાજે આર્શીવચન આપતાં જણાવ્યું હતું કે, નાની પાંજરાપોળોના પશુઓને યોગ્ય સારવાર મળી રહે તેવા ઉમદા હેતુથી આ યોજનાનો મુખ્યમંત્રી ના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો છે. અબોલ જીવોના આર્શીવાદ સંતોના આર્શીવાદ કરતા પણ વધુ મહત્વના છે. મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણીના નેતૃત્વમાં ગુજરાત સરકાર પાંજરાપોળોને આત્મનિર્ભર બનાવવા, પશુઓ માટે કરૂણા એમ્બ્યુલન્સ તેમજ પશુઓ માટે સબસીડી આપીને સાચા અર્થમાં અબોલ જીવોની સેવા કરી રહી છે. આ પ્રસંગે   નમ્રમુનિ મહારાજે ગુજરાતમાં માનવીની જેમ જ જનભાગીદારીથી આધુનિક પશુ હોસ્પિટલોનું નિર્માણ થાય તે દિશામાં જૈન ગુજરાત તરફથી સહયોગ કરવા પણ જણાવ્યું હતું. આ પ્રસંગે ગાંધીનગરથી સમસ્ત મહાજનના મેનેજીંગ ટ્રસ્ટી   ગિરીશભાઇ શાહ, દેવેન્દ્રભાઇ જૈન, મિત્તલભાઇ,  ભાવિકભાઇ તેમજ ભાણવડ અને વિરમગામ પાંજરાપોળના સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application