ગુજરાતમાં વેક્સિનની રામાયણ...ખાનગી હોસ્પિટલો બાકાત, સરકારી સેન્ટરોમાં અછત છે

  • May 04, 2021 08:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખાનગી હોસ્પિટલોએ વેક્સિન આપવાનું બંધ કર્યું, બે દિવસમાં 50 ટકા વેક્સિનેશન ઓછું થઇ ગયું, બીજા ડોઝ માટે પણ લોકોને મુશ્કેલી પડી રહી છેગુજરાતમાં અપૂરતા જથ્થા સાથે શરૂ થયેલી વેક્સિનનેશનની ત્રીજા તબક્કાની પ્રક્રિયામાં અવરોધ ઉભા થયા છે. સરકારે ખાનગી હોસ્પિટલો અને સેન્ટરોને તેમની રીતે વેક્સિન પ્રાપ્ત કરવાનો આદેશ કરતાં ખાનગી હોસ્પિટલો વેક્સિનેશન પ્રક્રિયામાંથી દૂર હટી રહી છે જ્યારે સરકારી સેન્ટરોમાં અપૂરતો જથ્થો હોવાથી બઘાં લોકોને વેક્સિન મળી રહી નથી. રાજ્ય સરકારના અણઘડ આયોજનના કારણે 18થી 44 વર્ષની વયના લોકો લાઇનોમાં ઉભા રહે છે પરંતુ ચોંકાવનારી બાબત એવી છે કે 45 વર્ષ અને તેની વધુની ઉંમરના લોકોને વેક્સિનનો બીજો ડોઝ મેળવવાના ફાંફા છે.

 


કોરોના સંક્રમણની બીજી લહેરમાં વિકટ બનતી જતી પરિસ્થિતિ વચ્ચે લોકોને વેક્સિન લેવી છે પરંતુ ઉતાવળે શરૂ કરાયેલા અભિયાનનો વેક્સિનના અભાવે ફિયાસ્કો થઇ રહ્યો છે. ખાનગી હોસ્પિટલો અંગે સરકારના વિચિત્ર નિર્ણયના કારણે તેમણે વેક્સિનેશન બંધ કર્યું છે અને સરકારી અર્બન સેન્ટરો પર વેક્સિનનો પુરતો જથ્થો નથી. આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીએ કહ્યું હતું કે બીજા રાજ્યોની જેમ ગુજરાતમાં વેક્સિનનો પુરતો જથ્થો આવી ગયા પછી એટલે કે 15મી મે થી વેક્સિનેશન શરૂ કરવામાં આવ્યું હોત તો લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો ન હોત.

 


વેક્સિનેશન માટે કોવિન પ્લેટફોર્મ પર ગઇ 28મી એપ્રિલથી રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે પરંતુ વેક્સિનેશનના ત્રીજા તબક્કામાં રજીસ્ટ્રેશનમાં  ટેકનિકલ ખામી તેમજ પુરતા જથ્થા વિના શરૂ કરવામાં આવેલી આ ઝૂંબેશને કારણે લોકો વેક્સિનેશનથી વંચિત થઇ રહ્યાં છે. અમદાવાદમાં વેક્સિનેશનના સેન્ટરોમાં ભારે ભીડ જોવા મળી રહી છે. સવારના શિડ્યુઅલમાં જ વેક્સિનનો જથ્થો ખલાસ થઇ જાય છે. ચોંકાવનારી બાબત એવી સામે આવી છે કે 18 થી 44ની વયજૂથના લોકોને વેક્સિન આપવામાં 45 વર્ષ કે તેથી વધુ વર્ષની વયના લોકોને વેક્સનનો બીજો ડોઝ મળી શકતો નથી.

 


ગુજરાતમાં યુવાનોમાં વેક્સિન લેવાની જાગૃતિનાકારણે રજીસ્ટ્રેશન વધી ગયું છે પરંતુ વેક્સિનનો પુરતો જથ્થો ગુજરાત પાસે નથી. અમદાવાના મોટાભાગના સેન્ટરો પર 6ઠ્ઠી મે સુધીના સ્લોટ ફુલ થઇ ગયા છે.

 


આરોગ્ય વિભાગના એક અધિકારીએ કહ્યું હતું કે સરકારી આરોગ્ય સેન્ટરો પર લોકોને વેકસિન વિનામૂલ્યે આપવાનો નિર્ણય લેવાયો છે પરંતુ ખાનગી હોસ્પિટલો અને મોટા ઉદ્યોગ સમૂહોએ કોરોના વેક્સિનનો જથ્થો પોતાની રીતે મેળવવાનો રહેશે.

 


શું ખાનગી હોસ્પિટલો વેક્સિનેશનમાંથી બાકાત કરવામાં આવી છે તેવા એક પ્રશ્નના જવાબમાં આ અધિકારીએ કહ્યું હતું કે અત્યાર સુધીમાં ખાનગી હોસ્પિટલો સંચાલિત વેક્સિનેશન સેન્ટરમાં રાજ્ય સરકાર દ્વારા વેક્સિનનો જથ્થો આપવામાં આવતો હતો પરંતુ કેન્દ્રની માર્ગદર્શિકા પ્રમાણે 1લી મે થી બંધ કરવામાં આવ્યો છે. વેક્સિનેશનનો જથ્થો ખાનગી હોસ્પિટલોએ તેમની મેળે પ્રાપ્ત કરવાનો રહેશે. જો કે પ્રક્રિયામાં બદલાવ આવતાં પ્રાઇવેટ સેન્ટરો પર વેક્સિનની અછત પ્રવર્તી રહી છે. રાજ્ય સરકારે વેક્સિનની બે કંપ્નીઓ પાસેથી 2.50 કરોડ વેક્સિન ખરીદવાનો ઓર્ડર આપેલો છે.

 


ત્રીજા તબક્કાના વેક્સિનેશનના પ્રારંભ પહેલાં રાજ્ય સરકારે ખાનગી હોસ્પિટલોને આદેશ આપ્યો હતો કે તેમની પાસે વેક્સિનનો જે જથ્થો પડ્યો હોય તે વાપરી નાંખવાનો રહેશે. જો વેક્સિન નહીં વપરાઇ હોય તો તે રાજ્ય સરકારને પાછી આપવી પડશે અને તેના માટે ચૂકવાયેલા નાણાં પાછા આપવામાં આવશે નહીં. અમદાવાદની કેટલાક ખાનગી હોસ્પિટલોએ કહ્યું હતું કે સરકારે જે વેક્સિનેશન શરૂ કર્યું છે તેમાં ખાનગી હોસ્પિટલોને સાથે રાખીને વેક્સિન આપવાની છૂટ આપવી જોઇએ. જો આમ નહીં થાય તો સરકારી સેન્ટરો પર લોકો વેક્સિન લેવા માટે પડાપડી કરશે અને જે લોકોનું રજીસ્ટ્રેશન થયું છે તેમને કેવી રીતે વેક્સિન આપવી તે મોટો સવાલ છે.

 


અમદાવાદ સહિતના સેન્ટરોમાં વેક્સિનેશનની પ્રક્રિયામાં મુશ્કેલી ઉભી થઇ છે. ખાનગી હોસ્પિટલોએ વેક્સિન આપવાનું બંધ કર્યું છે અને સરકારી સેન્ટરો પર પુરતો જથ્થો નથી.અત્યારે સ્થિતિ એવી ઉભી થઇ છે કે 18 થી 44 વર્ષની વયના લોકોને તો પુરતા પ્રમાણમાં વેક્સિન આપી શકાતી નથી પરંતુ તેની સાથે 45 વર્ષથી ઉપરના લોકો કે જેમને વેક્સિનનો બીજો ડોઝ લેવાનો છે તે લોકો રઝળી પડ્યાં છે. તેમને બીજો ડોઝ મળતો નથી. જે લોકો રૂપિયા ખર્ચીને વેક્સિન લેવા માટે છે તેમના માટે પ્રાઇવેટ હોસ્પિટલોમાં વેક્સિન નથી અને સરકારી સેન્ટરો પર ભીડ હોવાથી તેઓ વેક્સિન લઇ શકતા નથી.

 

 


ગુજરાતમાં અત્યાર સુધીમાં વેક્સિનેશનના કુલ 1.24 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. 18 થી 44 વર્ષ સુધીના લોકોને 1લી મે એ 55235 અને 2જી મે એ 25712 લોકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. રાજ્યમાં કુલ 98.73 લાખ લોકોએ પહેલો ડોઝ અને 25.57 લાખ લોકોએ બીજો ડોઝ લીધો છે. જો કે વેક્સિનના અભાવે બીજા દિવસે ત્રીજા તબક્કામાં વેક્સિન લેનારા લોકોની સંખ્યા 50 ટકા ઘટી ગઇ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS