રાજકોટનો સમાવેશ રેડ ઝોનમાં થતા હવે ૨૦મી પછી પણ નહીં મળે કોઈ છૂટછાટ

  • April 16, 2020 11:42 AM 45804 views

રાજકોટમાં કોરોના પોઝિટિવ કેસના દર્દીઓની સંખ્યા સતત વધી રહી હોય રાજકોટ હવે રેડ ઝોન હેઠળ આવી ગયું છે. કેન્દ્રએ રાજકોટ, અમદાવાદ, વડોદરા, સુરત, ભાવનગર અને પાટણ જિલ્લાને હોટસ્પોટ જાહેર કર્યા છે. તેવામાં રાજકોટમાં સતત નવા કેસ થતાં રહે છે એટલે હવે શહેરમાં ૨૦ એપ્રિલ બાદ કોઈ છૂટછાટ મળે તેવી સંભાવના નહીંવત છે તેવો અધિકારી સૂત્રોનો અભિપ્રાય છે. રાજકોટ મહાપાલિકાના વોર્ડ નં.૧૬માં કોઠારિયા રોડ પર આવેલા જંગલેશ્ર્વરમાંથી સતત કેસ મળી રહ્યા હોય હવે રાજકોટવાસીઓએ તા.૩ મે સુધી લોકડાઉન પાળવાનું જ રહેશે, કોઈ જ છૂટછાટની આશા રાખી શકાય તેમ નથી.


રાજકોટ શહેરમાંથી કોરોનાના કુલ ૨૬ કેસ મળી આવ્યા છે અને તે ૨૬ પૈકી ૧૮ કેસ ફકત એક જંગલેશ્ર્વર વિસ્તારમાંથી જ મળી આવ્યા છે. વર્તમાન પરિસ્થિતિ જોતાં કેન્દ્ર સરકારે પરિસ્થિતિની સમીક્ષા બાદ ૨૦ એપ્રિલ બાદ આંશિક રાહત અને થોડી ઘણી છૂટછાટ આપવામાં આવશે તેવી જાહેરાત કરી હતી પરંતુ તેમાં રાજકોટને કોઈ છૂટ મળે તેવું જણાતું નહીં હોવાનું અધિકારી સૂત્રોએ સ્પષ્ટ્ર જણાવ્યું હતું.


રાજકોટ શહેરનો જંગલેશ્ર્વર વિસ્તાર હાલ સુધી માત્ર હોટસ્પોટ જાહેર થયો હતો પરંતુ હવે સમગ્ર રાજકોટ શહેર રેડ ઝોન હેઠળ આવી ગયું છે. આથી રાજકોટને ૨૦ એપ્રિલ બાદ પણ કોઈ છૂટછાટ મળે તેવા સંજોગો નથી. રાજકોટમાં કોરોનાના નવા પોઝિટિવ કેસ મળતા જ રહે છે આથી છૂટછાટ આપવાનું તો દૂર પરંતુ તે દિશામાં વિચારણા પણ થઈ શકે તેમ નથી તેમ સૂત્રોએ ઉમેર્યું હતું. કોરોના અંગેની ગાઈડલાઈન્સ અનુસાર શહેરના કોઈપણ વિસ્તારમાંથી પોઝિટિવ કેસ મળતા હોય ત્યારે ફકત તે વિસ્તારને ધ્યાને લેવાનો હોતો નથી પરંતુ સમગ્ર શહેરને ધ્યાને લઈને કામગીરી કરવાની રહે છે આથી રાજકોટમાં ફકત જંગલેશ્ર્વરમાંથી જ કેસ મળી રહ્યા છે તેમ છતાં સમગ્ર શહેરને રેડ ઝોન હેઠળ આવરી લેવાયું છે. કેન્દ્ર સરકારે જે છ જિલ્લાઓને હોટસ્પોટ જાહેર કર્યા છે તેમાં રાજકોટ પણ આવી ગયું છે. આજે સવારની સ્થિતિએ રાજકોટ શહેરમાં કોરોનાના કુલ ૨૬ પોઝિટિવ કેસ છે અને રાજકોટની ભાગોળે આવેલા મુંજકા ગામના એક કેસ સહિત શહેર અને જિલ્લાના મળી કુલ ૨૭ કેસ થાય છે

 

  • રાજકોટમાં કોરોના પોઝિટિવ કેસનો આકં ૧૦૦ સુધી પહોંચવાની પ્રબળ સંભાવના

રાજકોટ શહેરમાં કોરોના પોઝિટિવ કેસનો આકં હાલની સ્થિતિએ ૨૬ છે પરંતુ હાલમાં કિટ ખુબ ઓછી ઉપલબ્ધ હોય સેમ્પલિંગનું પ્રમાણ ઓછું છે તેના કારણે નવા કેસ બહાર આવતા નથી. જેમ જેમ વધુ સેમ્પલિંગ થતું જશે તેમ તેમ વધુ કેસ બહાર આવતા જશે તેમ કહેવામાં કોઈ જ અતિશ્યોકિત નથી. આજે સવારની સ્થિતિએ રાજકોટ શહેરના ૫૪ અને જિલ્લાના ૧૬ સહિત કુલ ૭૦ સેમ્પલના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. જંગલેશ્ર્વરમાં ગ્રાઉન્ડ લેવલે ફિલ્ડવર્ક કરતાં રાજકોટ મહાપાલિકાના સ્ટાફના વર્તુળોએ જણાવ્યું હતું કે, કોરોના પોઝિટિવ કેસનો આકં રાજકોટમાં હાલ ૨૬ છે તે ૧૦૦એ પહોંચતાં વાર નહીં લાગે કારણ કે, લોકલ ટ્રાન્સમિશન બાદ હવે કોમ્યુનિટી ટ્રાન્સમિશનનું થર્ડ સ્ટેજ શરૂ થઈ ગયું છે જે સૌથી ગંભીર સ્ટેજ છે


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application