રાજકોટમાં લોકડાઉન નાખો અથવા નિયમોનું ખરું પાલન કરાવો, વિજયભાઈ 

  • September 12, 2020 02:49 PM 9132 views

રાજકોટમાં લોકડાઉન નાખો વિજયભાઈ, રાજકારણ જાય ચૂલામાં અને કેન્દ્રની કહેવાતી ગાઈડલાઈન જાય જહન્નમમાં. અહીં ટપોટપ માણસો મરી રહ્યાં છે, સંક્રમિતોની સંખ્યા ભયજનક રીતે વધી ગઈ છે ત્યારે શહેરના નાગરિકોની સલામતી સિવાય બીજું કશું વિચારી જ શકાય તેમ નથી. સંવેદનશીલ મુખ્યમંત્રીનું બિરૂદ સાર્થક કરો વિજયભાઈ. આખા ગુજરાતમાં અત્યારે સૌથી ખરાબ સ્થિતિ રાજકોટની છે. સંક્રમિત થનારાઓના નામ અપાતા નથી એટલે સાચા આંકડાની કોઈને જાણ થતી જ નથી પણ તમને તો અધિકારીઓ જણાવતા હશે ને ? તમારાથી તો નહીં છૂપાવતા હોય ને ? કે પછી તત્રં જ એવું ગોઠવાયું છે કે કોઈને જાણ જ ન થાય સાચી પરિસ્થિતિની ? હવે આંકડા છૂપાવવાનું મહત્વ રહ્યું જ નથી, ઘરે ઘરે કોરોનાના ખાટલા ઢળવા માંડયા છે.

 

શહેરના મોટાભાગના અગ્રણીઓ ઝપટમાં આવી ગયા છે. અધુરું હતું તો સી.આર.પાટીલની રેલીએ પુરું કયુ. ભાજપના પણ ડઝનેક લોકો પોઝિટિવ થઈ ગયા. પરિસ્થિતિ ધાર્યા કરતાં ઘણી વધારે ખરાબ થઈ ગઈ છે. છેલ્લાં બે અઠવાડિયાથી અધિકારીઓ કહી રહ્યા છે કે રાજકોટ હવે ટોચની નજીક છે. પણ ટોચ આવતી જ નથી. મામાનું ઘર કેટલે તો કહે દિવા બળે એટલેની જેમ ટોચ દૂર ને દૂર સરકતી જાય છે. સરકારે એટલી છૂટછાટો આપી દીધી છે કે સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું લોકો ભૂલી જ ગયા છે. ગુજરાતમાં પરિસ્થિતિ કાબૂમાં છે એવો પ્રચાર સ્વીકારી લીધો, બસ ? હવે એટલું જૂઓ કે પરિસ્થિતિ બહુ સારી છે એવું સતત કહેવાથી લોકોમાં કોરોનાની ગંભીરતા રહી નથી. લોકો એને હળવાશથી લઈ રહ્યાં છે.

 


એક મિનિ કે માઈક્રો લોકડાઉનની રાજકોટને જરૂર છે. અથવા, લોકડાઉન વગર જ સોશિયલ ડિસ્ટન્સનું કડકાઈથી પાલન કરાવવું આવશ્કય છે. માસ્કના દડં કરતાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન વધુ અસરકારક નિવડશે. માસ્ક તો લગભગ બધા જ પહેરે છે પણ, દુકાનોમાં, ઓફિસમાં અને જાહેર સ્થળોએ પણ સોશિયલ ડિસ્ટન્સનું જરાય પાલન થતું નથી. એનો અમલ સજજડપણે કરાવવો પડશે અને શરૂઆત રાજકીય પક્ષોથી કરવી પડશે. સામાન્ય માણસ જેવો જ વ્યવહાર રાજકીય પક્ષો સાથે થાય એવું સુનીચ્છિત કરવું પડશે. સી.આર.પાટીલ કે હાદિર્ક પટેલ કે રમેશ ધડુક જેવા નેતા સોશિયલ ડિસ્ટન્સનો ભગં કરે કે કરાવે ત્યારે તેને પ્રજા કરતાં વિશેષ સજા ન કરાવી શકો તો કાંઈ વાંધો નહીં, સામાન્ય જનને જે સજા મળે છે એ તો મળે જ, એમાં કોઈ છટકબારી ન રહી જાય, એમાં કોઈ પ્રકારની રાહત ન મળી જાય એટલું તો કરાવી શકો કે નહીં ?

 

સરકારની તો આવી કોઈ સૂચના જ નથી કે તેમની સામે પગલાં ન લેવાં પણ પોલીસે ગુનો ન નોંધ્યો કે કલેકટરે ધ્યાન ન આપ્યું એવો બચાવ ન કરશો, બધા જાણે છે કે દરેક આદેશ લેખિતમાં નથી હોતો. સવાલ અત્યારે રાજકોટની જનતાની સલામતીનો છે. હવે બધું જ બાજુએ મૂકીને માત્ર પ્રજા માટે વિચારવાનો સમય છે. રોજના ૨૫–૩૦ મોત થાય છે, કોમોરબીડને સામેલ કરી લઈએ તો આંકડો બમણાથી વધુ થઈ જાય એ તમે તો સમજો છો વિજયભાઈ, શહેરના હિતમાં નિર્ણય લો

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application