રાજકોટની જ્યોતિ સીએનસીએ બનાવેલ વેન્ટિલેટરની ટ્રાયલ સફળ, 1000 મશીન રાજ્ય સરકારને અપાશે વિનામૂલ્યે

  • April 04, 2020 03:48 PM 5018 views

 

હાલ જ્યારે રાજ્ય સહિત દેશભરમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા વધી રહી છે. તેવામાં આગામી સ્થિતિને ધ્યાનમાં રાખી સરકાર દ્વારા વેન્ટીલેટર બનાવવાનું કામ પણ સોંપવામાં આવ્યું હતું. આ અંગે રાજકોટના જ્યોતિ સીએનસી દ્વારા ટુંક સમયમાં જ લોકોના જીવ બચાવવા જરૂરી એવા વેન્ટીલેટર બનાવી આપવાની બાંહેધરી આપી હતી અને તેના પર કામ શરુ કરી દેવામાં આવ્યું હતું અને માત્ર દસ જ દિવસમાં વેન્ટિલેટર તૈયાર પણ કરી લેવામાં આવ્યું છે. 


હાલની સ્થિતિની ગંભીરતા સમજી અને પરાક્રમસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ આ વેન્ટિલેટર તૈયાર કરવા માટે સતત દસ દિવસ સુધી 150થી વધુ એન્જિનિયરોએ ડિઝાઇન બનાવી  તેના પર  કામ કર્યું છે. હાલમાં ઈમ્પોર્ટેડ સ્પેરપાર્ટ્સ ઉપલબ્ધ ન હોય ત્યારે જામનગર, મોરબી, સુરત, બોમ્બે, ચેન્નઈ સહિતના 26 કંપનીઓએ  સ્પેરપાર્ટ આપ્યા છે અને વેન્ટિલેટરનું સફળ પ્રોડક્શન કરવામાં આવ્યું છે. તૈયાર થયેલા વેન્ટિલેટર પર પણ સતત ૧૦ કલાક સુધી પરીક્ષણ ચાલ્યું હતું. ત્યારબાદ જ્યોતિ સીએનસીએ બનાવેલા વેન્ટિલેટરની ટ્રાયલ સફળ પણ રહી છે. મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણી પણ આ નવા વેન્ટિલેટરની સફળ ટ્રાયલના સાક્ષી બન્યા હતા.

 

આ વેન્ટીલેટરનું નામ ધમણ-૧ રાખવામાં આવ્યું છે. હવે આગામી થોડા જ દિવસોમાં જ્યોતિ સીએનસી 1000 મશીન તૈયાર કરી દેશે. આ સાથે જ ગુજરાતે કોરોના સામેની લડાઈમાં મોટી સફળતા મેળવી છે. સસ્તા વેન્ટિલેટર બની જતાં હવે કપરી સ્થિતિમાં પણ આરોગ્ય તંત્ર વધુમાં વધુ દર્દીઓને વેન્ટિલેટર દ્વારા જરૂરી સારવાર પૂરી પાડી શકશે અને લોકોના જીવ બચાવી શકશે.

 

રાજકોટમાં બનનાર વેન્ટિલેટરની કિંમત એક લાખ રૂપિયાની અંદર રાખવામાં આવી છે. જ્યારે બજારમાં ઉપલબ્ધ અન્ય વેન્ટીલેટરોની કિંમત ઘણી વધુ હોય છે. આમ રાજકોટના જ્યોતિ સી.એન.સી દ્વારા વેન્ટિલેટરોની સફળ પ્રોડક્શન સાથોસાથ કોસ્ટ કટિંગ ઉપર પણ સફળ ઓપરેશન કરાયું છે. આ સાથે જ પહેલા 1000 વેન્ટિલેટર બનશે તે જ્યોતિ સીએનસી ગુજરાત સરકારને વિનામૂલ્યે આપશે તેવી જાહેરાત પણ કરવામાં આવી છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application