સોની બજારમાં મહિલા ટોળકી ત્રણ કિલો ચાંદી ભરેલો ડબ્બો સિફતપૂર્વક ચોરી ગઈ, જુઓ ચોરીનો Video

  • July 31, 2021 03:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેરના સોની બજાર વિસ્તારમાંથી થોડા દિવસ પૂર્વે બંગાળી કારીગર 70 તોલા સોનુ લઈ નાસી ગયાની ઘટના હજુ તાજી છે. ત્યાં સોની બજારમાં હવે ચોરી કરનાર મહિલા ટોળકી ત્રાટકી છે. સોની બજારમાં આવેલા શક્તિ જવેલર્સના શો રૂમમાં આ મહિનાની ટોળકી ત્રાટકી સિફતપૂર્વક અંદાજીત રૂપિયા બેથી અઢી લાખની કિંમતની ત્રણ કિલો ચાંદીનો ડબ્બો સેરવી લીધો હતો. આ અંગે એ.ડીવીઝન પોલીસ મથકમાં જાણ કરવામાં આવતા પોલીસે અરજી લઇ સીસીટીવી ફૂટેજના આધારે આ ટોળકીને ઝડપી લેવા માટે તપાસ શરૂ કરી છે.

 

જાણવા મળતી વિગતો મુજબ શહેરના સોની બજાર મેઇન રોડ પર આવેલા શક્તિ જ્વેલર્સ નામના શોરૂમમાં ગુરુવારે બપોરના 3:20 આસપાસ છથી સાત મહીલાઓ ગ્રાહકના સ્વાંગમાં અહીં ખરીદી કરવા આવી હતી. દરમિયાન વેપારીને વાતોમાં વ્યસ્ત રાખી સિફતપૂર્વક એક મહિલાએ કાઉન્ટર ટેબલના ખાના નીચે આવેલી તિજોરીમાંથી અંદાજિત ત્રણ કિલો ચાંદી ભરેલો ડબ્બો કાઢી લીધો હતો.બાદમાં વેપારીને શંકા પણ ન જાય તે રીતે આ ડબ્બો લઈને આ ટોળકી ચાલી ગઇ હતી.

 

સોની બજારમાં મહિલા ટોળકી ત્રણ કિલો ચાંદી ભરેલો ડબ્બો સિફતપૂર્વક ચોરી ગઈ, જુઓ ઘટનાના CCTV

Posted by Aajkaaldaily.com on Saturday, July 31, 2021

ગ્રાહકોમાંથી સમય મળ્યા બાદ વેપારીએ શોરૂમ તપાસ કરતા ચાંદી જેમાં રાખી હતી તે ડબ્બો ગાયબ હોય આ મહિલા ટોળકી જ ડબ્બો ઉઠાવી ગઇ હોવાની શંકા ગઈ હતી,ત્યારબાદ સીસીટીવી ફૂટેજ ચકાસતા તે ફૂટેજમાં અન્ય મહિલાઓ વેપારીને વાતોમાં વ્યસ્ત રાખે અન્ય એક મહિલા સિફતપૂર્વક ટેબલ નીચે ઘૂસી જઇ ડબ્બો લીધો હોવાનું સ્પષ્ટપણે નજરે પડી રહ્યું હતું. જેથી એ.ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી.

 

વધુમાં જાણવા મળતી વિગતો મુજબ સોની બજાર મેઇન રોડ પર આવેલ શક્તિ જ્વેલર્સ શોરુમની માલિકી અનિલભાઈ મુંધવાની છે અને નવીનભાઈ ચીમનલાલ ભીંડે(રહે.જાગનાથ)અહીં ભાગીદાર તરીકે છે. બપોરના સમયે તેઓ દુકાન પર હતા દરમિયાન આ ઘટના બની હતી. આ મામલે નવીનભાઈએ એ.ડિવિઝન પોલીસ મથકમાં અરજી કરી છે.

 

વેપારીએ કરેલી અરજીના આધારે એ.ડીવીઝન પોલીસે સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ ચકાસી આ ફૂટેજમાં લુંટારુ મહિલા ટોળકીના ચહેરા સ્પષ્ટપણે દેખાઈ રહ્યા હોય તેના આધારે તેને ઝડપી લેવા માટે શોધખોળ શરૂ કરી છે. આ મહિલા ટોળકીએ સોની બજારમાં અન્ય વેપારીઓને ત્યાં પણ આ પ્રકારે સિફતપૂર્વક ચોરી કરી હોવાની શંકા સેવાઇ રહી છે ત્યારે આ ટોળકીનો ભોગ બનનારને પણ સામે આવવા અપીલ કરવામાં આવી છે. તેમજ ફૂટેજમાં નજરે પડનાર મહિલા ક્યાંય દેખાય તો પોલીસને જાણ કરવા પણ અપીલ કરાઇ છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS