રાજકોટમાં ત્રણ વર્ષનો સૌથી ઓછો વરસાદ: ૧૪ ઈંચની ઘટ

  • August 26, 2021 07:04 PM 

રાજકોટ શહેરમાં ચાલુ વર્ષે છેલ્લા ત્રણ વર્ષનો સૌથી ઓછો વરસાદ વરસ્યો છે. ફકત ગત વર્ષની તુલનાએ પણ હજુ ૧૪ ઈંચ વરસાદની ઘટ છે. જો આગામી દિવસોમાં ભરપુર વરસાદ નહીં વરસે તો રાજકોટ પીવાના પાણી માટે સંપૂર્ણપણે નર્મદા નીર આધારિત થઈ જશે. એક દિવસ પણ નર્મદા નીર નહીં મળે કે ઓછુ મળશે તો પાણી પ્રશ્ન સર્જાશે. ૨૦૧૯માં તા.૨૫ ઓગસ્ટે તો ન્યારી–૧ ડેમ ઓવરફલો થઈ ચુકયો હતો અને રાજકોટનો મોસમનો કુલ વરસાદ ૩૮.૫ ઈંચ થયો હતો. ૨૦૨૦માં ૨૫ ઓગસ્ટે જળાશયોમાં વિપુલ માત્રામાં જળજથ્થો ઉપલબ્ધ થઈ ગયો હતો અને મોસમનો કુલ વરસાદ ૩૭ ઈંચ થયો હતો. જયારે ચાલુ વર્ષ ૨૦૨૧માં હજુ જળાશયો ખાલી છે અને મોસમનો કુલ વરસાદ માત્ર ૨૩ ઈંચ થયો છે.

 


રાજકોટને પીવાનું પાણી પુરૂ પાડતા આજી–૧, ન્યારી–૧, ભાદર–૧ સહિતના જળાશયોમાં રાજકોટ માટે ફકત નવેમ્બર સુધી ચાલે તેટલો જળજથ્થો ઉપલબ્ધ છે અને સૌની યોજના હેઠળ નર્મદાનીર ઠાલવવા માગણી કરવામાં આવી છે પરંતુ હજુ સુધી નર્મદાનીરનું એક ટીપુ પણ ઠલવાયું નથી. જો ભાદરવો–આસો માસમાં વરસાદ ન આવે તો દુષ્કાળ નક્કી છે.

 

જન્માષ્ટ્રમી પૂર્વે જળાશયો ખાલી સૌરાષ્ટ્ર્રમાં ફકત બે ડેમમાં નવા નીર


રાજકોટ મહાનગરપાલિકા હસ્તકના ત્રણ સહિત રાજકોટ સિંચાઈ વર્તુળ હેઠળના સૌરાષ્ટ્ર્રના કુલ ૮૨ જળાશયોમાંથી ફકત બે જળાશયોમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન નવા નીરની નજીવી આવક થઈ છે. રાજકોટ શહેરને પીવાનું પાણી પુરૂ પાડતા તમામ જળાશયોની સપાટી યથાવત રહી છે. સિંચાઈ વર્તુળના ફલડ સેલના સૂત્રોના જણાવ્યા મુજબ મોરબી જિલ્લાના બ્રાહ્મણી–૨ ડેમમાં ૦.૩૩ ફટ અને સુરેન્દ્રનગર જિલ્લાના ફલકુ ડેમમાં ૦.૩૩ ફટ નવું પાણી આવ્યું છે, અન્યત્ર કયાંક આવક નથી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS