રાજ્યમાં વ્યાજખોરોના ત્રાસથી સૌથી વધુ આપઘાત રાજકોટમાં.. અમદાવાદ બીજા અને સુરત ત્રીજા નંબરે

  • March 12, 2021 01:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પાંચ વર્ષમાં 178 લોકોની આત્મહત્યા: અમદાવાદ બીજા અને સુરત ત્રીજા નંબરે


રાજ્યમાં વ્યાજખોરોનો ત્રાસ વધી ગયો છે. જરૂરિયાતવાળા લોકો અને વેપારીઓ ઊંચા વ્યાજે ખાનગી કંપનીઓ અને નાણા ધીરનાર કરતી વ્યક્તિઓ પાસેથી જ જરૂરિયાતની રકમ મેળવે તો છે, પણ બાદમાં ઊંચા ચક્રવૃદ્ધિ વ્યાજની ચુંગાલમાં લોકો ફસાઈ જાય છે અને આ કળણમાંથી બહાર નીકળવાને અસમર્થ લોકો આપઘાત કરવા મજબૂર થાય છે, જેમાં મોટાભાગના લોકો જાન ખોઈ બેસે છે, તો આપઘાતના પ્રયાસમાં જૂજ બચી પણ જાય છે.

 

વિધાનસભામાં વિગતો જાહેર થઈ છે કે, તા 1-10-15થી તા. 30-9-20 સુધીના સમયગાળાના પાંચ વર્ષમાં રાજ્યમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળી જઈને 178 લોકોએ આપઘાત કર્યો છે અને 30 લોકોએ આપઘાતનો પ્રયાસ કરતાં તેમને બચાવી લેવાયાં છે.

 


વ્યાજખોરોનું સૌથી વધુ દૂષણ મુખ્યમંત્રી રૂપાણીના હોમટાઉન એવા રાજકોટ શહેરમાં ફૂલ્યુંફાલ્યું છે, જ્યાં ઉક્ત ગાળાના પાંચ વર્ષમાં કુલ 30 લોકોએ વ્યાજખોરોના ત્રાસથી કંટાળી જઈ જિંદગીનો અંત આણવાનું પસંદ કર્યું હતું. રાજ્યના સૌથી મોટા અમદાવાદ શહેરમાં આ પાંચ વર્ષમાં 17 લોકોએ આપઘાત કર્યો હતો. સુરતમાં આ દૂષણ પ્રમાણમાં ઓછું છે, જ્યાં 8 લોકોએ પાંચ વર્ષમાં મોત વહાલું કર્યું હતું. રાજ્યમાં આ દૂષણ છેલ્લા ત્રણ વર્ષમાં તો માઝા મૂકી રહ્યું છે, ઉક્ત ગાળાના છેલ્લા માત્ર 3 વર્ષમાં જ 125 લોકોએ આપઘાત કર્યો છે.

 


રાજ્ય સરકાર એવું કહે છે કે, રંજાડ કરનારા કુલ 731 વ્યાજખોરોની પોલીસ દ્વારા ઉક્ત પાંચ વર્ષના ગાળા દરમિયાન ધરપકડ કરાઈ હતી, જ્યારે 40 આરોપીઓ હજીયે પકડવાના બાકી છે. રાજકોટ શહેરમાં 2, ગાંધીનગર જિલ્લામાં 7, સાબરકાંઠા જિલ્લામાં 6, અમદાવાદ અને સુરત શહેરમાં એક-એક હજીયે નાસતા ફરે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS