ન્યારી–૧ ડેમ પાસે બનશે રાજકોટનો સર્વપ્રથમ મ્યુનિસિપલ પાર્ટી પ્લોટ

  • June 30, 2021 05:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાપાલિકામાં ૧૫ વર્ષથી ચર્ચાતો પાર્ટી પ્લોટનો પ્રોજેકટ હવે દરખાસ્તના તબકકે પહોંચ્યો છે. કાલાવડ રોડને લાગુ ન્યારી–૧ ડેમ રોડ–વાગુદળ રોડ પર તાજેતરમાં નિર્માણ કરાયેલા ૪૯૦૦૦ ચો.મી.ના વિશાળ ગાર્ડન અંતર્ગત ૪૦૦૦ ચો.મી.નો શહેરનો સર્વપ્રથમ મ્યુનિસિપલ પાર્ટી પ્લોટ બનાવવા મ્યુનિ.કમિશનર દ્રારા સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ દરખાસ્ત કરવામાં આવી છે. રાજકોટ શહેરમાં મહાપાલિકા દ્રારા અનેક કોમ્યુનિટી હોલ બનાવવામાં આવ્યા છે યાં આગળ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો પોતાના પ્રસંગો ખુબજ સસ્તા ભાડાથી હોલ મેળવીને ઉજવી શકે છે. છેલ્લા ઘણા સમયથી એવી લોકમાગણી હતી કે, શહેરમાં મહાપાલિકા દ્રારા સસ્તા ભાડાથી આપી શકાય તેવો પાર્ટી પ્લોટ બનાવવામાં આવે. ૧૫ વર્ષથી આ મુદ્દો ચર્ચામાં હતો પરંતુ લોકેશન ફાઈનલ થતા ન હતા. ત્રણેય ઝોનમાં કુલ ત્રણ પાર્ટી પ્લોટ બનાવવાની બજેટ જોગવાઈ કરવામાં આવી છે જેમાં સૌપ્રથમ વેસ્ટ ઝોનમાં ન્યારી–૧ ડેમ નજીક શહેરનો સર્વપ્રથમ મ્યુનિસિપલ પાર્ટી પ્લોટ બનાવવા દરખાસ્ત કરાઈ છે જેને આવતીકાલે મંજૂરીની મહોર લાગશે.

 

 

વિશેષમાં આ અંગેની દરખાસ્તમાં જણાવ્યા મુજબ ન્યારી–૧ ડેમ રોડથી વાગુદળ જતા રસ્તે બનાવાયેલા ૪૯૦૦૦ ચો.મી.ના વિશાળ બગીચા અંતર્ગત ફડકોર્ટ બનાવવામાં આવશે તેમજ હયાત લોન પ્લોટની બાજુમાં ૪૦૦૦ ચો.મી.નો આધુનિક અને સુવિધાયુકત પાર્ટી પ્લોટ બનાવવામાં આવશે. આ માટે નિર્માણ સહિત ૧૦ વર્ષનું સંચાલન સોંપવા માટે ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હતી જેમાં કુલ ત્રણ ટેન્ડર આવ્યા હતા (૧) જીત આહત્પજા (૫ ટકા ઓન સાથેની ઓફર) (૨) સોમનાથ એન્ટરપ્રાઈઝ (૧૦ ટકા ઓન સાથેની ઓફર) અને (૩) રંગોલી પાર્કસ રેસ્ટોરન્ટ (૧૦ ટકા ઓન સાથેની ઓફર). આ ત્રણેય એજન્સીઓમાં સોમનાથ એન્ટરપ્રાઈઝનું ટેન્ડર કવોલિફાઈ થતા તેને કામ આપવા અભિપ્રાય વ્યકત કરાયો છે. ફડકોર્ટ અને પાર્ટીપ્લોટનું નિર્માણ કરવા ઉપરાંત ત્યારબાદ ૧૦ વર્ષ સુધી તેનું સંચાલન એજન્સીએ કરવાનું રહેશે. ઉત્તરોત્તર પ્રતિવર્ષ ૧૦ ટકાના વધારા સાથે કોન્ટ્રાકટ આપ્યાથી ૧૦ વર્ષમાં એજન્સી મહાપાલિકાને કુલ રૂા.૪૦,૦૦,૨૯૩ની રકમ ચૂકવશે. આવતીકાલે મળનારી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આ અંગેનો નિર્ણય લેવામાં આવશે.

 


વિશેષમાં આ અંગે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કર પટેલે જણાવ્યું હતું કે, આવતીકાલે સ્ટેન્ડિંગ કમિટીમાં નિર્ણય થયા બાદ શહેરનો સર્વપ્રથમ પાર્ટી પ્લોટ નિર્માણ કરવાની દિશામાં કાર્યવાહી શરૂ થઈ જશે. નિર્માણકાર્ય સંપૂર્ણપણે એજન્સીના ખર્ચે થશે. ફટકોર્ટ અને પાર્ટી પ્લોટના નિર્માણ અને મેન્ટેનન્સનો તમામ ખર્ચ એજન્સીએ ભોગવવાનો રહે તે રીતે કાર્યવાહી કરાશે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS