ગાંધીજીને વિદ્યાર્થી જીવનથી જ નૈતિકતાનું બળ પૂરું પાડવામાં રાજકોટનું યોગદાન અમૂલ્ય

  • March 12, 2021 05:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

‘સેલિબ્રેટિંગ ઇન્ડિયા 75 આઝાદીકા અમૃત મહોત્સવ’ કાર્યક્રમની રાજ્યવ્યાપી શૃંખલા અન્વયે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ રાજકોટ સ્થિત મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખાતે 91 વર્ષ બાદ જીવંત થઈ ઉઠેલી દાંડીયાત્રાના સાક્ષી બન્યા હતા.

 

 

આ પ્રસંગે ઉપસ્થિત નાગરિકોને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું હતું કે રાષ્ટ્રપિતા ગાંધીજીને વિદ્યાર્થી જીવનથી જ નૈતિકતાનું બળ પુરૂ પાડવામાં રાજકોટનું યોગદાન અમૂલ્ય છે. પોતાના જીવન ઘડતરના મહામૂલા 15 વર્ષો રાજકોટ ખાતે વિતાવનાર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની રાજકોટ ખાતેની યાદોને પણ નીતિનભાઈએ તાજી કરી હતી.દેશની નવી પેઢીને ભારતના ભવ્ય ઐતિહાસિક વારસાથી અવગત કરાવવાની આપણી નૈતિક જવાબદારીનું શ્રી નીતિનભાઇ પટેલે સ્મરણ કરાવ્યું હતું. અને ગાંધીજીના હસ્તે મળેલી અમૂલ્ય આઝાદી દ્વારા આત્મનિર્ભરતા-સ્વરોજગારી-સ્વદેશીનો વ્યાપ વિસ્તારવા આહ્વાન કર્યું હતું.

 


નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે સ્વાતંત્ર્ય સેનાનીઓ અને દેશના નાગરિકોના બલિદાનો થકી મળેલી મહામૂલી આઝાદીને આત્મસાત કરવા માટે વડાપ્રધાન મોદીએ અમલી બનાવેલા વિવિધ રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમોની રૂપરેખા આપી હતી. આઝાદી પછી ભારત દેશે કરેલા વિકાસ અને પ્રગતિની સિલસિલાબંધ વિગતો પણ નાયબ મુખ્યમંત્રીએ તેમના પ્રવચનમાં વણી લીધી હતી.

 


આઝાદીનું મૂલ્ય જાણવાથી નવી પેઢી આઝાદી પ્રત્યે સભાન બને છે. હજારો વર્ષ પુરાણી ભારતીય સંસ્કૃતિને જીવંત રાખવા માટે રાષ્ટ્રવ્યાપી ઉજવણી અનિવાર્ય છે, એમ જણાવતાં નાયબ મુખ્ય મંત્રીએ સંસ્કૃતિની જાળવણી માટે પ્રેરણાદાયી વાંચન કરવા યુવાનોને શીખ આપી હતી.

 


રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની આગેવાનીમાં જીવનજરૂરી ચીજ એવા મીઠા પર અંગ્રેજ શાસકો દ્વારા લગાવાયેલા કરનો વિરોધ કરવા 12 માર્ચ 1930ના રોજ સાબરમતી આશ્રમ થી શરૂ થયેલી દાંડીકૂચને રાજકોટ ખાતે આબેહુબ રીતે જીવંત કરવામાં આવી હતી. અને ઉપસ્થિત દેશપ્રેમી નાગરિકો ગાંધીજીના સત્યાગ્રહની યાદોમાં ભાવવાહી રીતે સામેલ થયા હતા.

 


નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે મહાત્મા ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી  આદરાંજલિ આપી હતી.રાજકોટ મહાનગરપાલિકા તથા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે રાજકોટ સ્થિત મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખાતે યોજાયેલ આ કાર્યક્રમનો શુભારંભ ધોળકિયા સ્કૂલની છાત્રાઓના સ્વાગત ગીતથી થયો હતો. બે મિનિટનું મૌન પાળીને ઉપસ્થિતોએ સ્વાતંત્ર્ય સેનાનીઓને અંજલિ આપી હતી, ન્યુ એરા સ્કૂલના વિદ્યાર્થીઓએ ભજન રજૂ કર્યું હતું. કોટક સાયન્સ કોલેજના છાત્રોએ  પ્રતિકાત્મક રજૂઆત દ્વારા દાંડીકૂચને પુનજીર્વિત કરી હતી. ગાંધીજીના જીવન-પ્રસંગોને તાદ્રશ્ય કરતો એક રાષ્ટ્રભક્તિ સભર ગરબો આ પ્રસંગે રજુ કરાયો હતો.

 

જાણીતા વક્તાઓ શૈલેશ સગપરીયા અને જ્વલંત છાયાએ વર્તમાન પરિપ્રેક્ષ્યમાં આઝાદીની વિભાવના સાકાર કરી હતી. રાજકોટના સ્વતંત્ર્ય સેનાની મનુભાઈ વિઠલાણીનું નીતિનભાઈએ શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. જિલ્લા કલેકટર રેમ્યા મોહને સ્વાગત પ્રવચનમાં કાર્યક્રમની ટૂંકી રૂપરેખા આપી હતી. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈનું પુષ્પહાર તથા રેટિયોની પ્રતિકૃતિ આપી બહુમાન કરાયું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં અમદાવાદના સાબરમતી આશ્રમ ખાતે આયોજિત કાર્યક્રમનું જીવંત પ્રસારણ ઉપસ્થિત મહાનુભાવોએ નિહાળ્યુ  હતું.

 


આ કાર્યક્રમમાં ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, રાજકોટ મહાનગરપાલિકાના નવનિયુક્ત કોર્પોરેટરો, મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ, પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, ડી.આઇ.જી. સંદીપસિંહ, પોલીસ અધિક્ષક બલરામ મીના, નાયબ મ્યુનિસિપલ કમિશનર ચેતન નંદાણી તથા પી.જી પ્રજાપતિ, આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશ્નર હર્ષદ પટેલ, અગ્રણી અંજલીબેન રૂપાણી, નીતિનભાઈ ભારદ્વાજ અને કમલેશ મિરાણી, રાજુભાઈ ઘ્રૃવ તેમજ મહાનગરપાલિકાના અધિકારીઓ શાળા-કોલેજના વિદ્યાર્થીઓ તથા રાષ્ટ્રપ્રેમી નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS