રાજકોટ: 8 વર્ષના બાળકને વેલણથી બેફામ માર્યો, માથું દીવાલમાં ભટકાવ્યું... દીકરાને મોતને ઘાટ ઉતારનાર પિતાને હવે અફસોસનો પાર નથી..

  • July 16, 2021 12:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં આઠ વર્ષના નેપાળી બાળકને તેના પિતાએ વેલણ વડે બેફામ મારમારી તેમજ દિવાલ સાથે તેનું માથું ભટકાડી તેની હત્યા કરી નાખી હતી. આ ચકચારી બનાવમાં બાળકની સાવકી માતાની ફરિયાદ પરથી તાલુકા પોલીસે ગુનો નોંધી હત્યારા પિતાની ધરપકડ કરી છે.માસૂમ પુત્રની હત્યા કરનાર પિતાને હવે અફ્સોસનો પાર નથી પોલીસ સમક્ષ તેણે એવું રટણ કર્યું હતું કે મને ગુસ્સો આવ્યો હતો પરંતુ મારો ઈરાદો પુત્રને મારી નાખવાનો હતો.

 

આ અરેરાટીભર્યા બનાવની જાણવા મળતી વિગતો મુજબ, શહેરનાં ૮૦ ફુટ રોડ પર સર્વોદય સ્કુલ નજીક આવેલા પ્રમુખ એકઝોટીકા બિલ્ડીંગમાં રહેતા નેપાળી ચોકીદાર સિધ્ધરાજ દિર્ધરાજ ભુલ (ઉ.વ.૩૦) એ બુધવારે સાંજે પોતાના ૮ વર્ષના પુત્ર સૌરભને વેલણના આડેધડ ઘા ઝીંકયા બાદ દિવાલ સાથે માથું ભટકાડી મોતને ઘાટ ઉતારી દેતા અરેરાટી વ્યાપી ગઈ હતી. માસુમ સૌરભે જમવાનો ઈન્કાર કર્યો હતો. જેને કારણે આવેશમાં આવી જઈ પિતાએ તેની હત્યા કરી નાખી હતી. 

 

પોલીસ તપાસમાં એવી વિગત સામે આવી હતી કે,ત્રણેક માસ પહેલા જ સિધ્ધરાજ પત્ની બનીતા અને પુત્ર સૌરભ સાથે નેપાળથી રાજકોટ આવ્યો હતો. જયાં હત્યા થઈ તે એપાર્ટમેન્ટના પાર્કિંગમા રહેતો હતો. જયાં ચોકીદારી કરવાની સાથે સ્થાનિક રહીશોની કાર પણ સાફ કરી આપી ગુજરાન ચલાવતો હતો. ગઈકાલે સાંજે તે બહારથી ઘરે આવ્યો ત્યારે પત્ની અને પુત્ર એપાર્ટમેન્ટના પાર્કિંગમાં બેઠા હતા. બંનેને ત્યા જોઈ ગુસ્સો આવતા તેણે પુત્રને તમાચા ઝીંકી દીધા હતા. ત્યારબાદ તે ઓરડીમાં જમવા બેસી ગયો હતો. આ વખતે પુત્રને જમવા બોલાવતા તેણે ના પાડી હતી. જેથી સિધ્ધરાજ ફરીથી રાષે ભરાયો હતો અને તેણે વેલણ ઉપાડી તેના આડેધડ ઘા પુત્રને ઝીંકી દીધા હતા. એટલુ જ નહીં તેનું માથું પણ દિવાલ સાથે અથડાવ્યું હતું. આ પછી તે જમીને ઉઠી સુવા જતો રહ્યો હતો. જયારે તેનો માસુમ પુત્ર પણ રીસાઈને જમ્યા વગર જ સુઈ ગયો હતો. મધરાત્રે તેની તબિયત બગડ્યા બાદ તેનું મોત થયું હતું.

 

પોસ્ટમોર્ટમ રીપોર્ટમાં બ્રેઈન હેમરેજથી મોત થયાનો તબિબોએ અભિપ્રાય આવ્યો છે. પ્રાથમિક પુછપરછમાં આરોપી સિધ્ધરાજે પોલીસને જણાવ્યું કે તેનો પુત્ર ખુબ જ તોફાની જીદ્દી સ્વભાવનો હતો. તેનુ કહ્યું પણ માનતો નહીં. ગઈકાલે પણ જીદ પકડી જમવાનો ઈન્કાર કરતા તેને ગુસ્સો ચડયો હતો અને આ કૃત્ય કર્યું હતું.જોકે હવે તેને અફસોસનો પાર નથી અને પોલીસ સમક્ષ એવું રટણ કરી રહ્યો છે કે મને ગુસ્સો આવ્યો હતો પણ મારો ઈરાદો પુત્રને મારી નાખવાનો ન હતો.

 

આ અંગે પોલીસે સિધ્ધરાજની પત્ની બનીતાની ફરિયાદ પરથી આરોપી સામે આઈપીસીની કલમ 302, 323 જીપીએક્ટ 135 મુજબ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. અને બપોર બાદ તેને કોર્ટ હવાલે કરવામાં આવશે. બનાવની વધુ તપાસ તાલુકા પોલીસ મથકના પી.આઇ જે.વી ઘોળા ચલાવી રહ્યા છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS