વિઝાના નામે છેતરપિંડી આચરનારાઓ પર તવાઇ, રાજ્યભરમાં 20થી વધુ સ્થળોએ કન્સલ્ટન્સી ઓફિસમાં દરોડા

  • December 16, 2023 03:31 PM 


કબૂતરબાજોમાં ફફડાટ, અધિકારીઓ ઉપરાંત ૫૦થી વધુ પોલીસ કર્મચારીઓ અને કોમ્પ્યુટર એક્સપર્ટસ તપાસમાં કરાયા શામેલ  



ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી વિદેશ જવા માટે વિઝા અને વિદેશમાં નોકરીની લાલચ આપી લોકો સાથે ઠગાઈ આચરવાના બનાવો સતત વધી રહ્યા છે અને વિદેશ જવાની ઘેલછાએ લેભાગુ તત્વો આ બાબતનો ફાયદો ઉઠાવી નકલી ડોક્યુમેન્ટ તેમજ વિઝાના આધારે અનેક લોકોને ગેરકાયદે રીતે વિદેશ મોકલી રહ્યા છે. ત્યારે હવે લોકોના ખોટા ડોક્યુમેન્ટ બનાવીને વિઝા આપવાની લાલચ આપતું આખું રેકેટ સીઆઇડી ક્રાઈમની નજરે ચડ્યું છે.


સીઆઇડી ક્રાઈમની ૧૭ જેટલી ટીમોએ એકસાથે અમદાવાદ, ગાંધીનગર અને વડોદરા સહિતના શહેરોમાં આવેલી વિઝા કન્સલ્ટન્સીની ઓફિસોમાં દરોડા પાડીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, તપાસ દરમિયાન શંકાસ્પદ ડોક્યુમેન્ટ મળી આવ્યા છે, તેનું વેરિફિકેશન કરવામાં આવી રહ્યું છે. ડોક્યુમેન્ટ વેરિફિકેશન બાદ ખોટા ડોક્યુમેન્ટ મળી આવનાર વિઝા કન્સલ્ટન્સી સામે ગુનો નોંધવામાં આવશે.


સીઆઇડી ક્રાઈમના એડિશનલ ડીજીપી દ્વારા બનાવવામાં આવેલી ટીમોમાં ૫૦થી વધુ પોલીસ કર્મચારીઓ પણ છે, તો કોમ્પ્યુટરના નિષ્ણાંતોનો પણ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ ટીમો દ્વારા વડોદરાના માઈગ્રેશન ઓવરસીસ સેન્ટરમાં દરોડા પાડવામાં આવ્યા છે. વડોદરાની સાથે-સાથે અમદાવાદ અને ગાંધીનગર ખાતેની ઈમિગ્રેશનનું કામ કરતી સંસ્થાઓમાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે.સીઆઇડી ક્રાઈમ દ્વારા એકસાથે અનેક ઠેકાણાઓ પર દરોડા પાડવામાં આવતા કબૂતરબાજોમાં ફફડાટ ફેલાયો છે.



તપાસમાં મળી ગુજરાત બહારની યુનિવર્સિટીઓની શંકાસ્પદ માર્કશીટ

સીઆઇડી ક્રાઇમની ટીમે વડોદરાના ગોરવા રોડ પર આવેલા સ્મિત કોમ્પ્લેક્સમાં સ્ટુડન્ટ વિઝા, વર્ક પરમિટ તેમજ ટૂરિસ્ટ વિઝાનું કામ કરતા માઇગ્રેશન ઓવરસીસ સેન્ટરમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું. ગત સાંજે શરૂ કરાયેલું સર્ચ ઓપરેશન મોડી રાત સુધી ચાલું રહ્યું. સીઆઇડી ક્રાઇમ સાથે વડોદરા ગ્રામ્ય તેમજ પંચમહાલ અને ભરૂચની પોલીસ ટીમો પણ જોડાઇ હતી. અંદાજે ૧૨ કલાક સુધી પોલીસે માઇગ્રેશન ઓવરસીઝ સેન્ટરમાં તપાસ હાથ ધરી. આ દરમિયાન પોલીસને ગુજરાત બહારની યુનિવર્સિટીઓની કેટલીક શંકાસ્પદ માર્કશીટ મળી આવી છે. સીઆઇડી ક્રાઇમ દ્વારા આ શંકાસ્પદ માર્કશીટ ઉપરાંત કમ્પ્યુટર નેટવર્કનું મુખ્ય સર્વર, લેપટેલ અને મોબાઇલ સહિત અનેક મહત્વના દસ્તાવેજો કબ્જે કરવામાં આવ્યા. તપાસ ટીમે વિઝા ઓફિસના સંચાલક સ્મિત શાહનું લેપટોપ તેમજ મોબાઇલ પણ કબ્જે કર્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application