કાલ સુધીમાં 23 વધુ જવાનોનું પોસ્ટિંગ નહીં થાય તો નવી ફ્લાઇટની સુરક્ષા રામભરોસે

  • March 10, 2021 05:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આવતીકાલ સુધીમાં 23 સુરક્ષા જવાનોની પોસ્ટિંગ નહીં થાય તો રાજકોટ એરપોર્ટ પર આવનારી નવી ફ્લાઇટ ની સુરક્ષા રામ ભરોસે રહેશે. રાજકોટ એરપોર્ટની સુરક્ષા માટે 121 જવાનો કાર્યરત છે જ્યારે હવે નવી ફ્લાઇટ શરૂ થવા જઈ રહી છે ત્યારે જવાનોની હજુ સુધી નિમણૂક ન થઇ હોવાથી સુરક્ષા એજન્સીઓએ નવી ફ્લાઇટ માટેની સુરક્ષા વ્યવસ્થા સંભાળવા સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે અને આ મુદ્દે એરપોર્ટ ઓથોરિટીને લેખિત રજૂઆત કરતા ઓથોરિટીએ હેડક્વાર્ટરમાં કરી છે. સુત્રોમાંથી મળતી વિગત મુજબ એરપોર્ટ ઓથોરિટીએ ઈમેલ કરી અને સ્પષ્ટ જણાવી દીધું છે કે આવતીકાલ સુધીમાં સુરક્ષા જવાનોની નિમણૂક નહીં થાય તો 12 માર્ચ થી શરૂ થવા જઇ રહેલી મુંબઇ માટેની ફ્લાઇટ કેન્સલ કરી દેવામાં આવશે.

 

 

હાલમાં સુરક્ષા એજન્સીઓ નો સ્ટાફ રાજકોટ થી ચાર જેટલી ફ્લાઇટ માટે જ તૈનાત થયેલો છે. આ મહિનાથી રાજકોટ એરપોર્ટ થી અનેક ફ્લાઇટ ઉડાન ભરવા જઇ રહી છે ખાસ કરીને 12 માર્ચથી સ્પાઈસજેટની વધુ એક મુંબઈ માટેની ફ્લાઇટ શરૂ થશે અને 28 માર્ચ થી એર ઇન્ડિયાની અને ઇન્ડિગો ની 4 ફ્લાઇટ શરૂ થવાની છે, તો બીજી તરફ સુરક્ષા વ્યવસ્થા સંભાળતી સુરક્ષા એજન્સીઓને ઓછો સ્ટાફ હોવાથી તેઓ ડબલ શિફ્ટમાં કામ કરી શકે તેમ નથી આથી એજન્સીઓએ એરપોર્ટ તંત્રને સ્પષ્ટ અલ્ટીમેટમ આપી દીધું છે કે, જો વધુ 23 જવાનોને નિમણૂક નહીં કરાય તો વધારાની એક પણ ફ્લાઇટ તેઓ હેન્ડલ નહીં કરી શકે.

 


આ પરિસ્થિતિમાં એરપોર્ટ ઓથોરિટીએ તાબડતોબ ઉચ્ચ ઓથોરિટી સુધી વાત પહોંચાડી છે. સૂત્રોમાંથી જાણવા મળ્યા અનુસાર આવતીકાલ સુધીમાં હેડ ક્વાર્ટર તરફથી કોઇ પ્રતિસાદ નહીં મળે તો 12 તારીખથી શરૂ થવાની મુંબઈ માટેની ફ્લાઇટનું બુકિંગ રદ કરવામાં આવશે.

 


અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ એરપોર્ટ પર થી અત્યાર સુધીમાં ત્રણ જેટલી ફ્લાઇટ નિયમિત રીતે ઉડાન ભરી રહી હતી પરંતુ ઘણા વર્ષો પછી રાજકોટ એરપોર્ટ પરથી 28 માર્ચ થી બાર ફલાઇટ ની આવન જાવન થશે. એરલાઇન્સ કંપ્નીઓ દ્વારા બુકિંગ પણ શરૃ કરી દેવામાં આવ્યું છે તેવા સમયે સુરક્ષા વ્યવસ્થાને લઈને અનેક સવાલો ઊભા થયા હોવાથી એરપોર્ટ ઓથોરિટીમાં દોડધામ મચી ગઇ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS