ખંભાળીયાના પ્રોહીબીશન કેસમાં નાસતો ફરતો આરોપી ઝબ્બે
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયા પોલીસ સ્ટેશનના પ્રોહીબીશન એક્ટ હેઠળના ગુન્હામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડવામાં સ્પેશ્યલ ઓપરેશન ગૃપ દેવભૂમિ દ્વારકાની ટીમને મોટી સફળતા મળી છે.
રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લીપ્ત રાય તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળા દ્વારા પ્રોહીબીશન અને અન્ય ગુન્હાઓમાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે એસ.ઓ.જી. પોલીસ ઇન્સપેક્ટર વી.એ. રાણા, પોલીસ સબ ઇન્સપેક્ટર વી.એન. શિંગરખીયા અને ડી.એ. વાળા નાઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.
આ સૂચનાના આધારે એસ.ઓ.જી. સ્ટાફના એ.એસ.આઇ. વિરેન્દ્રસિંહ મનુભા જાડેજા અને પોલીસ હેડ કોન્સ. વિજયસિંહ ઘેલુભા જાડેજાએ હ્યુમન ઇન્ટેલીજન્સ તથા ટેકનીકલ સર્વેલન્સની મદદથી બાતમી મેળવી હતી કે, ખંભાળીયા પોલીસે પ્રોહિબીશન એકટમુજબના ગુન્હાનો આરોપી કુલદિપ ઉર્ફે ઘમભા ગોહીલ પોતાના વતન ખાતે હાજર છે. જે ગુન્હામાં ૧,૭૨,૬૦૦ની કિંમતનો ૧૩૧ નંગ ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂનો મુદ્દામાલ ઝડપાયો હતો.
બાતમી પાકી થતાં જ એસ.ઓ.જી. સ્ટાફની ટીમ જેમાં એ.એસ.આઇ. હરદેવસિંહ જાડેજા, હેડ કોન્સ. હરદિપસિંહ જાડેજા, પોલીસ કોન્સ. ક્રુષ્ણરાજસિંહ જાડેજા અને જગદિશભાઇ કરમુર સહિતના સ્ટાફે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના ચાણપા ગામે ઓપરેશન હાથ ધર્યું હતું. પોલીસે ચાણપા ગામે વાસુકી દાદાના મંદિરની પાછળ આવેલા રહેણાંક મકાને તપાસ કરીને આરોપી કુલદિપભાઈ ઉર્ફે ધમભા નારણભાઈ પોપટભાઈ ગોહીલ (ઉંમર વર્ષ ૨૮, ધંધો-ખેતી, રહે. ચાનપા ગામ, તા. ચોટીલા)ને ઝડપી પાડ્યો હતો.
પોલીસે આરોપીની ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા ૨૦૨૩ની કલમ ૩૫(૧)(જે) મુજબ અટકાયત કરી છે અને આગળની કાયદેસરની તપાસ કાર્યવાહી માટે તેને ખંભાળીયા પોલીસ સ્ટેશનને સોંપી આપવાની તજવીજ હાથ ધરી છે.