BREAKING NEWS

જામનગરના બ્રાસઉધોગમાં ઉત્પાદન ખર્ચ ૨૦ ટકા વઘ્યો, નવા ઓર્ડર બંધ..!

  • May 18, 2026 04:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગરના બ્રાસઉધોગમાં ઉત્પાદન ખર્ચ ૨૦ ટકા વઘ્યો, નવા ઓર્ડર બંધ..!


ચિંતા અને મૂંઝવણ: રો-મટીરયલ, પેટ્રોલ-ડીઝલ, ગેસના ભાવમાં કમરતોડ વધારાથી બ્રાસઉધોગમાં મંદીના માહોલથી અસતિત્વ ટકાવવું સૌથી મોટો પડકાર


ઉધોગકારો આર્થિક ભીંસમાં: કારીગરો પર બેરોજગારીનું ઝંળુબતું જોખમ: જૂના ભાવના ઓર્ડર પૂરા કરાવા લોઢાના ચણા સમાન: અનેક ઓર્ડર કેન્સલ થવાની ભીતિ


જામનગરની ધોરીનસ અને ઓળખ સમાન બ્રાસઉધોગ પર ભારે સંકટના વાદળો છવાયા છે. કારણ કે, રો-મટીરીયલ, પેટ્રોલ-ડીઝલ, ગેસના ભાવમાં કમરતોડ ભાવ વધારાથી બ્રાસઉધોગમાં ઉત્પાદન ખર્ચ ૨૦ ટકા જેટલો વધતા નવા ઓર્ડર પર બ્રેક લાગી છે એટલે કે મળવાના બંધ થયા છે. આથી બ્રાસઉધોગમાં મંદીના માહોલથી અસતિત્વ ટકાવવું સૌથી મોટો પડકાર બન્યો છે. ઉધોગકારો આર્થિક ભીંસનો સામનો કરી રહ્યા છે તો કારીગરો પર બેરોજગારીનું જોખમ ઝંળુબી રહ્યું છે. જૂના ભાવના ઓર્ડર પૂરા કરવા ઉધોગકારો માટે લોઢના ચણા સમાન બન્યા હોય અનેક ઓર્ડર કેન્સલ થવાની ભીતિ નકારી શકાતી નથી.


ઇરાન અને અમેરિકા-ઇઝરાયેલ વચ્ચે યુઘ્ધના કારણે દોઢેક મહીનાથી જામનગરનો ખૂબજ મહત્વનો વૈશ્ર્વીક ઓળખ ધરાવતો બ્રાસઉધોગ પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે. કારણ કે, યુઘ્ધના કારણે હોર્મુઝની ખાડી બંધ થતાં બ્રાસઉધોગ માટે જ‚રી કાચામાલની આયાત બંધ થઇ હતી. જો કે, અન્ય રૂટ પરથી કાચો માલ આવતો હતો પરંતુ તેનો આયાત ખર્ચ વઘ્યો છે. હજુ પણ હોર્મુઝની ખાડી અંગે અમેરિકા અને ઇરાન વચ્ચે સ્પષ્ટ સમજૂતી થઇ ન હોય તણાવ ભરેલી સ્થિતિ પ્રર્વતી રહી છે. બ્રાસઉધોગની સ્થિતિ અંગે જામનગર ફેકટરી ઓનર્સ એસોસીએશનના પ્રમુખ રામજીભાઇ ગઢીયાએ જણાવ્યું હતું કે, વૈશ્ર્વીક સ્થિતિ ડામાડોળ છે ત્યારે બ્રાસઉધોગ માટે જરૂરી રો-મટીરીયલ એટલે કે કાચામાલના એક કીલોના ભાવ વધીને રૂ.૮૫૦એ પહોંચતા ઉધોગકારોની કમર ભાંગી ગઇ છે. આટલું ઓછું હોય તેમ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારાથી ટ્રાન્સપોર્ટેશન મોંઘુ બન્યું છે. બીજી બાજુ ગેસના ભાવમાં વધારાથી મુશ્કેલી બેવડાઇ છે. રો-મટીરીયલ, પેટ્રોલ-ડીઝલ અને ગેસના ભાવ વધતા બ્રાસઉધોગમાં ઉત્પાદન ખર્ચ ૨૦ ટકા વધતા ઉધોગકારોમાં દેકારો બોલી ગયો છે. આટલું જ નહીં ઉત્પાદન ખર્ચ વધતા નવા ઓર્ડર ઉધોગકારોને મળવાના બંધ થયા હોય બ્રાસઉધોગમાં હાલ મંદીનો માહોલ પ્રર્વતી રહ્યો છે. 


ઇરાન અને અમેરિકા-ઇઝરાયેલ વચ્ચે યુઘ્ધના કારણે બ્રાસઉધોગને કમરતોડ ફટકો પડયો છે. આ સ્થિતિમાં પેટ્રોલ-ડીઝલ, ગેસ અને રો-મટીરીયલના ભાવ વધતા બ્રાસઉધોગનું અસતિત્વ ટકાવવું એ આજે સૌથી મોટોે પડકાર બન્યો છે. બ્રાસઉધોગમાં ઉત્પાદન ખર્ચ ખૂબજ ટૂંકાગાળામાં ૨૦ ટકા જેટલો વધી જતાં અને નવા ઓર્ડર પર બ્રેક લાગતા અને જૂના ઓર્ડર પૂરા કરવા લોઢાના ચણા બનતા ઉધોગકારો ભારે આર્થિક ભીંસનો સામનો કરી રહ્યા છે. આટલું જ નહીં જામનગરમાં ૭૦૦૦ જેટલા બ્રાસએકમો કાર્યરત હોય મંદીના માહોલથી કારીગરોની રોજગારી પણ જોખમ ઝંળુબી રહ્યું છે. આથી જો વૈશ્ર્વીક ડામાડોળ સ્થિતિ ઝડપથી નહીં સુધરે તો બ્રાસએકમોને શટડાઉન કરવા પડે તેવી ભીતિ પણ સેવાઇ રહી છે. 


૬ મહીનામાં કાચામાલના ભાવમાં કીલોએ રૂ​​​​​​​.૩૦૦નો વધારો, ઉધોગકારોની મુશ્કેલી બેવડાઇ:

જામનગરના બ્રાસઉધોગમાં કાચામાલમાંથી જુદા-જુદા પાર્ટસ બને છે. જેમાં અલગ-અલગ પ્રકારનો એટલે કે બ્રાન્ડનો કાચોમાલ આવે છે. જેમાં યુએસ હની કાચોમાલ ગુણવતાયુકત અને ઉતમ હોય છે. જેના ભાવમાં છેલ્લાં ૬ મહીનામાં કીલોએ રૂ.૬૦૦નો વધારો થયો છે. આથી ઉધોગકારોની મુશ્કેલી બેવડાઇ છે. કારણ કે ગત તા.૧-૧૦-૨૦૨૫ના કાચામાલનો એક કીલોનો  ભાવ રૂ.૫૦૦ હતો જે બે દીવસ પહેલા વધીને રૂ.૮૫૦એ પહોંચ્યો હતો. અત્રે નોંધનીય છે કે, કાચામાલના ભાવમાં દરરોજ ફેરફાર થાય છે. 


કોપર અને બ્રાસની કીંમતમાં સતત વધારાથી ઓર્ડર લેવામાં ઉધોગકારો અસમંજસમાં:

જામનગરમાં બ્રાસઉધોગમાં જ‚રી કોપર અને બ્રાસની કીંમતમાં સતત વધારાથી ઓર્ડર લેવામાં ઉધોગકારો ભારે મૂંઝવણ અનુભવી રહ્યા છે. આટલું જ નહીં નવા કોપર અને બ્રાસની કીંમતમાં ઉતરોતર વધારાથી નવા ઓર્ડર પહેલા ભાવની ચકાસણી,  લાંબા સમય સુધી એક જ ભાવ રાખવો શકય નથી, અગાઉના કોટેશનમાં આપેલા  બ્રાસપાર્ટસના ભાવના રેટ માન્ય રાખવામાં આવશે નહીં અને કોઇપણ ઓર્ડર ફાઇનલ કરતા પહેલા વર્તમાન ભાવની ચકાસણી કરી લેવામાં આવશે તેવી સૂચનાઓ ઘ્યાને લઇ ઓર્ડર લઇ રહ્યા છે. 


​​​​​​​




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application