રાજકોટના મેયર તરીકે પ્રદીપ ડવ અને જામનગરમાં બીના કોઠારી

  • March 12, 2021 12:09 PM 

અમદાવાદ, વડોદરા અને ભાવનગર પછી આજે રાજકોટ, જામનગર અને સુરતમાં નવા પદાધિકારીઓની વરણી કરવામાં આવી છે. મુખ્યમંત્રીના હોમટાઉન એવા રાજકોટમાં મેયર તરીકે પ્રદીપ ડવની પસંદગી કરવામાં આવી છે જયારે ડેપ્યુટી મેયર તરીકે ડો. દર્શિતા શાહ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પુષ્કર પટેલની વરણી કરવામાં આવી છે. આ જ રીતે જામનગરમાં મેયર તરીકે બીનાબેન કોઠારી અને ડેપ્યુટી મેયર તરીકે તપન પરમારની પસંદગી  કરવામાં આવી છે. જયારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે મનિશ કટારિયાની પસંદગી કરવામાં આવી છે. આ જ રીતે સુરતના મેયર તરીકે હિમાલી બોઘવાલા અને ડેપ્યુટી મેયર તરીકે દિનેશ જોધાણીની પસંદગી કરવામાં આવી છે.

 રાજકોટ મહાનગરપાલિકાના નવા મેયર તરીકેના નામની જાહેરાત રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીએ આજે સવારે મહાનગરપાલિકા ખાતે યોજાયેલી કોર્પેારેટરોની બેઠકમાં કરી છે અને તેમાં મહાનગરપાલિકાના ૨૧મા નવા મેયર તરીકે જાણીતા એડવોકેટ અને યુવા અગ્રણી પ્રદીપ ડવનું નામ જાહેર કરાતા તાળીઓના ગડગડાટથી તેને વધાવી લેવામાં આવી હતી.

 


મેયર તરીકે નવા ચહેરા પ્રદીપ ડવની જાહેરાત કરવામાં આવી છે તો ડેપ્યુટી મેયર તરીકે અનુભવી ડો.દર્શિતા શાહની અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પુષ્કર પટેલના નામની જાહેરાત કરવામાં આવી છે. મહાનગરપાલિકામાં ભારતીય જનતા પક્ષના નેતા તરીકે વિનુભાઈ ધવાને જવાબદારી સોંપવામાં આવી છે. યારે પક્ષના દંડક તરીકેની જવાબદારી સુરેન્દ્રસિંહ વાળાને આપવામાં આવી છે.

 


રાજકોટના નવા મેયર કોણ હશે ? તે સવાલ છેલ્લા કેટલાક સમયથી સ્થાનિક રાજકારણમાં પૂછાઈ રહ્યો હતો. અનેક નામોની ચર્ચા વચ્ચે આજે પ્રદીપ ડવના નામની જાહેરાત કરવામાં આવી છે અને તેને ભાજપના આગેવાનો, કાર્યકરો સહિતનાએ વધાવી લીધી છે.

 


જામનગર
બીનાબેન કોઠારી જામનગરના મેયર અર્થાત મેયરસ બન્યા છે, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન પદનો તાજ મનિષ કટારીયાને પહેરાવવામાં આવ્યો છે જયારે ડેપ્યુટી મેયર તરીકે તપન જશરાજ પરમારની વરણી થઇ છે, મેયરની રેસમાં રહેલા કુસુમબેન પંડયા શાસકપક્ષના નેતા બન્યા છે અને દંડક તરીકે કેતનભાઇ ગોસરાણી નિમાયા છે, આજે જામનગરના સંગઠનના પ્રભારી ધનસુખભાઇ ભંડેરીએ આ તમામ નામની જાહેરાત કરી હતી આજકાલ દ્રારા ગઇકાલે જ ત્રણ મુખ્ય હોદાના નામ આપી દેવામાં આવ્યા હતા અને વધુ એક વખત સમાચારોમાં આજકાલ અગ્રેસર રહયું છે.

 


મેયરપદના નામને લઇને પહેલેથી જ વોર્ડ ન ૫માંથી ચુંટાયેલા અને ગત વખતે મેયરપદની રેસમાંથી છેલ્લી ઘડીએ કપાઇ ગયેલા જાગૃત અને દોડતા નગરસેવીકા બીનાબેન કોઠારીનું નામ ટોપ પર ચાલતું હતું અને આખરે એમના પર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો છે, બીનાબેન પર અભિનંદનનો વરસાદ થયો છે.

 


અગાઉ જાહેર થયા મુજબ આજે સવારે સંગઠનના પ્રભારી ધનસુખભાઇ ભંડેરી મહાપાલીકાના પદાધિકારીઓના નામનું કવર લઇને શહેર ભાજપ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા અને આ પછી સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી, અહીંથી ભાજપનો રસાલો સીધો જ ટાઉનહોલ ખાતે મળેલી પ્રથમ જનરલ બોર્ડની બેઠકમાં પહોંચ્યો હતો અને ત્યાં હોદાની સત્તાવાર જાહેરાતની વિધી પૂર્ણ કરવામાં આવી હતી, ઉપરાંત સ્ટેન્ડીંગ કમિટીના ૧૨ સભ્યોની પણ નિમણુકં કરવામાં આવી હતી.

 


મેયરપદના નામને લઇને લગભગ પહેલેથી ચર્ચાતું નામ જ સત્તાવાર રીતે આવ્યું છે, જો કે ડેપ્યુટી મેયર, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન અને એ સિવાયના  હોદાઓને લઇને અસમંજસ હતી પરંતુ આજકાલ દ્રારા ગઇકાલે જ મોટાભાગનું પિકચર કલીયર કરી દેવામાં આવ્યું હતું અને મુખ્ય હોદા કોના ફાળે જઇ રહયા છે તેનો સંકેત આપી દેવામાં આવ્યો હતો.

 


મહાનગરપાલીકામાં ભારતીય જનતા પાર્ટીએ આ વખતે નીમેલા હોદેદારોમાં ક્ષત્રીય, પાટીદાર અને આહિર જ્ઞાતીની બાદબાકી કરી છે તેનું કારણ એ છે કે ભારતીય જનતા પાર્ટી આ ત્રણ જ્ઞાતીઓને અન્ય સ્વરૂપમાં પ્રતિનિધીત્વ આપી ચુકી હોવાથી કોર્પેારેશનના પદાધિકારીઓમાં બીજી જ્ઞાતીઓને તક આપવામાં આવી છે. આજે હોદાઓની સત્તાવાર જાહેરાત થયા બાદ મેયર, ડે.મેયર, સ્ટે. ચેરમેન સહિતના તમામ પદાધિકારીઓ પર અભિનંદનનો વરસાદ થયો છે.

 


સુરત
સુરતમાં આજે નવા મેયરની જાહેરાત કરવામાં આવી છે. સુરતના નવા મેયર મેયર હેમાલી બોઘાવાલાની વરણી કરવામાં આવી છે. યારે ડેપ્યુટી મેયર તરીકે દિનેશ જોધાણીની વરણી કરવામાં આવી છે. આ ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પરેશ પટેલની, યારે શાસક પક્ષના નેતા તરીકે અમિતસિંહ રાજપૂતની વરણી કરવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS