આજકાલ ઈમ્પેક્ટ: ચોકલેટ ગાંજા પર પોલીસના દરોડા, 5000થી વધુ પાઉચ જપ્ત

  • March 05, 2020 08:44 PM 18432 views

રાજકોટમાં ખુલ્લેઆમ કરિયાણાની દુકાનોમાં વેંચાતી ગાંજા અને ભાંગની ગોળીઓ અંગેના અહેવાલનું આજકાલ દ્વારા જનહીતમાં સ્ટીંગ ઓપરેશન કરવામાં આવ્યું હતું. આ અહેવાલ આજકાલમાં પ્રસિદ્ધ કરાયાની ગણતરીની જ કલાકોમાં રાજકોટ પોલીસ દોડતી થઈ અને અનેક જગ્યાઓએ દરોડા કરી અને 5000થી વધુ ગાંજાના પેકેટ જપ્ત કર્યા હતા. આજકાલમાં છપાયેલા અહેવાલ બાદ ક્રાઈમ બ્રાંચ, એસઓજી સહિતની ટીમો શહેરની અનેક જગ્યાઓએ ત્રાટકી હતી અને દરોડામાં નશીલા પદાર્થો મળી આવતાં તમામ મુદ્દામાલ જપ્ત કર્યો હતો. 

 

શું હતું આજકાલનું સ્ટિંગ ઓપરેશન ?

રાજકોટમાં ચોકલેટ જેવી ગાંજા-ભાંગની ગોળીઓ પાન અને કરિયાણાની દુકાને વેચાવા માંડી છે. નશીલા પદાર્થોના મિશ્રણવાળી આ ગોળીઓ ચોકલેટ જેવાં પાઉચ પેકિંગમાં આવે છે અને નજરે જોતા શંકા પણ ન જાય કે આ ગાંજા-ભાંગની ગોળી છે. રાજકોટના મોટાભાગના વિસ્તારોમાં અને મેટોડા જેવા આજુબાજુના વિસ્તારોમાં ધૂમ મચાવી રહેલી આ ગોળીઓ વિજયાવટી (ઈન્દોરી) ગોળી તરીકે ઓળખાય છે.

 

‘આજકાલ’ દ્વારા જનહીતમાં કરવામાં આવેલાં સ્ટિંગ ઓપરેશનમાં શહેરના ઘણાં વિસ્તારોની પાન-કરિયાણાની દુકાનોમાં ઈન્દોરી ગોળી સહેલાઈથી મળી ગઈ હતી. જોકે, દરેક જગ્યાએ ભાવ અલગ અલગ હતાં. પછાત વિસ્તારોમાં દસ રૂપિયાની એક લેખે અને સારા વિસ્તારોમાં ૩૦થી ૪૫ રૂપિયાના ભાવે આ ગોળીઓ વેચાતી હતી. દારૂના વેચાણ  ઉપરથી દબાણ આવતા પોલીસે ભીંસ વધારવી પડી છે એટલે આ ગોળીઓને વિકલ્પ તરીકે શહેરમાં ઘુસાડવામાં આવી રહી હોવાનું બહાર આવી રહ્યું છે. આ કૌભાંડમાં અમુક પોલીસ કર્મચારીઓની પણ ભૂમિકા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. શહેરના યુવાનો અને વિદ્યાર્થીઓ પણ ગાંજા-ભાંગની આ ગોળીઓના રવાડે ચડી ગયાનું જણાય છે.