ઓખામાં ધમધમતા જુગાર ધામ પર પોલીસ ત્રાટકી
એલસીબીના દરોડામાં મુદ્દામાલ સાથે પાંચ ઝડપાયા
ઓખાના નવી નગરી વિસ્તારમાં રહેતા કરમણભા જેમલભા માણેક નામના ૭૫ વર્ષના વૃદ્ધ દ્વારા પોતાના અંગત આર્થિક ફાયદા માટે પોતાના કબજાના રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી અને જુગાર રમવા માટે નાલ ઉઘરાવી, જુગારીઓને લાઈટ તથા ચા-પાણી જેવી સુવિધાઓ પૂરી પાડીને અહીં રમાડવામાં આવતા રોનપોલીસ નામના જુગાર પર એલસીબી પોલીસે દરોડાની કાર્યવાહી કરી હતી.
આ દરોડા દરમિયાન પોલીસે કરમણભા જેમલભા, હુસેન કરીમભાઈ સુંભણીયા, શરીફ આમદભાઈ બેતારા, અરવિંદભા માણસીભા સુમણીયા અને સલીમ હસનભાઈ થૈયમ નામના પાંચ શખ્સોને દબોચી લીધા હતા.
આ દરોડા દરમ્યાન પોલીસે રૂ. ૭,૧૯૦ ની રોકડ રકમ સહિત કુલ રૂ. ૨૨,૬૯૦ નો મુદ્દામાલ કબજે કરી, આ અંગે ઓખા મરીન પોલીસ મથકમાં જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.