BREAKING NEWS

બંગાળની જીતની વિશ્ર્વભરમાં ચર્ચા, જામનગરમાં ખીલ્યા નરેન્દ્ર મોદી

  • May 11, 2026 11:38 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બંગાળની જીતની વિશ્ર્વભરમાં ચર્ચા, જામનગરમાં ખીલ્યા નરેન્દ્ર મોદી

જનઅભિવાદન: કેમ છો, ચૂંટણીનો થાક ઉતરી ગયો, ભવ્ય વિજય મળે પછી થાક કયાંથી લાગે...?

એક સમયે ફકત મીઠું પકવતા ગુજરાતની વિકાસ ક્ષેત્રે હરળફાળથી આજે સેમીક્ધડટર ચીપ, મેટ્રોના કોચીસ, રેલવેના એન્જીન બને છે તો વિમાનના પાર્ટસ બનવાની તૈયારી:ગુલામીકાળમાં જેટલું સહન કર્યું તેની સામે ગૌરવથી ઉભા થયા છીએ: રાત્રી રોકાણ કર્યા બાદ આજે સવારે ૮.૫૦ કલાકે વડાપ્રધાન સોમનાથ જવા રવાના થયા.

બંગાળમાં પરિવર્તનથી ગુજરાતીઓએ હાશકારો અને આનંદની લાગણી અનુભવી છે, આટલું જ નહીં બંગાળની જીતની વિશ્ર્વભરમાં ચર્ચા થઇ રહી છે તેમ જામનગર આવેલા ભારતના વડાપ્રધાન નરેન્દ્વ મોદીએ જનઅભિવાનો સમારોહમાં જણાવ્યું હતું. કેમ છો, ચૂંટણીનો થાક ઉતરી ગયો, ભવ્ય વિજય મળે પછી થાક કયાંથી લાગે તેમ પ્રધાનમંત્રીએ જણાવી બંગાળમાં ૫૦ વર્ષના ખાડાની ભરપાઇ કરી દોડતું કરવાનું કામ ભાજપ કરશે તેમ ઉમેર્યું હતું. એક સમયે મીઠું પકવતા ગુજરાતની વિકાસક્ષેત્રે હરળફાળથી આજે સેમીક્ધડકટર ચીપ, મેટ્રોના કોચીસ, રેલવેના એન્જીન બને છે તો વિમાનના પાર્ટસ બનાવની તૈયારી છે અને ગુલામીકાળમાં જેટલું સહન કર્યું તેની સામે ગૌરવથી ઉભા થયા છીએ તેમ પણ કહ્યું હતું. 

બંગાળમાં ભવ્ય વિજય બાદ અને સોમાનાથમાં સ્વાભિમાન પર્વની ઉજવણી સહીતના કાર્યક્રમો અર્થે ગુજરાત આવેલા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે  જામનગરના સર્કીટ હાઉસમાં રાત્રી રોકાણ કર્યું હતું. આ પ્રસંગે શહેરમાં લાલબંગલા સર્કલમાં વડાપ્રધાનનો ભવ્ય જનઅભિવાનદ સમારોહ યોજાયો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્વ મોદીએ કાર્યક્રમમાં ઉપસ્થિત વિશાળ જનમેદનીનેે સંબોધતા જણાવ્યું હતું કે, પશ્ર્ચિમ બંગાળમાં મળેલી જીતનો આનંદ માત્ર ત્યાં પૂરતો મર્યાદિત નથી, પરંતુ તેનો આનંદ ગુજરાતીઓને પણ છે. સમગ્ર દેશમાં ખુશીનો માહોલ છે અને બંગાળની પ્રજાએ કમાલ કરી દીધી છે.

વડાપ્રધાને ગુજરાતમાં તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો પણ ઉલ્લેખ કરતાં હળવી શૈલીમાં જણાવ્યું હતું કે, ચૂંટણીનો થાક તો લાગ્યો નથી ને, ભવ્ય વિજય બાદ થાક કયાંથી લાગે, આ વખતે ગુજરાતે કમાલ કરી દીધી છે. વિધાનસભાના તમામ રેકર્ડ તોડી નાખ્યા છે. તેમણે ગુજરાતની જનતાને અભિનંદન પાઠવતા કહ્યું હતું કે ગુજરાતીઓએ ફરી એક વખત લોકશાહીમાં પોતાનો વિશ્વાસ મજબૂત રીતે વ્યક્ત કર્યો છે. સંબોધન દરમિયાન વડાપ્રધાન મોદીએ ગુજરાતના વિકાસનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે, એક સમય હતો જ્યારે ગુજરાત માત્ર મીઠું પકાવતું રાજ્ય કહેવાતું હતું, પરંતુ આજે ગુજરાતમાં સેમિક્ધડક્ટરની ચીપ, મેટ્રોના કોચીસ અને રેલવેના એન્જીન બને છે તો વિમાનના પાર્ટ્સ બનવાની તૈયારી છે.  આધુનિક ઉત્પાદન ક્ષેત્રમાં ગુજરાત વિશ્ર્વસ્તરે પોતાની ઓળખ ઉભી કરી રહ્યું છે. તેમણે ગુજરાતના ઔદ્યોગિક વિકાસ અને યુવાનોની ક્ષમતાને દેશ માટે ગૌરવની બાબત ગણાવી હતી.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ચૂંટણીમાં હાર-જીત તો થાય છે. પરંતુ બંગાળના વિજયની ચર્ચા વિશ્ર્વભરમાં છે અને બંગાળમાં ૫૦ વર્ષનો ખાડો પૂરી દોડતું કરવાનું કામ ભાજપ કરશે. તેમણે પોતાના સંબોધનમાં સોમનાથ મંદિરના જીર્ણોદ્ધારની ઐતિહાસિક વાતને પણ યાદ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે સરદાર વલ્લભભાઈ પટેલે પંચોત્તર વર્ષ પહેલાં સોમનાથ મંદિરના પુનર્નિર્માણનું કાર્ય શ‚ કરાવ્યું હતું અને હવે આ ઐતિહાસિક પ્રસંગને પંચોત્તર વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. આ અવસરે વિશેષ ઉત્સવ ઉજવવામાં આવશે તેવી જાહેરાત પણ તેમણે કરી હતી. કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયા, શિક્ષણમંત્રી રિવાબા જાડેજા, જામનગરના સાંસદ પૂનમબેન માડમ, શહેરના ધારાસભ્ય દિવ્યેશ અકબરી, શહેરના પ્રભારી ધનસુખભાઇ ભંડેરી, શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી અન્ય પદાધિકારીઓ તથા અન્ય આગેવાનો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ઉષ્માભેર સ્વાગત અને અભિવાદન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત લોકોએ ભારે ઉત્સાહ સાથે વડાપ્રધાનનું સ્વાગત કર્યું હતું અને સમગ્ર વાતાવરણ દેશભક્તિ તથા ઉત્સવના રંગોથી છલકાઈ ઊઠ્યું હતું.

રાત્રિ રોકાણ બાદ આજે સવારે ૮.પ૦ કલાકે વડાપ્રધાનનો કાફલો સર્કીટ હાઉસથી એરફોર્સ જવા રવાના થયો હતો અને ત્યાંથી હેલિકોપ્ટર મારફત નરેન્દ્રભાઇ મોદી સોમનાથ ખાતે સ્વાભિમાન પર્વમાં હાજરી આપવા પહોંચ્યા હતા, છેલ્લા ચાર દિવસથી ઉંધા માથે થયેલા આખા તંત્રએ વડાપ્રધાનની વિદાય બાદ રાહતની લાગણી અનુભવી હતી.

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application