BREAKING NEWS

સોમનાથ અમૃતપર્વ-૨૦૨૬; વિરાસત અને વિકાસના સંગમતીર્થે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવ્યું

  • May 11, 2026 02:32 PM 

સોમનાથ અમૃતપર્વ-૨૦૨૬; વિરાસત અને વિકાસના સંગમતીર્થે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવ્યું

શંખ અને ડમરુના નાદ તથા અમૃત કળશ સાથે વડાપ્રધાનનું ભવ્ય સ્વાગત-અભિવાદન; આસ્થાના અધિષ્ઠાતા સોમનાથ મહાદેવ દેવાલયમાં ડમરુના નાદ સાથે હર હર મહાદેવનો નારો ગુંજ્યો

સોમનાથ મંદિરના પુનઃનિર્માણને ગૌરવશાળી ૭૫ વર્ષ પૂર્ણ; વડાપ્રધાનશ્રીએ ભગવાન સોમનાથની મહાપૂજા, કુંભાભિષેક અને ધ્વજારોહણ કરી જન-જનની સુખાકારી માટે પ્રાર્થના કરી

સોમનાથ દિવ્ય દેવાલયના સ્વપ્નદ્રષ્ટા સરદાર પટેલને વડાપ્રધાને પુષ્પાંજલિ અર્પણ કરી

વૈભવશાળી યશોગાથા સાથે સૂર્યકિરણ ઍરોબેટિક્સ ટીમની આકાશી સલામી અને હેલિકોપ્ટરમાંથી પુષ્પવર્ષાથી સોમનાથનું નભ ગુંજી ઉઠ્યું

ભારતીય સંસ્કૃતિના તેજ અને અસ્મિતાના પ્રતીક સમાન ભગવાન સોમનાથ મહાદેવના સાંનિધ્યમાં 'સોમનાથ અમૃતપર્વ-૨૦૨૬' ઉજવાઈ રહ્યો છે. સોમનાથ મંદિરના પુનઃ નિર્માણની વિરાસતના ૭૫ વર્ષની આ ઐતિહાસિક ઉજવણીમાં સહભાગી થવા વડાપ્રધાન અને સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્રભાઈ મોદી આજે પ્રભાસ પાટણની પવિત્ર ધરા પર પધાર્યા હતા. 

સ્વાગતમાં છલકાયો ભાતીગળ વારસો:
વડાપ્રધાનના આગમન વેળાએ વીર હમીરજી સર્કલ પાસે મંદિરના મુખ્ય પ્રવેશ દ્વારે ભારતની વિવિધ સંસ્કૃતિઓની ઝાંખી પ્રસ્તુત કરતી સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ દ્વારા તેમનું વિશેષ અભિવાદન કરવામાં આવ્યું હતું. આ પથ પર વડાપ્રધાને સોમનાથની થીમ પર બનેલા આકર્ષક રેત શિલ્પને નિહાળ્યું હતું. ૭૫ ઢોલીઓ સાથે નાસિકના ઢોલ અને તૂતીના નાદ વચ્ચે પરંપરાગત પરિધાનમાં સજ્જ ૧૦૦ જેટલી બાળાઓ અને કન્યાઓએ માથે અમૃત કળશ ધારણ કરી વડાપ્રધાનને હરખભેર આવકાર્યા હતા.


અખંડ ભારતના શિલ્પીશ્રી સરદાર પટેલને પુષ્પાંજલિ અને ભક્તિમય પૂજન:
મંદિર પરિસરમાં પ્રવેશતા પૂર્વે વડાપ્રધાને અખંડ ભારતના શિલ્પી અને સોમનાથ મંદિરના પુનઃનિર્માણના સ્વપ્નદ્રષ્ટા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ભાવપૂર્વક પુષ્પાંજલિ અર્પણ કરી હતી. દિગ્વિજય દ્વાર પાસે ઋષિકુમારોના શંખ અને ડમરુના નાદ વચ્ચે ખાસ 'બેલ વોક' પરથી પસાર થઈ વડાપ્રધાન નિજ મંદિરમાં પ્રવેશ્યા હતા, જ્યાં તેમણે શાસ્ત્રોક્ત વિધિ મુજબ મહાપૂજા કરી દેશની પ્રગતિ અને જન-જનની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી.

આકાશી સલામી અને કુંભાભિષેક:
આ અવસરે વડાપ્રધાનએ સોમનાથ મહાદેવના દેવાલય પર કુંભાભિષેક અને ધ્વજારોહણ કર્યા હતા.  આ પવિત્ર ઘડીએ એર ફોર્સના બે ચેતક હેલિકોપ્ટર્સ દ્વારા મંદિર શિખર પર પુષ્પવર્ષા પણ કરવામાં આવી હતી, જેની સાથે સમુદ્ર તટે સોમનાથ મહાદેવના સાનિધ્યમાં દિવ્ય અને ભવ્ય માહોલ સર્જાયો હતો. ભારતીય વાયુસેનાની 'સૂર્યકિરણ' એરોબેટિક્સ ટીમ દ્વારા સોમનાથના નભમાં રજૂ કરવામાં આવેલા દિલધડક એર શોએ ઉપસ્થિત મેદનીને મંત્રમુગ્ધ કરી દીધી હતી. વડાપ્રધાને મંદિર પરિસરમાં સોમનાથની વૈભવશાળી વિરાસત અને ઇતિહાસને અંકિત કરતા પ્રદર્શનની પણ આ તકે મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ આ તકે ઉપસ્થિત રહ્યા હતા.       



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application