પહેલા કરતા સમાજમાં અને  પરિવારમાં સ્ત્રી માટેની માનસિકતા બદલી છે : શાસ્ત્રીય સંગીતજ્ઞ પિયુ સરખેલ

  • March 08, 2020 10:06 AM 676 views


ભારતીય શાસ્ત્રીય સંગીતમાં રાજકોટને રાજ્ય રેમજ રાષ્ટ્રિય સ્તરે કીર્તિ અપાવનાર સંગીતજ્ઞ પીયુ બેન સરખેલને અત્યાર સુધીમાં સુરમણી એવોર્ડ - ૨૦૦૧, ઇન્ડીયન યુથ કોંગ્રેસ દ્વારા પ્રિયદર્શીની એવોર્ડ - ૨૦૦૬, સખી શક્તિ એવોર્ડ -૨૦૦૭, ત્રિવેણી એવોર્ડ - ૨૦૧૨, ગુજરાત સંગીત નાટક એકેડમી દ્વારા ગુજરાત ગૌરવ પુરસ્કાર -૨૦૧૨, રાષ્ટ્રીય કક્ષાનો તાનારીરી એવોર્ડ - ૨૦૧૯ સહિતના એવોર્ડ પ્રાપ્ત થઇ ચુક્યા છે. તેઓ પાસે જાણીએ કેટલીક અનોખી પ્રેરણાત્મક વાતો...

 

૧) તમને પ્રેરણા કોઈ પાસેથી મળે છે કે તમારું પોતાનું મોટીવેશન છે ?

મારા માટે મારા પિતાજી પંડિત કમલ બંદયોપાધ્યાય જ મારા ગુરુ તથા મારો પ્રેરણાસ્ત્રોત છે. આજે ભલે તેઓ સદેહે મારી પાસે હાજર નથી પરંતુ હું જ્યારે પણ સંગીતની સાધના કરૂં છું ત્યારે તેઓ ને જ યાદ કરું છું તથા તેઓની આકૃતિ મારી સમક્ષ ઉપસી આવતી હોય છે.

 

૨) હતાશાની ક્ષણમાં તમને ટકાવી રાખનાર કોઈ એક બાબત વિશે જણાવો ?

મારા માટે સંગીત એ જ તાકાત છે, વ્યક્તિગત જીવનમાં કે પ્રોફેશનલ જીવનમાં કોઈ પણ વખતે નિરાશાની પળો આવી હોય ત્યારે બે-ત્રણ કલાક સંગીતનો રિયાઝ કરવાથી નવી ઉર્જા અને હકારાત્મકતા આવી જાય છે, અને કેટલીક પળો માટે ઈશ્વર સાથે તાદાત્મ્ય સધાય જતું હોય છે. આ સમયે સમાધિ જેવી અનુભૂતિ થતી હોય છે.

 

૩) તમારા ક્ષેત્રમાં સુવિધાઓ મળે છે ?

વ્યક્તિગત રીતે મને મારા ઘરમાંથી બધી સુવિધાઓ મળે છે, જ્યારે મારા ફિલ્ડ વિશે વાત કરું તો મારા પિતાજી કહેતા હતા કોઈ પણ સ્થિતિમાં તમે તમારું કર્મ કરતા રહો તો મોકો સામેથી મળશે. એક કલાકાર તરીકેનો હેતુ વધારે પ્રોગ્રામ કરવાનો નહીં પરંતુ સુર મળી જાય તે હોવો જોઈએ. મારા માટે સુર જ મહત્વ ધરાવે છે, આ સુર કે સંગીત એટલે જ ઈશ્વર, સાધનાને પ્રાધાન્ય આપવાથી સિદ્ધિ તથા પ્રસિધ્ધિ આપોઆપ મળી જતી હોય છે.

 

૪) તમને જો કહેવામાં આવે તો તમારા ક્ષેત્રમાં તમે શું સુધારા કરવા માંગો ?

મને મારા વિદ્યાર્થીઓને ગાતાં જોઇને પરમાનંદ થાય છે. મોટાભાગે દરેક ને આમ જ થતું હોય છે. જ્યારે કેટલાક કિસ્સાઓમાં આવું થતું ન હોય તેમ પણ બને. આ વખતે હું કહીશ કે જ્ઞાન આપવાથી વધે છે માટે સંગીત ક્ષેત્રે જો તમારી અંદર જ્ઞાન પડેલું હોય તો તમે આવનારી પેઢીને ઉદારતાથી આપો એ જ તમારો મોટું યોગદાન છે. આમ કરવાથી તમારી ધરોહર પણ જળવાઈ રહેશે અને ભવિષ્યમાં તમે ન હોય તો તમારા શિષ્યો તમારી સંગીતની ધરોહરને આગળ લઈ જશે.

 

૫ ) તમારા હાથમાં સત્તા આપવામાં આવે તો મહિલાઓ માટે સૌપ્રથમ કયો નિર્ણય લો ?

હું મહિલા છું ત્યારે એક મહિલા તરીકે બીજી મહિલાને સમજીશ અને આગળ આવવા માટે પ્રોત્સાહન મળે તે પ્રકારના પગલાં ભરીશ.

 

૬) તમારી દ્રષ્ટિએ મહિલાઓ માટે આજનું વાતાવરણ કેવું છે ?

પહેલા કરતા સમાજમાં અને ઘર-પરિવારમાં માનસિકતા ઘણી બધી બદલાય છે. પહેલા જે બહાર નીકળવા માટેના પ્રતિબંધ હતા તે હવે દૂર થયા છે તે સારું લાગે છે. સ્ત્રીઓ દરેક ક્ષેત્રમાં સમાજમાં આગળ વધી શકે તે માટે પરિવારમાંથી છૂટ મળે છે. આ ઉપરાંત સામાન્ય રીતે સમાજમાં સારી અને ખરાબ બંને પ્રકારની ઘટનાઓ સામે આવતી હોય છે. જ્યારે સ્ત્રીઓ સાથે ખરાબ ઘટનાઓ વખતે એક જ પરિમાણથી વિચારતી નથી, કોઈ એક ખરાબ ઘટના બને છે ત્યારે બધા જ પુરુષોને ખરાબ માનતી નથી. એવા પુરુષો પણ હોય છે જે સ્ત્રીઓને બચાવવા માટે આગળ આવતા હોય છે. આજે અન્યાયનો સામનો કરનારા સ્ત્રી હોય કે પુરૂષ આગળ આવે છે તે મોટી બાબત ગણી શકાય.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application