દ્વારકા: નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિરનાં ટ્રસ્ટીઓનાં વિવાદમાં લેવાયું અરજદારનું નિવેદન
લેન્ડ ગ્રેબિંગ પ્રકરણ તથા ભ્રષ્ટાચાર સહિતની બાબતો સાથે ટ્રસ્ટીઓ વિરૂદ્ધ જતો મામલો: પ્રાંત અધિકારી પછી ડીવાયએસપી કચેરીએથી પણ અરજદારને તેડું
દ્વારકા પંથકનાં શ્રી નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિરનાં ટ્રસ્ટીઓ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબીશન એક્ટ અંતર્ગત કાર્યવાહી કરવા સ્થાનિક થી લઇને વડાપ્રધાન કાર્યાલય સુધી રજૂઆતો થતા આખરે આ મુદ્દે પ્રાંત અધિકારી દ્વારા સંબંધિત પક્ષ અને અરજદારને પણ પોતાનો પક્ષ રજૂ કરવા તથા નિવેદન આપવા હાજર થવા તાકીદ કરવામાં આવી હતી. જે પછી અરજદાર જયાબેન કેશુભારથી ગોસાઈનાં કુલ મુખત્યાર દરજ્જે ચેતનભારથી દ્વારા વિવિધ મુદ્દે ટ્રસ્ટી સહિતનાઓ વિરુદ્ધ નિવેદન નોંધાવવામાં આવ્યુ છે.
મંદિર સંલગ્ન જમીનો સરકારી હોવાનાં તથા ટ્રસ્ટીઓ દ્વારા ૪૦ વર્ષથી ભ્રષ્ટાચાર થતા હોવાનાં આરોપ સાથે જ ચેતનભાઇ ગોહેલ નામનાં ટ્રસ્ટી જમીન પચાવી પાડવા સંબંધિત ગુન્હામાં સંડોવાયેલા હોવા અંગે (એફ.આઇ.આર. ની નકલ સાથે) રજૂઆત તથા જ્યોત્સનાબેન ગિરધરભારથી ગોસ્વામી દ્વારા હેમાબેન હસમુખમભારથી ગોસ્વામી વગેરે વિરુદ્ધ કબ્જો ખાલી કરાવવા તથા જાનથી મારી નાખવાની ધમકી બાબતે મીઠાપુર પોલીસ સ્ટેશનમાં થયેલ ફરીયાદની નકલ વગેરે રજૂ કર્યુ છે.
આ સાથે રાજકોટ ચેરીટી કમિશ્નરનાં હુકમ અનુસાર શિવલીંગને સ્પર્શવાની મનાઇ હોવા છતા ટ્રસ્ટીઓ નિજ મંદિરમાં પ્રવેશવાનાં અને શિવલીંગને સ્પર્શવાનાં પૈસા યાત્રાળુઓ પાસેથી ઉઘરાવે છે.
શ્રી નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિર હોય તેનાં કથિત ગેરવહીવટની તપાસ કરવા તથા સરકાર હસ્તક લેવા સહિતનાં મુદ્દે નિવેદન આપવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે પ્રાંત અધિકારીએ નિવેદન નોંધ્યા પછી હવે આ પ્રકરણમાં અરજદારને રૂબરૂ નિવેદન આપવા માટે નાયબ પોલીસ અધિક્ષકની કચેરી દ્વારા પણ તાકીદ કરવામાં આવી છે જેને પગલે આ પ્રકરણમાં હવે નવાજૂની એંધાણ વર્તાઈ રહ્યાં છે.
મંદિર અને આસપાસની જગ્યા સરકારી હોવાનું એસડીએમ એજ જાહેર કર્યું છે.
દ્વારકા વિસ્તારમાં અતી ચચાઁસ્પદ નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિરમા ગેરરીતી અને ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે ધારાસભ્ય અને આજુબાજુના ગામના સરપંચોના વિરોધ બાદ દ્વારકાના પ્રાત અધિકારી દ્વારા તપાસ કરવામાં આવતા આ જમીન સરકારી હોવાનું ગત તારીખ ૯-૧-૨૬ ના ઓર્ડરમા એસડીએમ દ્વારા જ જાહેર કરવામાં આવ્યું છે.
જેમનાં વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગની રજૂઆત છે એ પૈકીનો એક આરોપી જમીન પચાવી પાડવા અંગે ગુન્હાહિત ઈતિહાસ, શ્રી નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિરનાં ટ્રસ્ટીઓ સહિતનાં ૨૧ વ્યક્તિ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબીશન એક્ટ હેઠળ કાર્યવાહી કરવા રજૂઆતો થઇ છે જે પૈકીનાં નાગેશ્વર જ્યોતિર્લિંગનો ટ્રસ્ટી ચેતનભાઇ માલદેભાઇ ગોહેલ તથા અન્ય ત્રણ વ્યક્તિ પર બરડીયામાં એક આસામીની સંયુક્ત માલિકીની જમીન નકલી દસ્તાવેજોથી પચાવી પાડવાનાં આરોપ લાગ્યા છે અને ગુન્હો નોંધાયો છે.