ગાંધીનગર પાછળ વેસ્ટ ટુ એનર્જી કંપનીના દુર્ગંધ અને અવાજ સામે લોકોમાં ગુસ્સો

  • February 01, 2023 07:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં ગાંધીનગર-નવાગામ વિસ્તારમાં ઘન કચરાના પ્લાન્ટની વેસ્ટ ટુ એનર્જી કંપનીમાંથી સતત દુર્ગંધ અને અવાજ આવતો હોય લોકો ત્રાસી ગયા છે, રાત્રે ભયંકર અવાજને કારણે લોકો સુઇ શકતા નથી, એટલું જ નહીં ડસ્ટને કારણે આરોગ્ય ઉપર ખતરો છે, આ અંગે સતત રજૂઆત કરવા છતાં પણ કોઇ ઉકેલ આવતો ન હોય, આખરે લોકોએ આ અંગે રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલને હેલ્પ લાઇન નંબર ઉપર પણ જાણ કરી અને કચરાના પ્લાન્ટના ફોટા અને વિડીયો મોકલ્યા છે, એક જ દિવસમાં ૫૦થી વધુ ફરિયાદો મોકલવામાં આવી છે, આ અંગે તાત્કાલીક ઘટતું નહીં કરાય તો આંદોલન કરાશે તેવી સ્પષ્ટ ચિમકી પણ નગરસેવીકા રચના નંદાણીયાએ પણ આપી છે. 


જલારામ પાર્કમાં રહેતા રાજેન ચૌહાણ, નિલેશ પાઠક, મીનાબા જાડેજા, વિજયસિંહ જાડેજા સહિતના રહીશોએ રાજયના મુખ્યમંત્રીને પત્ર લખીને જણાવ્યું છે કે, એબેલોન કંપની દ્વારા વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ ગાંધીનગર-નવાગામ વિસ્તારમાં નાખવામાં આવ્યો છે, ૧૮થી ૨૦ હજાર લોકોની માનસીક શાંતી ડોહળાઇ ગઇ છે, આ પ્લાન્ટમાંથી અતિશય દુર્ગંધ આવે છે અને રાખ નિકળતી હોવાથી માથાના દુ:ખાવા પણ થાય છે, આ અંગે કલેકટર, કમિશ્નર અને ગુજરાત પ્રદુષણ બોર્ડના વડાને જાણ કરવા છતાં પણ કઇ થયું નથી.






લોકો અગાસીમાં કપડા સુકવી શકતા નથી, સતત દુર્ગંધ અને અવાજને કારણે વિદ્યાર્થી વાંચી શકતા નથી, લગભગ બે લાખ જેટલા લોકોના આરોગ્ય પર ખતરો ઉભો થયો છે, હજુ બે અઠવાડીયા પહેલા જ રચના નંદાણીયાના નેજા હેઠળ આ કંપનીને તાત્કાલીક બંધ કરવા માટે મ્યુ.કમિશ્નરને એક આવેદન પત્ર આપવામાં આવ્યું હતું ત્યારબાદ છેલ્લા બે દિવસથી રાજયના મુખ્યમંત્રીના વોટસએપ ઉપર તેમજ હેલ્પલાઇન નંબર ઉપર ફોટા અને વિડીયો મોકલવામાં આવ્યા છે, લોકોએ જણાવ્યું છે કે, અવારનવાર પ્લાન્ટમાં ધમાકા જેવો અવાજ થાય છે અને ચિમનીમાં ભડકો થતાં લોકો ગભરાઇ જાય છે.


ફકત બે દિવસમાં ૫૦થી વધુ નાગરિકોએ મુખ્યમંત્રીને જાણ કરી છે, મહીલાઓ દુર્ગંધને કારણે પરેશાન છે, રૂ.૭૪ કરોડના ખર્ચે ખાનગી કંપની દ્વારા ઘન કચરો બાળીને વિજળી પેદા કરવાનો પ્રોજેકટ શરૂ થયો છે ત્યારથી લોકો ખુબ જ ત્રાસી ગયા છે, નગરસેવીકા રચના નંદાણીયાએ જણાવ્યું છે કે, અમોએ તમામ વિભાગમાં ફરિયાદ કરી છે અને આગામી દિવસોમાં આ પ્લાન્ટ બંધ નહીં કરાય તો ગાંધી ચિંઘ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેવી પણ ચેતવણી આપવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application